15 June, 2024 06:57 AM IST | Mumbai | Rajendra B Aklekar
કુર્લા મિલ્ક ડેરીનો એરિયલ વ્યુ (નીચે) અને ૨૧ એકરમાં પથરાયેલી આ જગ્યાએ ધારાવીના રહેવાસીઓનું પુનર્વસન કરવાની યોજનાનો વિરોધ કરી રહેલા કુર્લાવાસીઓની ફાઇલ તસવીર.
કુર્લા-ઈસ્ટમાં નેહરુનગરના રહેવાસીઓને જ્યારે ગુરુવારે સવારે જાણ થઈ કે મહારાષ્ટ્ર સરકારે ધારાવીના ઝૂંપડાવાસીઓને રીહૅબિલિટેટ કરવા માટે ૨૧ એકરમાં પથરાયેલી લીલીછમ કુર્લા મિલ્ક ડેરીની જગ્યા ફાળવી છે ત્યારથી તેઓ ઊકળી ઊઠ્યા છે. આ રહેવાસીઓ છેલ્લા કેટલાય સમયથી ડેરીની આ જગ્યાને જાળવી રાખવા માટે લડત ચલાવી રહ્યા છે. સરકારના આ નિર્ણયનો વિરોધ કરવા માટે હવે તેઓ સંખ્યાબંધ વિરોધ-પ્રદર્શનનું આયોજન કરવાના છે.
કુર્લા મિલ્ક ડેરીની લીલીછમ જગ્યાએ બગીચો અને મેદાન બાંધવા અને આ વિસ્તારને લીલોછમ રાખવા નેહરુનગરના રહેવાસીઓ આ વર્ષે ફેબ્રુઆરીથી લોકચળવળ ચલાવી રહ્યા છે. તેમની માગણી છે કે આ ઓપન સ્પેસ અકબંધ જ રહે.
૧૦ જૂને રાજ્ય સરકારના ડેરી ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા એક ગવર્નમેન્ટ રેઝોલ્યુશન (GR) બહાર પાડવામાં આવ્યું છે જેમાં ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ લોકો માટે કેટલો ઉપયોગી છે એની જાણકારી આપવામાં આવી છે. GRમાં જણાવ્યા મુજબ ધારાવીના ઝૂંપડપટ્ટીવાસીઓને આ જગ્યાએ વસાવવામાં આવશે અને આ જમીન રેડી રેક્નરના ભાવથી ૨૫ ટકા ડિસ્કાઉન્ટ પર આપવામાં આવશે. આ મુદ્દે લોકચળવળના એક અગ્રણી કિરણ પૈલવાને કહ્યું હતું કે ‘લોકોને ભૂતકાળના અનુભવથી ખબર છે કે સરકારના અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ ખોટાં વચન આપે છે. લોકોનો રોષ ઓસરે એટલે તેઓ અમારા અભિપ્રાય જાણ્યા વિના નિર્ણય લેતા હોય છે. બધા લોકોને આરે કારશેડના અનુભવની ખબર છે. આપણે હવે રાજકારણીઓ પર વિશ્વાસ રાખવાની જરૂર નથી, કટોકટીના આ સમયે આપણે એક થવાની જરૂર છે.’
અહીંના રહેવાસીઓને ડેરીના પ્લાન્ટના સ્થાને એક ગાર્ડન જોઈએ છે, તેમને બીજો કોઈ પ્રોજેક્ટ જોઈતો નથી. જો કોઈ આવો પ્રોજેક્ટ આવ્યો તો તેઓ શેરીઓમાં ઊતરી આવીને લડત આપવા તૈયાર છે.
લોકોનું કહેવું છે કે ‘ધારાવીનો વિકાસ કરવો હોય તો ધારાવીના લોકોનું અન્યત્ર પુનર્વસન કરવાની શું જરૂર છે. ત્યાં રહેલા ઉદ્યોગો, ફૅક્ટરીઓ અને બિઝનેસને બીજે મોકલવાની જરૂર છે. ધારાવીમાં રીડેવલપમેન્ટ થયા બાદ ત્યાં કોણ રહેશે? શું એ કમર્શિયલ હબ બની જશે?’
ધારાવીમાં મિની બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC) બનાવવાનો પ્લાન હતો, પણ હવે એ ઝૂંપડપટ્ટી પુનર્વસન પ્રોજેક્ટ બન્યો છે. દસકા પહેલાં કુર્લા ડેરી બંધ થયા બાદ આ જમીન એમ જ પડી છે. આ જમીન સાંતાક્રુઝ-ચેમ્બુર લિન્ક રોડ, લોકમાન્ય ટિળક ટર્મિનસ (કુર્લા ટર્મિનસ), મુંબઈ મેટ્રો યલો લાઇન અને હાર્બર લાઇન પાસે છે.
આ રવિવારે રહેવાસીઓ એક બેઠક કરવાના છે અને એમાં લડત કેવી રીતે ચલાવવાની એની રૂપરેખા ઘડી કાઢવામાં આવશે.
વર્ષા ગાયકવાડે શું કહ્યું?
હાલમાં આ વિસ્તારમાંથી ચૂંટાયેલાં કૉન્ગ્રેસનાં સંસદસભ્ય વર્ષા ગાયકવાડે કહ્યું કે ‘તેઓ આખા મુંબઈને ગળી જવા માગે છે. હાલની BJPની સરકાર આ મુદ્દે અતિ કરી રહી છે. આ પ્લાન ધારાવી રીહૅબિલિટેશનના નામે તૈયાર કરવામાં આવ્યો છે, પણ અમે એ પ્લાન પાર નહીં પડવા દઈએ.’ સ્થાનિક વિધાનસભ્ય મંગેશ કુડાળકર પણ રહેવાસીઓના વિરોધ-પ્રદર્શનમાં સામેલ થવાના છે. તેમણે કહ્યું કે ‘અમારા વિસ્તારમાં અમને ધારાવીના લોકો નથી જોઈતા. હું મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને મળ્યો હતો અને મેં તેમને મેમોરેન્ડમ આપ્યું છે.’