ઇન્ટરનૅશનલ વિમેન્સ ડેએ મહિલા પોલીસને મળી અનોખી સરપ્રાઇઝ

10 March, 2022 11:08 AM IST  |  Mumbai | Mehul Jethva

૩૦૦ મહિલા પોલીસને બંદોબસ્તના નામે રાયગડના સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસની ઑફિસ પર બોલાવીને પછી થિયેટરમાં ફિલ્મ બતાવવામાં આવી

ઇન્ટરનૅશનલ વિમેન્સ ડેએ ફિલ્મ જોવા પહોંચેલી મહિલા પોલીસ

ઇન્ટરનૅશનલ વિમેન્સ ડેએ મહિલા પોલીસ અધિકારીઓને સરપ્રાઇઝ આપવા રાયગડ પોલીસ ક્ષેત્રમાં કાર્યરત ૩૦૦ મહિલા અધિકારીઓને ફોન કરીને બંદોબસ્ત માટે કમિશનરની ઑફિસ પર હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું. એ પછી તેમને પોલીસ વૅનમાં બેસાડીને થિયેટરમાં લઈ જવામાં આવી હતા અને મરાઠી ફિલ્મ બતાવવામાં આવી હતી.

પોલીસ ડિપાર્ટમેન્ટમાં કાર્યરત મહિલાઓ ૩૬૫ દિવસ કોઈ પણ તહેવારે કે બીમારીઓ સાથે ઘરના પ્રસંગોને બાજુ પર રાખીને ફરજ બજાવતી હોય છે. એ જોઈને રાયગડ પોલીસના ઍડિશનલ એસપી અતુલ ઝેંડેએ રાયગડ ક્ષેત્રમાં કાર્યરત મહિલાઓને સરપ્રાઇઝ આપવા તેમને વૉટ્સઍપ અને ફોન કરીને બંદોબસ્ત માટે સુપરિટેન્ડન્ટની ઑફિસમાં પહોંચવાનો આદેશ આપવામાં આવ્યો હતો. એ પછી ભેગી થયેલી મહિલાઓને પોલીસ વૅનમાં બેસાડીને થિયેટર પર લઈ જવામાં આવી હતી. ત્યાં તેમને મરાઠી મૂવી ‘પાવનખિંડ’ બતાવીને સરપ્રાઇઝ આપવામાં આવી હતી.

રાયગડ પોલીસના ઍડિશનલ એસપી અતુલ ઝેંડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા ક્ષેત્રમાં કાર્યરત મહિલા પોલીસોને સરપ્રાઇઝ આપવા માટે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. મોટા ભાગની મહિલા પોલીસ યુનિફૉર્મમાં બંદોબસ્તમાં આવી  હતી. તેમને થિયેટરમાં મૂવી માટે લઈ જવાતાં તેઓ ખુશ થઈ ગઈ હતી.’

રાયગડ પોલીસ વિભાગમાં મહિલા ભરોસા સેલમાં કાર્યરત પોલીસ કૉન્સ્ટેબલ મનીષા પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને એક વાગ્યે બંદોબસ્ત માટે સુપરિટેન્ડન્ટ ઑફ પોલીસની ઑફિસ પર બોલાવવામાં આવી હતી. એ પછી મારા જેવી ૩૦૦ પોલીસ ભેગી થતાં બંદોબસ્તમાં જવા મોટી પોલીસ વૅનમાં બેસાડવામાં આવી હતી. એ પછી અમને થિયેટર પર લઈ જતાં અમે રાજી-રાજી થઈ ગઈ હતી.’

mumbai mumbai news international womens day mumbai police mehul jethva