29 January, 2023 08:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
મુંબઈ : બંગાળના ઉપસાગરમાં સર્જાયેલા હળવા દબાણના પટ્ટાને કારણે અને ઉત્તરના પવનાને કારણે રાજસ્થાનના પશ્ચિમી પ્રદેશ પર ચક્રવાતની પરિસ્થિતિ સર્જાતાં ગઈ કાલે ગુજરાતના આઠ જિલ્લામાં જોરદાર માવઠું થયું હતું અને અમદાવાદમાં તો કરા પણ પડ્યા હતા. એની અસર હવે મહારાષ્ટ્રમાં પણ જોવા મળી શકે છે.
જોકે રીજનલ મિટિયરોલૉજિકલ સેન્ટર, મુંબઈના જણાવ્યા અનુસાર આજે મુંબઈ અને એની આસપાસના વિસ્તારોમાં તો નહીં પણ ઉત્તર મહારાષ્ટ્રના જિલ્લાઓ જેવા કે નંદુરબાર, ધુળે, જળગાંવ અને નાશિક સાથે મરાઠવાડાના ઔરંગાબાદમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે. એની સાથે જ પવન પણ ૩૦થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાક ફૂંકાઈ શકે છે. મુંબઈ સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વાતાવરણ સૂકું હશે અને દિવસ અને રાતના તાપમાનમાં વધુ ફરક જોવા નહીં મળે.