20 June, 2023 07:19 AM IST | Mumbai | Bakulesh Trivedi
પાણીની તંગી થતાં સોસાયટીએ હવે પાણીના ટૅન્કર પર આધાર રાખવો પડે છે અને એ માટે વધારાના પૈસા ખર્ચવા પડે છે.
મુંબઈને અડીને આવેલા અને હવે કૂદકે ને ભૂસકે વધી રહેલા મીરા-ભાઈંદરમાં જે રીતે નવા-નવા પ્રોજેક્ટ્સ આવતા જાય છે અને વધુ ને વધુ લોકો અહીં રહેવા આવી રહ્યા છે એની સામે એટલું પાણી ન હોવાથી જે પાણી છે એ જ બધામાં ડિસ્ટ્રિબ્યુટ કરાતું હોવાથી હવે ઉનાળામાં પાણીની બૂમ પડી છે અને લોકો પાણી-પાણી કરી રહ્યા છે. મીરા-ભાઈંદર મહાનગરપાલિકાનું કહેવું છે કે હવે તો વરસાદ આવે તો જ આ સમસ્યા સૉલ્વ થઈ શકે અને જો લાંબા ગાળાનું જોઈએ તો સૂર્યા ડૅમ કમ્પ્લિટ થાય અને એનું પાણી મળે ત્યારે જ આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે એમ છે. એથી હાલ તો મીરા-ભાઈંદરના લોકોએ વરસાદની રાહ જોયા સિવાય છૂટકો નથી.
મીરા રોડમાં ગણાતા અને હાઇવે પર વેસ્ટર્ન હોટેલ, દારાઝ ધાબાની પાછળ આવેલા જેપી નૉર્થ કૉમ્પ્લેક્સમાં આમ તો છેલ્લા બે-ત્રણ મહિનાથી પાણી ઓછું આવી રહ્યું છે, પણ બે-ત્રણ દિવસ પાણી બહુ જ ઓછું મળતાં અહીંના રહેવાસીઓ અકળાઈ ગયા હતા અને તેમણે જોરદાર વિરોધ કરીને કૉમ્પ્લેક્સમાં જ આવેલી બિલ્ડરની ઑફિસમાં એ બાબતે બૂમાબૂમ મચાવીને આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવામાં આવે એવી રજૂઆત કરી હતી. ઉશ્કેરાઈ ગયેલા રહેવાસીઓએ તો બિલ્ડરનો હુરિયો પણ બોલાવ્યો હતો. કોઈ રહેવાસીએ એ વખતનો કાઢી લીધેલો વિડિયો ટ્વિટર પર મૂકી દેતાં એ વિષય ચર્ચાના ચકડોળે ચડ્યો હતો. જેપી નૉર્થમાં અલગ-અલગ ઘણાં બિલ્ડિંગો છે. એમાંથી ઇલેરામાં રેસિડન્સ અને દુકાનો મળીને કુલ ૯૨૦ જગ્યાઓ છે. જેપી કૉમ્પ્લેક્સમાં બિલ્ડર દ્વારા ૨૪ કલાક પાણીની સપ્લાય આપવામાં આવશે એમ કહેવાયું છે અને એથી પાણીની સ્ટોરેજ ટૅન્ક માટે મનાઈ છે. કોઈ પણ ઘરમાં પાણીની સ્ટોરેજ ટૅન્ક નથી. પાણીની સપ્લાય જેમ-જેમ ઓછી થતી ગઈ એમ ટાઇમ ઘટતો ગયો અને હાલ સવારના બે કલાક અને સાંજના બે કલાક એમ દિવસના ચાર કલાક જ પાણી છોડવામાં આવે છે. આ જ સમયગાળામાં પાણીને લગતાં કામ પતાવી દેવાં પડે છે. છેલ્લા બે-ત્રણ દિવસથી એમાં પણ કાપ મૂકવામાં આવ્યો અને પાણી બહુ જ ઓછું આવ્યું એટલે રહેવાસીઓ ભડક્યા હતા અને જોરદાર પ્રદર્શન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે અમે લાખો રૂપિયા ખર્ચીને અહીં ફ્લૅટ એટલા માટે લીધા છે કે બધી સુવિધાઓ મળે અને જો નાહવા માટે પણ પાણી ન મળે તો અમારે શું કરવું? આ કઈ રીતે ચાલે?
