નો ફ્રેન્ડ્સ, નો પાર્ટી, નો આઉટિંગ

19 June, 2023 10:15 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

જેઈઈ ઍડ્વાન્સના મહારાષ્ટ્રના ટૉપર યુવરાજ ગુપ્તાનો આ છે સક્સેસ મંત્ર. આખા દેશમાં ૧૩મા નંબરે આવેલા મુંબઈના ડૉક્ટર દંપતીના દીકરાનું આઇઆઇટી-બૉમ્બેમાં જવાનું સપનું હવે સફળ થશે

યુવરાજ ગુપ્તા તેનાં પપ્પા, મમ્મી અને બહેન સાથે

કમ્પ્યુટર સાયન્સ સાથે એન્જિનિયરિંગ કરવાનું અને એ પણ આઇઆઇટી-બૉમ્બેથી કરવાનું સપનું લઈને એ માટે સખત પરિશ્રમ કરનાર મુંબઈના કાંદિવલી (ઈસ્ટ)ના ડેન્ટિસ્ટ દંપતી અમિત અને અનુ ગુપ્તાના પુત્ર યુવરાજ ગુપ્તાનું સ્વપ્ન હવે પૂરું થવામાં છે. મુંબઈના યુવરાજ ગુપ્તાએ જેઈઈ ઍડ્વાન્સમાં ૩૧૫/૩૬૦ માર્ક સાથે સફળતા મેળવીને ઑલ ઇન્ડિયા રૅન્કિંગમાં ૧૩મું સ્થાન મેળવ્યું છે અને સાથે જ તે મહારાષ્ટ્રનો પણ ટૉપર બન્યો છે.

યુવરાજ ગુપ્તા તેના કુટુંબની પહેલી વ્યક્તિ છે જે આઇઆઇટીમાં જશે. સખત મહેનતને સફળતાનું સૂત્ર માનતા યુવરાજે આ સફળતા માટે તેને મદદ કરનાર ટીચર્સ, મેન્ટર્સ અને સિનિયર્સના ગાઇડન્સનો આભાર માનતાં કહ્યું હતું કે ‘દિવસના ૧૨-૧૪ કલાકનો અભ્યાસ કરીને સખત મહેનત કરી એનું જ આ પરિણામ છે. સારું રિઝલ્ટ મેળવવા ભોગ આપવો જ પડે.’ તેણે માતા-પિતા અને વડીલો સાથે ટીચર્સના આશીર્વાદ મળ્યા હોવાનું પણ જણાવ્યું હતું. મુંબઈ ઝોનમાંથી પાંચ વિદ્યાર્થીઓએ ટૉપ ૫૦માં સ્થાન મેળવ્યું છે.

