વાત જ જવા દો વિસ્તારાની

03 April, 2024 07:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વીફરેલા પાઇલટો રજા પર ઊતરી ગયા એટલે બીજા દિવસે પણ બાવન ફ્લાઇટ કૅન્સલ, એમાંથી મુંબઈની ૧૫ હતી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

વિસ્તારા ઍરલાઇન્સના પૅસેન્જરો માટે મંગળવારની સવાર કપરી હતી. દેશનાં વિવિધ શહેરોમાં વિસ્તારાની બાવન ફ્લાઇટ કૅન્સલ કરવી પડી હતી. કારણ હતું પાઇલટોનો અભાવ. સૅલેરી-સ્ટ્રક્ચરમાં ફેરફારના વિરોધમાં સંખ્યાબંધ પાઇલટો એકસાથે ​િસક લીવ પર ઊતરી જવાથી આ સ્થિતિ સર્જાઈ હતી. માત્ર મુંબઈમાંથી જ ૧૫ ફ્લાઇટ ટેકઑફ થવાની હતી, પણ પાઇલટ નહીં હોવાથી કૅન્સલ કરવી પડી હતી. દિલ્હીમાંથી ૧૨ અને બૅન્ગલોરમાંથી ૧૧ ફ્લાઇટ કૅન્સલ કરવામાં આવી હતી.

જોકે આ માત્ર મંગળવારની વાત નથી. સોમવારે વિસ્તારાને ૫૦ ફ્લાઇટ કૅન્સલ કરવી પડી હતી અને ૧૬૦ મોડી પડી હતી. ઍરલાઇન અને પાઇલટો વચ્ચેના વિખવાદના કારણે પૅસેન્જરોને વેઠવાનો વારો આવ્યો હતો. મુંબઈ સહિતનાં જે શહેરોમાં ફ્લાઇટ કૅન્સલ થઈ હતી ત્યાં પૅસેન્જરો પરેશાન થઈ ગયા હતા. અનેક પૅસેન્જર્સે ઍરલાઇન દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોવાની તથા કોઈ જાતનું કમ્યુનિકેશન કરવામાં આવતું નથી એવી ફરિયાદો કરી હતી. સળંગ બે દિવસ ફ્લાઇટો કૅન્સલ થયા બાદ નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ વિસ્તારા પાસે વિસ્તૃત રિપોર્ટ મગાવ્યો હતો.

આગામી દિવસોમાં પણ ફ્લાઇટો કૅન્સલ થશે? 
ઍરલાઇન અને પાઇલટ્સ વચ્ચે હજી કોઈ નક્કર સમાધાન થયું નથી. જોકે ફ્લાઇટ કૅન્સલ થવા માટે ઍરલાઇન દ્વારા ‘ઑપરેશનલ ઇશ્યુઝ’ એવું કારણ આગળ ધરવામાં આવ્યું છે. વિસ્તારા ઍરલાઇનની માલિકીમાં તાતા ગ્રુપ અને સિંગાપોર ઍરલાઇન્સનો પણ હિસ્સો છે. બન્નેએ સ્થિતિ સામાન્ય બનાવવા માટે કામગીરી ચાલી રહી હોવાનું જણાવ્યું હતું. 

વિસ્તારાના પાઇલટો કેમ નારાજ છે?
 વિસ્તારા ઍરલાઇનનું ટૂંક સમયમાં ઍર ઇન્ડિયા સાથે મર્જર થવા જઈ રહ્યું છે. મર્જર અગાઉ પાઇલટોને નવું સૅલેરી-સ્ટ્રક્ચર ઈ-મેઇલથી મોકલવામાં આવ્યું હતું અને એના પર ઝડપથી સહી કરવા જણાવાયું હતું. ઍરલાઇને એવી ચેતવણી આપી હતી કે જે પાઇલટ સહી નહીં કરે તેમને મર્જરમાંથી બહાર રાખવામાં આવશે. આ વૉર્નિંગ અને નવા સૅલેરી-સ્ટ્રક્ચરથી નારાજ પાઇલટો સામૂહિક સિક લીવ પર ઊતરી ગયા હતા.

mumbai news mumbai singapore