હવે મુંબઈમાં કોઈ પણ સબ-રજિસ્ટ્રાર ઑફિસમાં પ્રૉપર્ટીનું રજિસ્ટ્રેશન થઈ શકશે

31 August, 2024 11:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નજીકની સબ-રજિસ્ટ્રાર ઑફિસમાં જઈને પ્રૉપર્ટીનું રજિસ્ટ્રેશન કરાવવાનો વિકલ્પ આપવાનો છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રૉપર્ટી ખરીદનારાઓને એક મોટી રાહત આપતા પગલામાં મહારાષ્ટ્ર સરકારે ગુરુવારે અધિકારક્ષેત્રની મર્યાદાઓને દૂર કરતી એક અધિસૂચના જાહેર કરી હતી, જેના હેઠળ આખા મુંબઈમાં હવે પ્રૉપર્ટીનું રજિસ્ટ્રેશન ગમે ત્યાંથી કરી શકાશે. હવે આખા મુંબઈ માટે એક જ અધિકારક્ષેત્ર રહેશે.

સરકારના આ પગલાનો ઉદ્દેશ્ય પ્રૉપર્ટી ખરીદનારી વ્યક્તિને મુંબઈમાં તે જ્યાં રહે છે એની નજીકની સબ-રજિસ્ટ્રાર ઑફિસમાં જઈને પ્રૉપર્ટીનું રજિસ્ટ્રેશન કરાવવાનો વિકલ્પ આપવાનો છે. 
આ મુદ્દે મહેસૂલ ખાતાના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘મુંબઈમાં ચાર તાલુકા છે; જેમાં મુંબઈ શહેર, અંધેરી, બોરીવલી અને કુર્લાનો સમાવેશ છે. અગાઉ જો સાઉથ મુંબઈમાં રહેતી કોઈ વ્યક્તિ નૉર્થ મુંબઈના બોરીવલીમાં કોઈ પ્રૉપર્ટી ખરીદવા માગતી હોય તો એના રજિસ્ટ્રેશન માટે તેને છેક બોરીવલી જવું પડતું હતું, પણ હવે ગુરુવારના નૉટિફિકેશન બાદ અધિકારક્ષેત્રની મર્યાદા દૂર કરી દેવામાં આવી છે એટલે આવા કેસમાં સાઉથ મુંબઈની વ્યક્તિ નૉર્થ મુંબઈના બોરીવલીમાં પ્રૉપર્ટી ખરીદે તો તેને ખરીદેલી પ્રૉપર્ટીનું રજિસ્ટ્રેશન કરાવવા માટે બોરીવલી જવાની જરૂર નહીં પડે, તે સાઉથ મુંબઈમાં જ આ પ્રૉપર્ટીનું રજિસ્ટ્રેશન કરાવી શકશે. ચાર તાલુકાઓમાં દર વર્ષે આશરે ૧,૫૦,૦૦૦ પ્રૉપર્ટીનું રજિસ્ટ્રેશન થાય છે અને સરકારને આશા છે કે અધિકારક્ષેત્રની મર્યાદા દૂર થતાં મિલકતોની નોંધણીમાં વધારો થશે.’ 

mumbai news mumbai property tax brihanmumbai municipal corporation maharashtra news