સિવિક ઑથોરિટી અને કૉન્ટ્રૅક્ટરોની બેદરકારી સામે હાઈ કોર્ટની લાલ આંખ

15 October, 2025 08:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હવે ખાડા કે ખરાબ રસ્તાને કારણે મૃત્યુ થાય તો ૬ લાખ રૂપિયાનું વળતર આપવું પડશે

બૉમ્બે હાઈ કોર્ટ

બૉમ્બે હાઈ કોર્ટે ગઈ કાલે આપેલા એક મહત્ત્વના આદેશમાં જણાવ્યું હતું કે ‘ખરાબ રસ્તા કે ખાડાને કારણે અકસ્માતોનું જોખમ વધી ગયું છે. એવા અકસ્માતમાં જો હવે કોઈનું મૃત્યુ થશે તો એ રસ્તાનું બાંધકામ કરનાર કૉન્ટ્રૅક્ટર અને સ્થાનિક પ્રશાસનને અકસ્માત માટે જવાબદાર ગણવામાં આવશે. આ ઉપરાંત ખાડાને કારણે મૃત્યુ પામેલી વ્યક્તિના કુટુંબને ૬ લાખ રૂપિયા તથા ઘાયલ વ્યક્તિને ૫૦,૦૦૦થી લઈને ૨.૫ લાખ રૂપિયાનું વળતર આપવું પડશે.’

ખાડાની સમસ્યા હવે તો બારમાસી થઈ

બૉમ્બે હાઈ કોર્ટનાં જસ્ટિસ રેવતી મોહિતે-ડેરે અને જસ્ટિસ સંદેશ પાટીલની બેન્ચે આ આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે ‘દર ચોમાસામાં ખરાબ રસ્તા અને રસ્તા પરના ખાડાને કારણે અનેક અકસ્માત થવાના તથા એને કારણે મૃત્યુ કે ઘાયલ થવાના કિસ્સા હવે એકદમ સામાન્ય ગણાઈ રહ્યા છે. આ સમસ્યા હવે બારમાસી થઈ ગઈ છે અને એનો ઉકેલ લાવવા સિવિક ઑથોરિટી ગંભીર નથી એટલે ખાડાને કારણે મૃત્યુ પામતી વ્યક્તિના પરિવારને અને ઘાયલોને વળતર મ‍ળવું જ જોઈએ. એ પછી જ આ સમસ્યાનો ઉકેલ લાવવા ઑથોરિટી જાગશે.’

કોર્ટે કહ્યું હતું કે ‘બૉમ્બે હાઈ કોર્ટના જસ્ટિસ જી. એસ. પટેલે ૨૦૧૫માં મુંબઈના રસ્તાઓની દયનીય સ્થિતિ સંદર્ભે એ ‍વખતે લખેલા પત્રને આધારે કોર્ટે ત્યાર બાદ જાતે જ આ બાબતે જનહિતની અરજી દાખલ કરી હતી જેના પર કોર્ટે ઉપરોક્ત નિર્ણય લીધો હતો.’

એક દસકો વીતી જવા પછી કોર્ટે નોંધ્યું હતું કે ‘૨૦૧૫થી વારંવાર કોર્ટે દરમ્યાનગીરી કરી હોવા છતાં દરેક મૉન્સૂનમાં આ સવાલ ઊભો થતો જ રહે છે. પબ્લિક ઑથોરિટી આ બાબતે બેદરકાર હોવાનું જણાઈ આવે છે. આ જનહિતની અરજીને કારણે રસ્તાઓ મેઇન્ટેઇન કરતું સ્થાનિક પ્રશાસન અને કૉન્ટ્રૅક્ટરની ખામીઓ હોવાનું જણાઈ આવ્યું છે. વિવિધ સરકારી ગાઇડલાઇન્સ અને ફરિયાદ નિવારણ પ્રણાલી લેખિતમાં હોવા છતાં નાગરિકોએ ખાડાને કારણે ઘાયલ થવું પડે છે અને ઘણાએ જીવ પણ ગુમાવવો પડે છે.’

કોર્ટે આ નિર્ણય આપતાં પહેલાં નોંધ્યું હતું કે ‘નાગરિકોને સારા અને ખાડા વગરના રસ્તા મેળવવાનો અધિકાર છે. મુંબઈ, થાણે અને ભિવંડીમાં ખાડાને કારણે અનેક લોકોનાં મોત થયાં છે, પણ એ પછી દરેક વખતની જેમ દરેક ઑથોરિટી દોષનો ટોપલો બીજા પર ઢોળી દે છે.’

વળતર નક્કી કરવા કમિટી બનાવો

કોર્ટે નિર્દેશ આપતાં કહ્યું હતું કે ‘વળતર નક્કી કરવા કમિટી બનાવવામાં આવે, જેમાં મ્યુનિસિપલ કમિશનર અથવા સેક્રેટરિયેટના ચીફ ઑફિસર, ડિ​સ્ટ્રિક્ટ લીગલ સર્વિસિસ ઑથોરિટીના ઑફિસર ઉપરાંત મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA), મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MSRDC), પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (PWD)ના ઑફિસર, નૅશનલ હાઇવે ઑથોરિટીના સિનિયર ઑફિસરનો એ કમિટીમાં સમાવેશ કરવો.’

પહેલાં પીડિતને વળતર આપો અને પછી કૉન્ટ્રૅક્ટર પાસેથી વસૂલ કરો

કોર્ટે એવું પણ જણાવ્યું હતું કે જો નુકસાન ભરપાઈ કે વળતર ‌નકારવામાં આવશે તો નાગરિકોના સુર​ક્ષિત રસ્તાના મૂળભૂત હકનું ઉલ્લંઘન કર્યું ગણાશે. કોર્ટે બધી જ સિવિક ઑથોરિટી, મ્હાડા, MSRDC, સિડકો અને અન્ય ઑથોરિટીને ખાડાને કારણે અકસ્માતને લીધે મૃત્યુ પામેલી વ્યક્તિઓના પરિવારને વળતર આપવાનો આદેશ આપ્યો હતો. વળી આ વળતર અન્ય કોઈ પણ મળી શકનારા વળતર કે કાયદેસર મળવાની રકમ કરતાં અલગ હશે. વળતરની રકમ પહેલાં આપવાની રહેશે અને એ પછી આ ખાડા માટે જવાબદાર કૉન્ટ્રૅક્ટર અને સરકારી અધિકારી પાસેથી વળતર વસૂલ કરવાનું રહેશે.

mumbai news mumbai bombay high court road accident mumbai metropolitan region development authority mumbai potholes