જેમ-જેમ રહેવાસીઓ આવતા ગયા એમ-એમ બિલ્ડરે સોસાયટીઓ તેમને હૅન્ડઓવર કરવા માંડી છે. ઇલેરા સોસાયટીના પ્રૉપર્ટી મૅનેજર રાહુલ જસાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ઑલરેડી મીરા-ભાઈંદર મહાનગરપાલિકામાં આ વિશે રજૂઆત કરી છે અને સપ્લાય વધારવા કહ્યું છે. જોકે તેમનું કહેવું છે કે હાલ કોઈ જ શક્યતા નથી, વરસાદ આવશે પછી જ પાણીની સપ્લાયમાં વધારો થઈ શકશે. અમે હવે લોકોને પડતી તકલીફ જોઈને નાનીએવી સ્ટોરેજ ટૅન્ક બેસી શકે છે કે કેમ એની ચકાસણી કરી રહ્યા છીએ, કારણ કે ડિઝાઇન મુજબ તો લોફ્ટમાં જગ્યા જ નથી. એમ છતાં ૨૦૦ કે વધુમાં વધુ ૩૦૦ લિટરની ટાંકી બેસી શકે કે કેમ એ અમે જોઈ રહ્યા છીએ. જો શક્ય જણાશે તો ચોક્કસ વેન્ડરને એ માટે નીમવામાં આવશે અને જે લોકોને એ બેસાડવી હશે એ લોકો બેસાડી શકશે. હાલ તો ડૅમમાં જેટલું પાણી છે એના પર જ ડિપેન્ડ રહેવાનું છે. વરસાદ પછી એમાં વધારો થઈ શકે.’
મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના વૉટર ડિપાર્ટમેન્ટના એ વિસ્તારના જુનિયર એન્જિનિયર અરવિંદ પાટીલે પાણીની આ સમસ્યા બાબતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાલ મીરા-ભાઈંદરને સ્ટેમ પ્રોજેક્ટ અને એમઆઇડીસી તરફથી પાણી સપ્લાય થાય છે. એ પણ બહુ લાંબા ડિસ્ટન્સથી પાઇપલાઇન વાટે પૂરું પાડવામાં આવે છે. ગુરુવારે મોટી પાઇપલાઇનમાં પંક્ચર થતાં પાણીની સપ્લાય રોકી દેવાઈ હતી, જે રવિવારે બપોર પછી ચાલુ કરાઈ હતી. એમાં સોમવારે સવારે ફરી એક વખત અંબરનાથ પાસે પાઇપલાઇનમાં ભંગાણ થયું છે એટલે સપ્લાય રોકી દેવાઈ હતી. એ લોકો સમારકામ કરી રહ્યા છે. બહુ જૂની પાઇપલાઇન હોવાથી વારંવાર આ સમસ્યા થાય છે. બીજું, નવા-નવા પ્રોજેક્ટ્સ બને છે એ ખરું, પણ એ પ્રમાણમાં પાણીનો જથ્થો અમને કંઈ વધારે નથી મળતો. અમારે તો જે પાણી અવેલેબલ હોય એ જ બધામાં વહેંચવું પડે છે. હવે જો સૂર્યા ડૅમ તૈયાર થઈ જાય અને એનું પાણી અમને ડાઇવર્ટ કરાય તો જ પાણીની સપ્લાય વધે અને ઓછા પાણીની આ સમસ્યામાંથી કાયમનો છુટકારો મળે.’