કાકા શરદ પવારે પક્ષની સ્થાપનામાં મહત્ત્વનું કામ કર્યું

11 June, 2024 11:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

NCPના પચીસમા સ્થાપના દિવસે અજિત પવારે ભાવુક થઈને કહ્યું...

અજીત પવાર

નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)નો ગઈ કાલે પચીસમો સ્થાપના દિવસ હતો એ નિમિત્તે મુંબઈમાં આયોજિત પક્ષના પદાધિકારી-કાર્યકરોના કાર્યક્રમમાં NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે ‘બધાએ ખભા સાથે ખભો મિલાવીને પક્ષને આગળ વધાર્યો છે. કેટલાક નેતા આપણી સાથે નથી. શરદ પવારે પણ પક્ષની સ્થાપનામાં મહત્ત્વનું કામ કર્યું છે. હું તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. પક્ષની સ્થાપના કરતી વખતે સોનિયા ગાંધીનો વિદેશી મુદ્દો ધ્યાનમાં રાખવામાં આવ્યો હતો. જોકે એ સમયે આપણને ચૂંટણી લડવા માટે ઓછો સમય મળ્યો હતો એટલે ધાર્યું પરિણામ નહોતા મેળવી શક્યા. આપણી મહાત્મા ફુલે, છત્રપતિ, શાહૂ અને બાબાસાહેબ આંબેડકરની વિચારધારા હતી અને રહેશે. પક્ષનો વિસ્તાર કરવો હોય તો સતત કામ કરતા રહેવું પડશે. આગામી સમયમાં યુવાઓને તક આપવામાં આવશે. કેટલાક પ્રધાનોએ વિધાનસભાની જવાબદારી લેવી પડશે. નવા જોમથી ફરી ઊભા થઈશું.’

નરેન્દ્ર મોદીની સરકારમાં પ્રધાનપદ ન મળવા વિશે થઈ રહેલી જાત-જાતની અટકળો વિશે અજિત પવારે કહ્યું હતું કે ‘હું પક્ષના વરિષ્ઠ નેતાઓ સાથે બે દિવસથી દિલ્હીમાં હતો. અમે BJPના વરિષ્ઠ અમિત શાહ, જે. પી. નડ્ડા અને રાજનાથ સિંહ સાથે બેઠકો કરી હતી. લોકસભામાં આપણી એક જ બેઠક છે એટલે તેમણે સ્વતંત્ર પ્રભાર સાથે રાજ્યકક્ષાના પ્રધાનપદની ઑફર કરી હતી. અમે એ નકારી કાઢી હતી. ઑગસ્ટ મહિના સુધીમાં આપણા રાજ્યસભાના ચાર સંસદસભ્ય હશે એટલે આ સંખ્યાને આધારે કેન્દ્ર સરકારમાં એક કૅબિનેટ પ્રધાનપદ મેળવીશું. અમે કેન્દ્ર અને રાજ્ય સરકારની સાથે જ છીએ એટલે કોઈ અફવા પર ધ્યાન ન આપો. શક્ય હોય તો આ બાબતે મીડિયામાં પણ કોઈ ચર્ચા કરવાનું ટાળજો.’ ઉલ્લેખનીય છે કે કૉન્ગ્રેસમાંથી અલગ થઈને શરદ પવારે ૧૯૯૯ની ૧૦ જૂને NCPની સ્થાપના કરી હતી જેને ગઈ કાલે પચીસ વર્ષ થયાં હતાં.

mumbai news mumbai ajit pawar sharad pawar nationalist congress party