03 June, 2023 10:33 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શરદ પવાર (ફાઇલ તસવીર)
રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (રાકાંપા)ના પ્રમુખ શરદ પવારે ઓડિશાના બાલાસોર રેલ અકસ્માતની તપાસ કરાવવાની માગ કરી છે. આ ભીષણ રેલ અકસ્માતમાં અત્યાર સુધી 288 લોકોના મોત અને 800થી વધુના ઈજાગ્રસ્ત થવાના સમાચાર છે.
અકસ્માત બાદ નૈતિક આધાર પર રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવના રાજીનામાંની માગ વિશે પ્રશ્ન ઉઠાવવા પર પવારે એક રેલ દુર્ઘટના બાદ તત્કાલીન રેલ મંત્રી લાલ બહાદુર શાસ્ત્રીના રાજીનામાંનું ઉદાહરણ આપ્યું અને કહ્યું, "સત્તામાં બેઠેલા લોકોને, જે યોગ્ય હોય, તે કરવું જોઈએ."
ઓડિશામાં બેંગ્લુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ, કોરોમંડલ એક્સપ્રેસ અને એક માલગાડીની અથડામણને કારણે આ ભીષણ અકસ્માતમાં લગભગ 2000 જેટલા પ્રવાસીઓ પ્રભાવિત થયા છે. પવારે પત્રકારોને કહ્યું, "આ એક અકસ્માત છે અને બધાએ તપાસની માગ કરી છે. તથ્યો સામે આવવા દો, ત્યાર બાદ જ કોઈ સલાહ આપી શકાય છે."
આ પણ વાંચો : તો ન થયો હોત આ અકસ્માત... રેલમંત્રી સામે મમતા બેનર્જીએ ઉઠાવ્યા પ્રશ્ન
કેટલાક દળો દ્વારા રેલ મંત્રી વૈષ્ણવનું રાજીનામું માગવા પર રાષ્ટ્રીય કૉંગ્રેસ પ્રમુખે કહ્યું, "જ્યારે લાલ બહાદુર શાસ્ત્રી રેલ મંત્રી હતા, એક દુર્ઘટના થઈ હતી. તે સમયે વડાપ્રધાન જવાહરલાલ નેહરૂ રાજીનામું આપવાના વિરોધમાં હતા, પણ શાસ્ત્રીજીને લાગ્યું કે પદ છોડવું તેમની નૈતિક જવાબદારી છે." પવારે કહ્યું, "આખો દેશ આ ઉદાહરણ જાણે છે અને સત્તામાં હાજર હોય તે લોકોને જે યોગ્ય લાગે છે તે જ કરવું જોઈએ."