30 March, 2024 08:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમોલ કીર્તિકર
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા કોરોના મહામારી વખતે લૉકડાઉનને લીધે રઝળી પડેલા બહારગામના લોકોને બે સમયનું ભોજન આપવા માટે ખીચડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. જોકે આમાં ૧૦૦ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો આરોપ થયો હતો અને આ મામલાની તપાસ એન્ફોસર્મેન્ટ ડિરેક્ટરેટ (ED) કરી રહી છે. થોડા સમય પહેલાં ઉદ્ધવ ઠાકરે જૂથના યુવાસેનાના પદાધિકારી સૂરજ ચવાણની આ મામલામાં ધરપકડ કરવામાં આવી હતી. હવે EDએ આ જ જૂથના યુવા નેતા અને શિવસેનાના સંસદસભ્ય અમોલ કીર્તિકરને બીજી વખત સમન્સ મોકલીને ૮ એપ્રિલે પૂછપરછ કરવા બોલાવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ઉદ્ધવ ઠાકરેએ અમોલ કીર્તિકરને મુંબઈ નૉર્થ વેસ્ટ લોકસભા બેઠકના ઉમેદવાર જાહેર કર્યા છે ત્યારે જ ફરી સમન્સ મળતાં તેમની મુશ્કેલી વધી શકે છે. ઉલ્લેખનીય છે કે EDએ પહેલું સમન્સ મોકલ્યું ત્યારે અમોલ કીર્તિકર પૂછપરછ માટે હાજર નહોતા થયા. તેમના વકીલે EDને પત્ર લખીને કહ્યું હતું કે અગાઉથી નક્કી કરવામાં આવેલા કાર્યક્રમને કારણે તે પૂછપરછમાં હાજર રહી નથી શક્યા. BMCએ ખીચડી વિતરણ કરવા માટે બાવન કંપનીઓને કૉન્ટ્રૅક્ટ આપ્યો હતો, જેમના દ્વારા ૪ મહિનામાં ખીચડીના ૪ કરોડ પૅકેટનું વિતરણ કરવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. હવે અમોલ કીર્તિકરે ગઈ કાલે કહ્યું હતું કે ‘પક્ષે મારા પર કેટલીક જવાબદારી આપી છે એને હું પ્રાથમિકતા આપી રહ્યો છું. એ પછી EDની પૂછપરછ માટે જઈશ.’