યુવરાજની આ સફળતા વિશે માહિતી આપતાં તેની મમ્મી અનુ ગુપ્તાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નાનપણમાં યુવરાજ જરાય સ્ટુડિયસ નહોતો. જોકે એ પછી નવમા અને દસમામાં તેનો પ્રોગ્રેસ જોઈને તેની મરોલ-અંધેરીમાં આવેલી સ્કૂલ નારાયણા ઈ-ટેક્નોની ટીચર્સે જ અમને સજેસ્ટ કર્યું કે તેનામાં પોટેન્શિયલ છે, તેને આઇઆઇટી માટે તૈયાર કરો, તે સારું રિઝલ્ટ લાવી શકે એમ છે તો તેની લાઇફ બની જશે. એથી અમે એ પછી તેની તૈયારી શરૂ કરી. યુવરાજે પણ એ વાતને સિરિયસલી લીધી. તેને કમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગ કરવું હતું અને એ પણ આઇઆઇટી-બૉમ્બેમાંથી. એથી એ માટે શું કરવું પડશે? કેટલા માર્ક લાવવા પડશે? એની તપાસ કરીને માહિતી મેળવી. એમાં તેને જણાઈ આવ્યું કે એ માટે જેઈઈ ઍડ્વાન્સમાં ફર્સ્ટ ૫૦માં તે રૅન્ક લાવે, એટલા માર્ક લાવે તો જ એ શક્ય છે. એથી તેણે એ ટાર્ગેટ સેટ કર્યો અને ભણવાનું ચાલુ કર્યું. જેઈઈ મેઇન્સમાં પણ તે મુંબઈનો ટૉપર હતો. તે સવારના ૮ વાગ્યાથી રાતના ૧૧ વાગ્યા સુધી ભણતો હતો. તે ફર્સ્ટ ૫૦માં આવવા એટલો સિરિયસ થઈ ગયો હતો કે દહિસરમાં રહેતી તેની દાદીનું અવસાન થયું ત્યારે પણ માત્ર ત્રણ કલાક માટે ભણવાનું છોડીને આવ્યો હતો. બાકી આ સમય દરમ્યાન નો ફ્રેન્ડ્સ, નો પાર્ટી, નો આઉટિંગ - કશું જ નહીં. હી વૉઝ ટોટલી ફોકસ્ડ કે તેણે શું અચીવ કરવું છે અને એ કઈ રીતે થશે. તેની સખત મહેનતનું પરિણામ આવ્યું અને તેણે માત્ર મુંબઈ જ નહીં પણ મહારાષ્ટ્ર ટૉપ કર્યું. વી ઑલ આર વેરી હૅપી વિથ હીઝ સક્સેસ. પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.’    

કુલ ૧,૮૦,૩૭૨ વિદ્યાર્થીઓએ જેઈઈ ઍડ્વાન્સની પરીક્ષા આપી હતી, જેમાંથી ૪૩,૭૭૩ વિદ્યાર્થીઓ પાસ થયા હતા. પાસ થનાર પુરુષ વિદ્યાર્થીઓની સંખ્યા ૩૬,૨૬૪ હતી, જ્યારે ૭,૫૦૯ વિદ્યાર્થિનીઓએ પણ આ પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી હતી. વિદ્યાર્થિનીઓમાં હૈદરાબાદ ઝોનની નયકાંતિ નાગભવ્યશ્રીએ ૨૯૮/૩૬૦ માર્ક મેળવ્યા હતા.  

હૈદરાબાદનો સ્ટુડન્ટ ઑલ ઇન્ડિયા ટૉપર

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (આઇઆઇટી), ગૌહાટી દ્વારા જૉઇન્ટ એન્ટ્રન્સ એક્ઝામ (જેઈઈ ઍડ્વાન્સ) ૨૦૨૩નું રિઝલ્ટ ગઈ કાલે જાહેર કરાયું હતું. આ વખતે હૈદરાબાદ ઝોને બાજી મારી હતી. હૈદરાબાદનો વવિલાલા ચિડ્ડિવલાસ રેડ્ડી ૩૬૦માંથી ૩૪૧ માર્ક્સ મેળવીને ઑલ ઇન્ડિયા ટૉપર બન્યો છે. જેઈઈ ઍડ્વાન્સની એક્ઝામમાં સફળતા મેળવનાર સ્ટુડન્ટ્સની સંખ્યામાં પણ આ વખતે હૈદરાબાદ મોખરે રહ્યું છે. હૈદરાબાદ ઝોનના ૧૦,૪૩૨, દિલ્હીના ૯,૨૯૦, મુંબઈના ૭,૯૫૭, ખડગપુરના ૪,૬૧૮, કાનપુરના ૪,૫૮૨, રુરકીના ૪,૪૯૯ અને ગૌહાટીના ૨,૩૯૫ સ્ટુડન્ટ્સે સફળતા મેળવી હતી. સફળતા મેળવેલા વિદ્યાર્થીઓને દેશની ૨૩ આઇઆઇટીમાં જેઈઈ ઍડ્વાન્સના આધારે ઍડ‍્મિશન આપવામાં આવશે. એ માટે જૉઇન્ટ સીટ અલોકેશનની પ્રોસેસ ૧૯ જૂનથી શરૂ થશે. 

iit bombay kandivli mumbai mumbai news bakulesh trivedi