02 May, 2022 11:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
સામાન્ય લોકોના રસોડામાં કાંદાનું અનેરું મહત્ત્વ છે. ગરીબોની કસ્તુરી તરીકે ઓળખાતા કાંદાને લીધે ભૂતકાળમાં મહારાષ્ટ્ર સહિત દિલ્હીની સરકારો તૂટી હતી. કાંદાનો બમ્પર પાક થાય કે ઓછો ઉતાર આવે ત્યારે કાગારોળ મચી જાય છે. આ વર્ષે મહારાષ્ટ્રમાં કાંદાનો બમ્પર પાક થયો છે એટલે સ્થાનિક બજારમાં ત્રણથી ચાર રૂપિયે કિલો કાંદાનું વેચાણ થઈ રહ્યું છે. મુંબઈની હોલસેલ માર્કેટમાં ત્રણ રૂપિયાના કાંદા છ રૂપિયાથી તેર રૂપિયામાં હોલસેલ ભાવે વેચાય છે. આ જ કાંદા મુંબઈની રીટેલ માર્કેટમાં કિલોદીઠ ૨૫થી ૩૦ રૂપિયે વેચવામાં આવે છે. સામાન્ય રીતે કાંદાના ભાવ વધે છે ત્યારે સામાન્ય લોકોનું બજેટ ખોરવાઈ જાય છે, જ્યારે કાંદાનો બમ્પર પાક થાય છે ત્યારે ખેડૂતો ધોવાઈ જાય છે. આ બન્ને સ્થિતિમાં કેટલાક વચેટિયા કાંદાનો સંગ્રહ કરવાની સાથે નીચે ભાવે ખરીદીને ઊંચા ભાવે વેચાણ કરે છે અને માલામાલ થાય છે. આની સામે ખેડૂતોની સ્થિતિ એમ ને એમ રહે છે અને સામાન્ય લોકોએ કાંદા માટે વધુ રૂપિયા ચૂકવવા પડે છે.
રાજ્યમાં કાંદાનો બમ્પર પાક
દેશભરમાં કાંદાનું સૌથી વધુ વાવેતર મહારાષ્ટ્રમાં અહમદનગર સહિતના ત્રણ જિલ્લામાં થાય છે. આ વર્ષે ત્રણેય જિલ્લામાં કાંદાનું ઘણું સારું ઉત્પાદન થયું છે. સામાન્ય રીતે વધુ ઉત્પાદન થાય ત્યારે ખેડૂતો ખુશ થાય, પણ કાંદાની ખેતીમાં એવું નથી. માગ કરતાં વધુ કે સામાન્યથી વધુ પ્રમાણમાં કાંદાનું ઉત્પાદન થાય ત્યારે એના ભાવ તૂટી જાય છે. એને લીધે કાંદાની ખેતી કરવામાં જેટલો ખર્ચ થાય છે એનાથી પણ ભાવ ઓછા મળે છે ત્યારે ખેડૂતો માટે મુશ્કેલી ઊભી થાય છે. અહમદનગર અને બુલઢાણા જિલ્લામાં આ વર્ષે કાંદાનું ધારણા કરતાં વધુ ઉત્પાદન થયું હોવાથી એક સમયે ૨૦૦૦ રૂપિયે ક્વિન્ટલ એટલે કે ૧૦૦ કિલો કાંદા વેચાતા હતા એનો ભાવ તૂટીને ૩૦૦થી ૪૦૦ રૂપિયા થઈ ગયો છે.
મુંબઈમાં હોલસેલમાં ૬થી ૧૩ રૂપિયા
ખેડૂતો પાસેથી ત્રણથી ચાર રૂપિયે કિલો ખરીદવામાં આવેલા કાંદા મુંબઈની વાશીમાં આવેલી એપીએમસી હોલસેલ માર્કેટમાં છ રૂપિયાથી તેર રૂપિયે વેચાણ થાય છે. આ માર્કેટમાં વેપારીઓના જણાવ્યા મુજબ અહીં દરરોજ સરેરાશ ૯૦૦૦ ક્વિન્ટલ કાંદાની આવક થાય છે. વાશી એપીએમસીની કાંદા-બટાટા માર્કેટ વેપારી અસોસિએશનના અધ્યક્ષ સંજય પિંગળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ વર્ષે સામાન્ય કરતાં કાંદાનું ૧૦થી ૧૫ ટકા વધુ ઉત્પાદન થયું છે, જેને લીધે સ્થાનિક સ્તરે કાંદાના ભાવ તૂટ્યા છે. જે ખેડૂતો પાસે કાંદા સાચવવાની સગવડ હોય છે તેઓ થોડા ભાવ ઊંચકાય એની રાહ જુએ છે. જેમની પાસે આવી સુવિધા ન હોય તેવા ખેડૂતોએ મજબૂરીથી જે ભાવ હોય એ ભાવે કાંદા વેચવા પડે છે. એપ્રિલ અને મે મહિનામાં નવા કાંદાની આવક અહમદનગર અને પુણે જિલ્લામાંથી મુંબઈમાં વધુ પ્રમાણમાં થાય છે. આથી અહીં પણ અત્યારે ક્વિન્ટલ દીઠ ૬૦૦ રૂપિયાથી ૧૩૦૦ રૂપિયે કાંદાનું વેચાણ થાય છે.’
રીટેલ માર્કેટમાં ૨૫થી ૩૦ રૂપિયા
અહમદનગર, પુણે અને બુલઢાણાના ખેડૂતો પાસેથી જે કાંદા ત્રણથી ચાર રૂપિયે કિલો ખરીદવામાં આવે છે એ મુંબઈની રીટેલ માર્કેટમાં પહોંચતાં ૨૫થી ૩૦ રૂપિયા થઈ જાય છે. મુંબઈમાં અત્યારે સાધારણ કહેવાય એવા કાંદા આ ભાવે વેચાય છે. જોકે દરેક વિસ્તારમાં બે-પાંચ રૂપિયાનો ફરક રહે છે. આના પરથી જણાઈ આવે છે કે ત્રણેક રૂપિયે ખરીદવામાં આવેલા કાંદા મુંબઈની રીટેલ માર્કેટમાં પહોંચતા એના ભાવ દસગણા થઈ જાય છે.