છેડાનગરના ફ્લાયઓવર અને એસસીએલઆર પરના પુલનું...ઉદ્ઘાટન ક્યારે? નેતાજીને ટાઇમ મળે ત્યારે?

31 March, 2023 09:42 AM IST  |  Mumbai | Ranjeet Jadhav

મુંબઈગરાના આ છે સવાલો : છેડાનગરના ફ્લાયઓવર અને એસસીએલઆર પરના પુલનું ઉદ્ઘાટન કરવાનો રાજકારણીઓ પાસે સમય નથી એટલે પ્રવાસીઓના બેહાલઃ જોકે એમએમઆરડીએ કહે છે આવું કાંઈ નથી

ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર છેડાનગર ખાતે નવો ફ્લાયઓવર (તસવીર : સૈયદ સમીર અબેદી)

સાંતાક્રુઝ-ચેમ્બુર લિન્ક રોડ (એસસીએલઆર) અને ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેનો ઉપયોગ કરતા મોટરચાલકોએ આક્ષેપ કર્યો છે કે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર છેડાનગર ખાતે ખૂલતો ફ્લાયઓવર અને એસસીએલઆર પર પુલના એલિવેટેડ ભાગનું કામ પૂરું થઈ ગયું હોવા છતાં મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (એમએમઆરડીએ) દ્વારા જાણીજોઈને વિલંબ કરવામાં આવી રહ્યો છે.

કેટલાક લોકોએ વળી એવો પણ આક્ષેપ કર્યો હતો કે એમએમઆરડીએ રાજ્ય સરકારના પ્રધાનના સમયની રાહ જોઈ રહી હોવાથી પુલ ખુલ્લો મૂકવામાં વિલંબ થઈ રહ્યો છે. એસસીએલઆર અને છેડાનગર જંક્શનનો નિયમિત ઉપયોગ કરતા મુસાફરોએ એવો દાવો કર્યો હતો કે ડ્રાઇવરોને બીકેસી ઇન્ટરસેક્શન પર ટ્રાફિક-જૅમમાંથી છુટકારો મેળવવામાં મદદરૂપ થનારા બ્રિજનો હિસ્સો તૈયાર છે અને એ શક્ય એટલો જલદી ખુલ્લો મુકાવો જોઈએ.

સાંતાક્રુઝના એક સ્થાનિક રહેવાસીએ કહ્યું હતું કે કાપડિયાનગરથી ફૉરેન્સિક લૅબ તરફ જતો અને પાછો વળતો એલિવેટેડ પટ્ટો તૈયાર છે અને છેડાનગર નજીકનો માનખુર્દ-થાણે ફ્લાયઓવર પણ તૈયાર છે. એક ચર્ચા એવી હતી કે આ બંને બ્રિજ ગુઢી પાડવાના દિવસે ખુલ્લા મુકાશે; પરંતુ એ પણ ન થઈ શક્યું, કેમ કે એમએમઆરડીએ ઇચ્છે છે કે મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન એનું ઉદઘાટન કરે. જોકે તે બંને અગાઉથી અન્ય કાર્યક્રમોમાં વ્યસ્ત હોવાથી બ્રિજનું ઉદઘાટન વિલંબમાં પડી રહ્યું છે.

નવો બંધાયેલો સાંતાક્રુઝ-ચેમ્બુર લિન્ક રોડ ફ્લાયઓવર (તસવીર : શાદાબ ખાન)

અધિકારીઓ શું કહે છે?

એલિવેટેડ રોડ અને ફ્લાયઓવર બંને તૈયાર હોવા છતાં ખુલ્લા મૂકવામાં નથી આવી રહ્યા એ વિષય પર નિયમિત પ્રવાસ કરતા મુંબઈગરાઓના આક્ષેપ વિશે પૂછવામાં આવતાં મેટ્રોપૉલિટન કમિશનર એસવીઆર શ્રીનિવાસે કહ્યું હતું કે ‘આ સાચું નથી. સ્લિપ રોડનું કામ હજી બાકી છે, જેમાં ફિનિશિંગ વર્ક તેમ જ ઇલેક્ટ્રિકલ કામનો સમાવેશ થાય છે. જોકે હવે યુદ્ધના ધોરણે કામ કરવામાં આવી રહ્યું છે.’

