પ્રવાસીઓ, એક મેગા બ્લૉક માંડ પૂરો થયો, હવે તૈયાર થઈ જાઓ બીજા બ્લૉક માટે પણ

03 June, 2024 07:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સેન્ટ્રલ રેલવે આવતા અઠવાડિયાથી CSMT પર બીજાં બે પ્લૅટફૉર્મના એક્સપાન્શનનું કામ શરૂ કરવાની છે: જોકે આ મેગા બ્લૉક ક્યારે લેવો એ હજી નક્કી નથી કર્યું

ગઈ કાલે નિયત સમય કરતાં પહેલાં CSMT સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર ૧૦ અને ૧૧નું એક્સપાન્શનનું કામ પૂરું થયું હતું. (તસવીર-આશિષ રાજે)

સેન્ટ્રલ રેલવેએ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) અને થાણે ખાતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ડેવલપમેન્ટનું કામ ૩૬ અને ૬૩ કલાકના બ્લૉક લઈને હાથ ધર્યું હતું એ પૂરતા પ્લાનિંગ સાથે સમયસર પૂરુ કર્યું હતું. રવિવારે બપોરે ૧૨.૩૦ વાગ્યાની ડેડલાઇન હતી અને એટલે એ ડેડલાઇન સંભાળીને એણે એ કામ આટોપી લીધું હતું. જોકે હવે પ્લૅટફૉર્મ-નંબર ૧૨ અને ૧૩નું એક્સપાન્શન હાથ ધરાવાનું છે જેનું કામ આવતા અઠવાડિયાથી ચાલુ કરી દેવાશે. એ માટે મેગા બ્લૉક ક્યારે લેવો એ પાછળથી નક્કી કરવામાં આવશે. આ ત્રણ ​દિવસના બ્લૉક દરમ્યાન CSMTના પ્લૅટફૉર્મ-નંબર ૧૦ અને ૧૧નું એક્સપાન્શનનું કામ હાથ ધરવામાં આવ્યું હતું.

સેન્ટ્રલ રેલવેના ચીફ પ​બ્લિક રિલેશન્સ ઑફિસર ડૉ. સ્વપ્નિલ નીલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ગુરુવાર રાતથી બ્લૉક લઈને હાથ ધરેલું એક્સપાન્શનનું કામ સમયસર પૂરું કરી લીધું છે. હવે CSMT પર પ્લૅટફૉર્મ ૧૨ અને ૧૩નું એક્સપાન્શન કરવાનું છે. પ્લૅટફૉર્મ-નંબર ૧૨ અને ૧૩ને પણ ૨૪ ડબ્બાની ટ્રેન લાગી શકે એ માટે લંબાવવાનાં છે. એથી પ્લૅટફૉર્મ-નંબર ૧૨ અને ૧૩ પર જે ટ્રેનો લાગે છે એ હાલ ૧૦ અને ૧૧ પર અમે ડાઇવર્ટ કરીશું. ત્યાર બાદ પ્લૅટફૉર્મ-નંબર ૧૨ અને ૧૩ને લંબાવવામાં આવશે. જોકે આવતા અઠવાડિયાથી અમે પ્લૅટફૉર્મ-નંબર ૧૨ અને ૧૩ની આગળ જે સિગ્નલ અને અન્ય ટેક્નિકલ બાબત છે એ હટાવવાનું શરૂ કરીશું. એ બધું શિફ્ટ કર્યા બાદ અમે છેલ્લે પ્લૅટફૉર્મની લેન્ગ્થ વધારીશું. એ માટે મેગા બ્લૉક લેવો પડશે. જોકે એ કામ ક્યારે હાથ ધરવું અને એ માટે બ્લૉક ક્યારે લેવો એ પાછળથી નક્કી કરીશું.’ 
 
કેન્દ્ર સરકારે વિશેષ ફન્ડ ફાળવ્યું એટલે એક્સપાન્શન થયું

CSMTનાં પ્લૅટફૉર્મ-નંબર ૧૦, ૧૧, ૧૨ અને ૧૩ પર ૨૪ ડબ્બાની મેલ/એક્સપ્રેસ ટ્રેનો ઊભી રાખી શકાય એ માટે એને લંબાવવાનો પ્લાન તો છેલ્લાં ૧૦ વર્ષથી હતો, પણ ફન્ડના અભાવે એે કામ થઈ નહોતું રહ્યું. જોકે આ વર્ષે બજેટમાં CSMTથી પ્રવાસીઓની સંખ્યા વધી શકે એ માટે પ્લાન કરીને ‘વડા પ્રધાન ગતિશક્તિ’ યોજના હેઠળ ફન્ડ ફાળવવામાં આવતાં આ એક્સપાન્શન થઈ શક્યું હતું.

થેંક્યુ મુંબઈકર
લોકલ અને મેલ એક્સપ્રેસ એમ બંને પ્રવાસીઓને લાભ થાય એવા આ ભગીરથ કામન સેન્ટ્રલ રેલવે દ્વારા સફળતા પૂર્વક પાર પાડવામાં આવ્યા બાદ સેન્ટ્રલ રેલવે દ્વારા મુંબઈગરાઓનો પણ તેમણે અગવડ વેઠીને પણ સાથ આપ્યો હોવાથી તેમનો આભાર માન્યો હતો.

mumbai news mumbai chhatrapati shivaji terminus mega block central railway mumbai local train mumbai trains