30 November, 2024 07:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગુરુવારે દિલ્હીમાં અમિત શાહ સાથે મહાયુતિના નેતા
મહારાષ્ટ્રની આગામી સરકારના મુખ્ય પ્રધાન કોણ બનશે અને શપથવિધિ ક્યારે થશે એની અટકળો લગાવાઈ રહી છે ત્યારે ગઈ કાલે શિવસેનાના નેતા દીપક કેસરકરે કહ્યું હતું કે બીજી ડિસેમ્બર બાદ જ સારું મુરત છે એટલે એ પછી જ નવી સરકારની શપથવિધિ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ જનતાએ પ્રચંડ વિજય આપ્યો છે એટલે આગામી પાંચ વર્ષમાં જનહિતનાં કાર્યો યોગ્ય રીતે થઈ શકે એટલા માટે યોગ્ય મુહૂર્તમાં નવી સરકારની શપથવિધિ થાય એ યોગ્ય હોવાનું મહાયુતિના નેતાઓનું માનવું છે એટલે આઝાદ મેદાનમાં પાંચમી ડિસેમ્બર એટલે કે આવતા ગુરુવારે સરકારની શપથવિધિ થવાની ભારોભાર શક્યતા છે. આગામી મુખ્ય પ્રધાન ભારતીય જનતા પાર્ટી (BJP)ના હશે, જેની જાહેરાત આવતી કાલે કરવામાં આવે એવી પણ શક્યતા છે.
BJPના એક વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે ‘ગુરુવારે દિલ્હીમાં અમિત શાહ સાથે લાંબી બેઠક બાદ મહારાષ્ટ્રની આગામી સરકાર બનાવવા માટેનો રસ્તો ક્લિયર થઈ ગયો છે. મુખ્ય પ્રધાન BJPના અને દેવેન્દ્ર ફડણવીસ જ હશે એ પણ નક્કી થઈ ગયું છે, જેની આવતી કાલે જાહેરાત કરવામાં આવશે. મુખ્ય પ્રધાનની જાહેરાત થયા બાદ એક-બે દિવસમાં મહાયુતિના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવારની બેઠક થશે. એમાં પ્રધાનપદ માટેનાં નામ ફાઇનલ કરવામાં આવશે અને ગુરુવારે આઝાદ મેદાનમાં નવી સરકારની શપથવિધિ કરવામાં આવશે.’