શિર્ડીનું આખું ઍરપોર્ટ જપ્ત કરવામાં આવશે?

10 August, 2024 01:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૧૬થી ૮.૩૦ કરોડ રૂપિયાનો ટૅક્સ ભર્યો ન હોવાથી નોટિસ મોકલીને ગ્રામપંચાયતે જપ્તીનું વૉરન્ટ જાહેર કર્યું

શિરડી એરપોર્ટ

મહારાષ્ટ્રના શિર્ડીમાં આવેલા સાંઈબાબાના વિખ્યાત મંદિરનાં દર્શન કરવા લાખો લોકો જાય છે એટલે ભક્તોની સુવિધા માટે અહીં રેલવે-સ્ટેશન અને ઍરપોર્ટ શરૂ કરવામાં આવ્યાં છે. જોકે શિર્ડી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ જ્યાં બનાવવામાં આવ્યું છે એ કોપરગાવ તાલુકાની કાકડી-મલ્હારવાડી ગ્રામપંચાયતે ૨૦૧૬થી ૮.૩૦ કરોડ રૂપિયાનો ટૅક્સ ન ભરવા બદલ શિર્ડી ઇન્ટરનૅશનલ એરપોર્ટને નોટિસ મોકલી છે. આથી ઍરપોર્ટનું ટર્મિનલ બિલ્ડિંગ, પેટ્રોલ-પમ્પ, ઍર ટ્રાફિક કન્ટ્રોલ ટાવર સહિતની માલમતા જપ્ત કરવાનું વૉરન્ટ પણ ગ્રામપંચાયતે જાહેર કર્યું છે. નોટિસમાં ગ્રામપંચાયતે નોંધ્યું છે કે ટૅક્સ ભરવા માટે રાજ્યની ઍરપોર્ટ ઑથોરિટી, મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનોને આ બાબતે અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં આઠ વર્ષથી ટૅક્સ ભરવામાં નથી આવી રહ્યો. શિર્ડી ઍરપોર્ટ બનાવવા માટે ગામની હજારો હેક્ટર જમીન સંપાદિત કરવામાં આવી હતી. એ સમયે કાકડી ગામમાં મૂળભૂત સુવિધા અને ગ્રામવિકાસ માટે ભંડોળ આપવાનું આશ્વાસન મહારાષ્ટ્ર સ્ટેટ ઍરપોર્ટ ડેવલપમેન્ટ ઑથોરિટીએ આપ્યું હતું. જોકે આ આશ્વાસન પૂરું કરવામાં નથી આવ્યું. ૮.૩૦ કરોડ રૂપિયાનો ટૅક્સ ન ભરવાથી ગામમાં વિકાસના કામમાં અડચણ આવી રહી છે.

mumbai news mumbai shirdi religious places maharashtra news