15 January, 2024 07:19 AM IST | Mumbai | Priti Khuman Thakur
૭૫ વર્ષ પહેલાં આજના દિવસે બ્રિટિશરોએ આર્મીનો કમાન્ડ ઇન્ડિયન આર્મીને સોંપ્યો હતો
મુંબઈ : ૭૫ વર્ષ પહેલાં એટલે કે ૧૫ જાન્યુઆરી ૧૯૪૮ના દિવસે બ્રિટિશરો દ્વારા આર્મીનો સંપૂર્ણ પાવર ઇન્ડિયન આર્મીને આપવામાં આવ્યો હતો. એટલે ભારતમાં ૧૫ જાન્યુઆરીને આર્મી ડે તરીકે ઓળખવામાં આવે છે. જોકે આ દિવસ ઇતિહાસના મહત્ત્વના દિવસમાંનો એક હોવા છતાં લોકોને એની જોઈએ એટલી જાણ નથી. આ દિવસ પ્રત્યે ભારતના લોકોમાં જાગૃતિ આવે એવા ઉદ્દેશ અને ખ્યાલ સાથે દાદરના દાદર વ્યાપારી સંઘ દ્વારા એની અનોખી રીતે ઉજવણી કરવામાં આવશે. એ માટે દાદરના ૧૯૦ વેપારીઓ દ્વારા દસ લાખ રૂપિયા ભેગા કરવામાં આવ્યા છે. આ રકમને આર્મી માટે તૈયાર કરાયેલા ઑક્સિજન પ્લાન્ટ માટે ડોનેટ કરવામાં આવશે તેમ જ માટુંગા-વેસ્ટમાં આવેલા યશવંત નાટ્યમંદિરમાં ૧૫ જાન્યુઆરીએ દેશભક્તિનાં ગીતો અને આર્મીના પરિવારજનો તથા આર્મીના જીવનથી લઈને વિવિધ વાતો કરવા સમર્પણાંજલિ કાર્યક્રમ યોજાશે.
અમૃત મહોત્સવ ઊજવીએ
આર્મી-ડેની આપણા દેશમાં ખાસ ઉજવણી થતી નથી એ નવાઈની વાત છે એટલે લોકોમાં જાગરૂકતા લાવવી જરૂરી છે એમ કહેતાં દાદર વ્યાપારી સંઘના સેક્રેટરી દીપક દેવરુખકરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ભારતમાં અનેક દિવસો મોટા પાયે ઊજવાતા હોય છે, પરંતુ આર્મી-ડે જેવા મહત્ત્વના દિવસની કેમ ભવ્ય રીતે ઉજવણી થતી નથી? એનું મુખ્ય કારણ એ છે કે લોકોમાં એ વિશે અજ્ઞાન છે. એટલે લોકોમાં જ્ઞાન અને જાગરૂકતા લાવવા માટે દાદર વ્યાપારી સંઘ પ્રયાસ કરી રહ્યો છે. જેમ દેશની સ્વતંત્રતાનો ૭૫મો અમૃત મહોત્સવ ઊજવ્યો હતો એમ આર્મી-દિવસનાં પણ ૭૫ વર્ષ પૂરાં થયાં હોવાથી અમે એનો અમૃત મહોત્સવ ઊજવી રહ્યા છીએ. નિવૃત્ત આર્મી ઑફિસર યોગેશ ચીથડેના કહેવા પ્રમાણે હિમાલયના હાઈએસ્ટ બૅટલફીલ્ડ ઑફ વર્લ્ડ સિયાચીન પર ઑક્સિજનનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. આ જગ્યાએ આર્મીના જવાનોને સુરક્ષા-વ્યવસ્થા અથવા બૅટલ વખતે ઑક્સિજન ઓછો હોવાથી અનેક પ્રકારની સમસ્યાઓ આવે છે. એટલે આ નિવૃત્ત આર્મી ઑફિસરે તેમના જીવનની કમાણી અને પોતાની પ્રૉપર્ટી સુધ્ધાં આપીને સોલ્જર્સ ઇન્ડિપેન્ડન્ટ રીહૅબિલિટેશન ફાઉન્ડેશન - પુણે (એસઆઇઆરએફ) નામનું એનજીઓ બનાવીને ઑક્સિજન જનરેશન પ્લાન્ટ ડોનેટ કર્યો છે. આટલા વિચારો તેઓ નિવૃત્ત થયા બાદ પણ દેશના આર્મીના જવાનો માટે કરી શકે છે તો આપણે કેમ નથી કરી શકતા?’
દાદરના વેપારીઓ હંમેશાં આર્મી સાથે
આ વાત સાંભળીને વેપારીઓએ ભેગા થઈને ફન્ડ જમા કર્યું છે એમ કહેતાં દાદર વ્યાપારી સંઘના પ્રેસિડન્ટ સુનીલ શાહે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આર્મી માટે અમે કંઈ કરવા ઇચ્છતા હોવાથી તેમના માટે સૌથી જરૂરી છે ઑક્સિજન. એટલે આ પ્લાન્ટ માટે દાદરના ૧૯૦ વેપારીઓએ ભેગા મળીને દસ લાખ રૂપિયા ભેગા કર્યા છે. એ અમે ૧૫ જાન્યુઆરીએ માટુંગામાં દેશભક્તિનો કાર્યક્રમ રાખ્યો છે એમાં આપીશું. વેપારીઓએ ગ્રાહકોનો આભાર માનતાં કટઆઉટ્સ પણ બનાવ્યાં છે, જેમાં કર્તવ્યપથ કરીને બધું લખ્યું છે. અમે ગ્રાહકોનો આભાર માન્યો છે કે તેમને કારણે અમે આવું કંઈ કરી શક્યા છીએ. અમારો સંઘ આ જવાનો સાથે હંમેશાં ઊભો રહેશે જે પોતાના પરિવારથી દૂર રહીને દિવસ-રાત આંધી-તૂફાન અને કડકડતી ઠંડીમાં પણ આપણી અને દેશની સુરક્ષા કરવા ફરજ બજાવે છે. એટલે આ દિવસને પણ અન્ય દિવસો કરતાં વિશેષ રીતે ઊજવવો જરૂરી છે.’