30 January, 2021 08:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધનંજય મુંડે
મહારાષ્ટ્રના સામાજિક ન્યાયપ્રધાન ધનંજય મુંડે અને અગાઉ તેમને જે મહિલા સાથેના સંબંધ થકી બે બાળકો થયાં હતાં તેમણે બૉમ્બે હાઈ કોર્ટને જણાવ્યું હતું કે અમે બન્નેએ મધ્યસ્થી સમક્ષ અમારી ફરિયાદનું નિવારણ લાવવાનો નિર્ણય કર્યો છે.
ધનંજય મુંડેએ ડિસેમ્બરમાં બદનક્ષીનો દાવો માંડ્યો હતો અને મહિલાને તેના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર મુંડેની અંગત તસવીરો અને વિડિયો પોસ્ટ કરતી રોકવાની હાઈ કોર્ટ સમક્ષ માગણી કરી હતી. મુંડેએ મહિલાએ આવી ઘણી તસવીરો અપલોડ કરી હોવાનો દાવો કર્યો હતો.
૧૬ ડિસેમ્બરે હાઈ કોર્ટે વચગાળાના આદેશમાં મહિલાને તેના સોશ્યલ મીડિયા અકાઉન્ટ્સ પર મુંડેના કોઈ અંગત ફોટો કે વિડિયો પોસ્ટ ન કરવાનો આદેશ આપ્યો હતો.
૨૮ જાન્યુઆરીએ જ્યારે આ અરજી જસ્ટિસ એ. કે. મેનનની બેન્ચ સમક્ષ સુનાવણી માટે રજૂ કરવામાં આવી ત્યારે પ્રધાન અને મહિલાના વકીલોએ અદાલતને જાણ કરી હતી કે બન્ને પક્ષે મધ્યસ્થી થકી અદાલતની બહાર તેમના વિવાદનું સમાધાન કરી લેવાનું નક્કી કર્યું છે.