09 November, 2023 04:15 PM IST | Mumbai | Rajendra B Aklekar
મેટ્રોનું કામ ચાલી રહ્યું છે તેની ફાઈલ તસવીર (તસવીર : અતુલ કાંબલે)
શહેરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રાન્સપોર્ટ ઑબ્ઝર્વર મંગળવારે ચિંતિત હતા. કન્સ્ટ્રક્શન કાટમાળના પરિવહન અને અન્ય સંબંધિત ટ્રાન્સપોર્ટને અટકાવવાથી નવી મેટ્રો લાઇનો, બ્રિજ, લિન્ક્સ અને કનેક્ટર્સ સહિત અનેક ચાલુ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર મોટા પાયે અસર થઈ શકે છે. આ પ્રોજેક્ટ્સ કોવિડ પેન્ડેમિક અને સરકાર બદલવાને કારણે પહેલાં જ બે વાર ટલ્લે ચડી ચૂક્યા છે.
ડેડલાઇનમાં કોઈ પણ વધુ ફેરફાર થશે તો મુંબઈકરોના ભાગે ખર્ચમાં વધારો, વિલંબ અને વધુ રાહ જોવાની આવશે. એક્યુઆઇ (ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ) ઘટવાને પગલે બૉમ્બે હાઈ કોર્ટે સોમવારે ચેતવણી આપી હતી કે જો શુક્રવાર સુધીમાં હવાની ગુણવત્તામાં સુધારો નહીં થાય તો તે તમામ બાંધકામ સામગ્રીનું પરિવહન બંધ કરી શકે છે. કોર્ટના આદેશ અનુસાર કન્સ્ટ્રક્શન મટીરિયલનું વહન કરતી તમામ ટ્રકો તાડપત્રીથી ઢંકાયેલી હોવી જોઈએ.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉદ્યોગના લોકો માને છે કે આવા પ્રતિબંધો શહેરમાં ચાલી રહેલા અસંખ્ય પબ્લિક ઇન્ફ્રા અને ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ્સને અસર કરશે. એક ટ્રાન્સપોર્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઍન્થ્યુઝિએસ્ટના જણાવ્યા અનુસાર ‘મુંબઈ મેકઓવરના મધ્યમાં છે. સાતથી આઠ મેટ્રો લાઇન વિવિધ તબક્કામાં સી-લિન્ક્સ, બ્રિજ, કોસ્ટલ રોડ અને કનેક્ટર્સ સાથે કામ કરી રહી છે. હાલનાં પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પડી રહ્યાં છે, લોકલ ટ્રેનોમાં જગ્યા નથી અને રસ્તાઓ જૅમ થઈ ગયા છે. વ્યાપક મેટ્રો નેટવર્ક તરીકે સમગ્ર શહેરમાં કાર્બન ઉત્સર્જનમુક્ત કનેક્ટિવિટી પૂરી પાડનારા સી-લિન્ક્સ, કોસ્ટલ રોડ અને બ્રિજવર્ક એમના નિર્ણાયક તબક્કામાં છે એમાં પણ વિલંબ થશે.’
અન્ય એક ઑબ્ઝર્વરે જણાવ્યું હતું કે ‘નબળો એક્યુઆઇ પવનની દિશા પર પણ આધાર રાખે છે. દિલ્હીમાં પણ જ્યાં એક્યુઆઇ વધુ ખરાબ નોંધાયો છે ત્યાં જાહેર પ્રોજેક્ટ અટકાવવામાં આવ્યા નથી. પબ્લિક પ્રોજેક્ટને નુકસાન થશે તો આ એક મોટું નુકસાન હશે. વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેટ્રોનાં કામ પૂર્ણ થવાના આરે છે અને અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે. સરકારે એમને ઝડપથી પૂરાં કરવાં જોઈએ.’