‘મિડ-ડે’ના ફોટોગ્રાફરે થોડા દિવસ પહેલાં છેડાનગરથી માનખુર્દ-થાણે ફ્લાયઓવરનો ફોટો લીધો હતો અને ટોચના કોણ દર્શાવે છે કે બ્રિજ ઉદ્ઘાટન માટે તૈયાર છે. ૧,૨૩૫ મીટર લાંબો અને ૮.૫ મીટર પહોળો આ બ્રિજ મોટરચાલકોને છેડાનગર ખાતે ટ્રાફિક-જૅમ ટાળવામાં મદદરૂપ થશે.

એસસીએલઆર પર કાપડિયાનગરથી ફૉરેન્સિક લૅબોરેટરીનો એલિવેટેડ રોડ ૧.૯૦૬ કિલોમીટર લાંબો અને ચાર લેનનો છે અને ફૉરેન્સિક લૅબોરેટરીથી વાકોલા નાળાનો એલિવેટેડ રોડ ૧.૧૨૫ કિલોમીટર લાંબો અને બે લેનનો છે. એક વાર ખુલ્લો મુકાયા પછી આ બ્રિજ બીકેસી, સીએસટી રોડ અને હંસભુગરા રોડ પરનો ટ્રાફિક-જૅમ દૂર કરવામાં મદદરૂપ થશે. આ ઉપરાંત ઈસ્ટર્ન અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેની કનેક્ટિવિટીમાં સુધારો કરવામાં પણ સહાય મળશે તેમ જ બળતણની બચત કરવા સાથે પ્રવાસના સમયમાં પણ ૪૫ મિનિટનો ઘટાડો થશે.

 મુસાફરો શું કહે છે?

નિયમિત પ્રવાસી નીતિન સક્સેનાએ ટ્વીટ કરી કહ્યું હતું કે ‘એસસીએલઆર બ્રિજ છેલ્લા બે મહિનાથી તૈયાર છે, પરંતુ ખુલ્લો મુકાયો નથી કેમ કે કોઈ ચોક્કસ એનું ઉદઘાટન કરવા માગે છે. મહેરબાની કરીને આ વિષય ધ્યાન પર લો. ટ્રાફિકને કારણે કાપડિયાનગરનો પ્રવાસ એક દુ:સ્વપ્ન સમાન પુરવાર થાય છે. આ બ્રિજ ટ્રાફિક હળવો કરવામાં મદદરૂપ થશે.’

અન્ય એક મોટરચાલક મોહિત પારેખે પણ ટ્વીટ કરીને કહ્યું હતું કે ‘મહેરબાની કરીને શું આપ એસસીએલઆરના છેડાનો બ્રિજ ખુલ્લો મૂકી શકો છો? એ છેલ્લા બે મહિનાથી તૈયાર છે, પણ તમે લોકો રિબન કાપવા આવી નથી રહ્યા.’

અબુ તલ્હા નામના એક મુસાફરે ટ્વીટર પર પોતાનો આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘બીકેસી (એસસીએલઆર) બ્રિજ ક્યારે ખુલ્લો મુકાશે? છેડાનગર સિગ્નલ (ચેમ્બુર) બ્રિજનું કામ સમયમર્યાદા વીતી જવા છતાં પૂરું નથી થયું. આ રૂટ પર નિયમિત પ્રવાસ કરતા લોકોએ ભારે ટ્રાફિક-જૅમનો સામનો કરવો પડે છે. અમને ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેથી બીકેસી જવાનો વૈકલ્પિક માર્ગ સૂચવો.’

mumbai mumbai news santacruz chembur mumbai metropolitan region development authority ranjeet jadhav