મોદીએ કહ્યું, ‘નોટોના ઢગલા જુઓ’

09 December, 2023 11:20 AM IST  |  Raipur | Gujarati Mid-day Correspondent

કૉન્ગ્રેસના રાજ્યસભાના સભ્યના પ્રિમાઇસિસ પર દરોડા દરમ્યાન લગભગ ૨૫૦ કરોડ રૂપિયાની કૅશ મળી, વડા પ્રધાન પણ આ મામલે વિપક્ષ પર કટાક્ષ કરવાની તક ન ચૂક્યા, એટલી કૅશ મળી કે લોડ પડતાં કાઉન્ટિંગ મશીન ખરાબ થઈ ગયાં

વડા પ્રધાન નરેન્દ્ર મોદી (ડાબે), ઓડિશામાં અનેક સ્થળે દરોડામાં સર્ચ ઑપરેશનમાં આવકવેરા વિભાગે જપ્ત કરેલી કરોડો રૂપિયાની કૅશ

ઝારખંડના કૉન્ગ્રેસના રાજ્યસભાના સભ્ય ધીરજ સાહૂના પ્રિમાઇસિસ સહિત કેટલીક જગ્યાઓએ ગઈ કાલે ત્રીજા દિવસે પણ ઇન્કમ-ટૅક્સના દરોડા ચાલ્યા હતા. રાંચીના રેડિયમ રોડસ્થિત સુશીલા નિકેતનમાં ત્રીજા દિવસે પણ ઇન્કમ-ટૅક્સની ટીમ રેઇડ પાડી રહી છે. આ દરોડામાં જેટલા મોટા પ્રમાણમાં નોટોનાં બંડલ્સ મળી રહ્યાં છે એ આશ્ચર્યજનક છે. ત્યાં સુધી કે નોટ્સની ગણતરી કરી રહેલાં કૅશ કાઉન્ટિંગ મશીન્સ પર એટલો બધો લોડ પડ્યો કે એ પણ ખરાબ થઈ ગયાં હતાં. હવે ૩૬ મશીન્સનો ઉપયોગ થઈ રહ્યો છે. રાંચી સિવાય લોહરદગા અને ઓડિશાના સંબલપુર રાઉરકેલા બોલાંગીર સહિત છથી વધુ જગ્યાઓએ ઇન્કમ-ટૅક્સ વિભાગે દરોડા પાડ્યા છે. રેઇડમાં એટલા મોટા પ્રમાણમાં કૅશ મળી છે કે એને બૅન્ક સુધી લઈ જવા માટે ટ્રકની જરૂર પડી હતી. ૨૦૦ કરોડ રૂપિયાની ગણતરી થઈ ચૂકી છે. કુલ કૅશ લગભગ ૨૫૦ કરોડ રૂપિયાની આસપાસ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

આ રેઇડ મામલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિરોધ પક્ષોને શાબ્દિક ચાબખા માર્યા છે. તેમણે ત્રણ લાફિંગ ઇમોજીની સાથે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર આ મામલે ​મીડિયા રિપોર્ટ શૅર કરીને લખ્યું હતું કે ‘દેશના લોકો, આ નોટોના ઢગલાને જુઓ અને એ પછી તેમના નેતાઓની પ્રામાણિકતાનાં ભાષણો સાંભળો. જનતા પાસેથી જે લૂંટ્યો છે એ દરેકેદરેક રૂપિયો પાછો આપવો પડશે. આ મોદીની ગૅરન્ટી છે.’

ઇન્કમ-ટૅક્સ ડિપાર્ટમેન્ટના સોર્સિસે જણાવ્યું હતું કે આ રકમ ઓડિશાના બોલાંગીરથી જપ્ત કરાઈ છે જ્યાં ધીરજ સાહૂ અને તેમના ફૅમિલી મેમ્બર્સની લિકર કંપની છે. બલદેવ સાહૂ ઍન્ડ ગ્રુપ ઑફ કંપનીઝ સાહૂપરિવારની છે. આ કંપનીનો ઓડિશામાં લિકરનો લગભગ ૪૦ વર્ષ જૂનો બિઝનેસ છે. ધીરજ સાહૂના ફાધર બલદેવ સાહૂ હતા. જેમના નામ પર આ ગ્રુપનું નામ રાખવામાં આવ્યું છે. જેમાં ધીરજ સાહૂ સિવાય તેમના પરિવારના અન્ય કેટલાક મેમ્બર્સ પણ છે. જોકે ૨૦૧૮માં ધીરજ સાહૂએ ચૂંટણી સોગંદનામામાં પોતાની સંપત્તિ ૩૪ કરોડ રૂપિયા જ બતાવી હતી.

બુધવારે ઇન્કમ-ટૅક્સ ડિપાર્ટમેન્ટે બૌધ ડિસ્ટિલરીઝ પ્રાઇવેટ લિમિટેડ અને એના પ્રિમાઇસિસ પર દરોડા પાડ્યા હતા. બલદેવ સાહૂ ઍન્ડ ગ્રુપ ઑફ કંપનીઝ, બૌધ ડિસ્ટિલરી પ્રાઇવેટ લિમિટેડની એક પાર્ટનરશિપ ફર્મ છે. આ ગ્રુપના અનેક બિઝનેસ છે જેમાં ક્વૉલિટી બૉટલર્સ પ્રાઇવેટ લિમિટેડ, કિશોર પ્રસાદ વિજય પ્રસાદ બેવરેજ પ્રાઇવેટ લિમિટેડ, બલદેવ સાહૂ ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ વગેરે સામેલ છે.

૯ તિજોરીઓમાં નોટ્સ હતી

સોર્સિસ અનુસાર બલદેવ સાહૂ ઍન્ડ ગ્રુપ ઑફ કંપનીઝની ઑફિસોમાં ૯ તિજોરીઓમાં આ નોટ્સ હતી. કૅશને બૅન્ક સુધી લઈ જવા માટે ૧૫૭ બૅગ્સ લાવવામાં આવી હતી. એમ છતાં બૅગ્સ ઘટી તો કોથળાંઓમાં કૅશ ભરવામાં આવી હતી. 

bharatiya janata party narendra modi congress jharkhand national news