સીનિયર સિટિઝનોને હવે લોકલમાં નહીં નડે ભીડ, રેલવેએ લીધો આ મહત્વનો નિર્ણય

19 July, 2023 01:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વરિષ્ઠ નાગરિકોની આ સમસ્યાને ધ્યાનમાં રાખીને રેલવેએ તાજેતરમાં જ સીટ સ્ટ્રક્ચરમાં ફેરફાર કર્યો હતો સાથે વરિષ્ઠ નાગરિકો માટે વધારાની સીટો આપવાની તૈયારી પૂર્ણ કરી લીધી છે.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

રેલવે (Mumbai Local Train)માં ભીડને કારણે વરિષ્ઠ નાગરિકો માટે મુસાફરી કરવી અશક્ય બનતી હોય છે. વરિષ્ઠ નાગરિકોની આ સમસ્યાને ધ્યાનમાં રાખીને રેલવેએ તાજેતરમાં જ સીટ સ્ટ્રક્ચરમાં ફેરફાર કર્યો હતો સાથે વરિષ્ઠ નાગરિકો માટે વધારાની સીટો આપવાની તૈયારી પૂર્ણ કરી લીધી છે.

ઉલ્લેખનીય છે કે બોમ્બે હાઈકોર્ટમાં વરિષ્ઠ નાગરિકો અંગેની જાહેર હિતની અરજીનો જવાબ આપતી વખતે મધ્ય રેલવેએ એક સોગંદનામું રજૂ કર્યું હતું. આ સોગંદનામામાં જણાવવામાં આવ્યું હતું કે રેલવેએ વરિષ્ઠ નાગરિકો માટે સીટો આરક્ષિત કરવાની યોજના કરી છે. અને તે અંગે વધુ માહિતી પણ આપવામાં આવી હતી.

લોકલના જનરલ કોચમાં વરિષ્ઠ નાગરિકો માટે પહેલેથી જ આરક્ષિત બેઠકો રાખવામાં આવી છે. પરંતુ ભીડને સમયે યુવાનો આવી અનામત બેઠકો પર બેસી જતાં હોય છે. તેઓને સીટ પરથી ઉઠાડવાના અંગે ઘણી જ બોલચાલી થતી હોય છે. આવાં અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે.  

લોકલના ડબાની વ્યવસ્થા સ્વતંત્ર છે. જેના કારણે રેલ્વે અધિકારીઓએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ યોજના દ્વારા વરિષ્ઠ નાગરિકોને ઘણો જ લાભ થઈ શકશે. રેલ્વેની 12 કોચની લોકલમાં 88 સીટવાળા 4 ફર્સ્ટ ક્લાસ કોચ હોય છે. ત્રણ 39 સીટવાળા મહિલા કોચ અને 38 સીટવાળા બે કોચ અપંગ મુસાફરો માટે રાખવામાં આવેલા હોય છે. જ્યારે આ ઉપરાંતના બાકીના કોચ સામાન્ય મુસાફરો માટે હોય છે.  

જોકે, ભીડના સમયમાં 12 કોચની લોકલમાં 4500થી 5000 મુસાફરો મુસાફરી કરે છે. આ સમયે લોકલના ડબ્બામાં મુસાફરોની સંખ્યા ખૂબ જ હોવાથી વરિષ્ઠ નાગરિકોને મુસાફરી કરવામાં તકલીફ પડતી હોય છે. આ જ કારણોસર લોકલ ડબ્બામાં વરિષ્ઠ નાગરિકો માટે અનામત રાખવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. 

2014માં જસ્ટિસ અભય ઓક અને જસ્ટિસ એ. એસ. ગડકરીની બેન્ચે વરિષ્ઠ નાગરિકોની સ્થાનિક મુસાફરી અંગેની જાહેર હિતની અરજી પર સુનાવણી કરી હતી. તે સમયે જી. એ. બી. ઠક્કર દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે અલગ ડબ્બો અનામત રાખવા વિનંતી પણ કરવામાં આવી હતી.  આ સુનાવણી દરમિયાન હાઈકોર્ટે જાન્યુઆરી 2015માં પશ્ચિમ અને મધ્ય રેલવેને દરેક લોકલમાં વરિષ્ઠ નાગરિકો માટે 14 બેઠકો અનામત રાખવાનો નિર્દેશ આપ્યો હતો. સાથે જ વરિષ્ઠ નાગરિકોની સીટ પર અન્ય કોઈ મુસાફરો બેસે નહીં તેની તકેદારી રાખવાનું સૂચન પણ રેલ્વેને કરવામાં આવ્યું હતું.

થોડા મહિનાઓ પહેલા રેલ્વેએ એક સર્વે હાથ ધર્યો હતો જેમાં જાણવા મળ્યું હતું કે રેલવે કમ્પાર્ટમેન્ટમાં લગભગ 90% પ્રવાસીઓ સામાન્ય શ્રેણીના પ્રવાસીઓ છે. અને માલની હેરાફેરી માટે માત્ર બાકીના 10%નો સમાવેશ થાય છે. આથી એવું અવલોકન કરવામાં આવ્યું હતું કે વરિષ્ઠ નાગરિકો માટે કુલ ચાર વેન્ડર કમ્પાર્ટમેન્ટમાંથી એકને અલગ રાખવામાં આવે તો વેન્ડર ટિકિટ ધરાવનારાઓ માટે કોઈ સમસ્યા નહીં થાય.

 

mumbai local train mumbai trains mumbai travel mumbai transport western railway mumbai railways western suburbs harbour line central railway mumbai news mumbai