નાની બાળકીને મમ્મીને મળવા ન દેવાય એ ક્રૂરતા : હાઈ કોર્ટ

13 December, 2024 12:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નીચલી અદાલતના આદેશ છતાં જાલનામાં રહેતી મહિલાને તેનાં સાસરિયાં દીકરી સાથે મળવા ન દેતાં હોવાથી તેણે કરેલી ફરિયાદ રદ કરવાની પતિએ કરેલી અરજી કોર્ટે કરી રિજેક્ટ

પ્રતીકાત્મક તસવીર

સાસરિયાંએ કાઢી મૂકેલી મહિલાને તેની દીકરી સાથે મળવા દેવાતી નહોતી એટલે તેણે આ સંદર્ભે સાસરિયાં સામે પોલીસમાં ફરિયાદ કરી હતી. સામા પક્ષે સાસરિયાં દ્વારા પણ આ પોલીસ-ફરિયાદને રદ કરવા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. એ કેસમાં હવે બૉમ્બે હાઈ કોર્ટની ઔરંગાબાદ બેન્ચે કહ્યું છે કે બાળકને મમ્મીને મ‍ળવા ન દેવાય એ ક્રૂરતા હોવાથી FIR રદ ન કરી શકાય. 
જાલનામાં રહેતી આ મહિલાનાં ૨૦૧૯માં લગ્ન થયાં હતાં. ૨૦૨૦માં તેણે બાળકીને જન્મ આપ્યો હતો. મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યા મુજબ બાળકીના જન્મ બાદ તેનાં સાસરિયાં અને પતિ તેની પાસે પૈસાની ડિમાન્ડ કરતાં હતાં અને તેને પિયરથી પૈસા લાવવા કહેતાં હતાં. એ માટે તેને મારવામાં પણ આવતી હતી અને માનસિક ત્રાસ પણ આપવામાં આવતો હતો. ૨૦૨૨માં સાસરિયાંએ તેને ઘરમાંથી કાઢી મૂકી હતી અને તેની દીકરીને પોતાની પાસે રાખી લીધી હતી. એ પછી મહિલાએ બાળકીની કસ્ટડી મેળવવા ફરિયાદ કરી હતી. ૨૦૨૩માં નીચલી કોર્ટે બાળકીની કસ્ટડી મમ્મીને આપવાનો આદેશ આપ્યો હતો. એમ છતાં સાસરિયાંએ કોર્ટના આદેશનું પાલન કર્યું નહોતું અને બાળકીને પોતાની પાસે જ રાખી હતી. સાસરિયાંનું કહેવું હતું કે તેમની સામે કરાયેલા આક્ષેપો ખોટા હોવાથી FIR રદ કરવામાં આવે. જોકે બુધવારે આ કેસની સુનાવણી કરતી વખતે બૉમ્બે હાઈ કોર્ટની ઔરંગાબાદ બેન્ચનાં જસ્ટિસ વિભા કંકણવાડી અને રોહિત જોશીએ કહ્યું હતું કે નીચલી કોર્ટે આદેશ આપ્યો હોવા છતાં માત્ર ચાર વર્ષની બાળકીને તેની મમ્મીથી અલગ રાખવી એ ક્રૂરતા છે. એ બન્ને માટે માન​સિક ત્રાસ ગણાય એટલે FIR રદ કરવાની જે અરજી કરવામાં આવી છે એ રિજેક્ટ કરવામાં આવે છે.’

bombay high court maharashtra news maharashtra Crime News mumbai crime news