10 May, 2023 09:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
નવી મુંબઈ એમઆઇડીસીમાં ૧૬૫૦ જેટલા સ્મૉલ યુનિટ્સ આવેલા છે, જેમાંથી ૪૨૪ જેટલા સ્મૉલ સ્કેલ યુનિટ્સ એનએમએમસીને પહેલેથી જ પ્રૉપર્ટી ટૅક્સ ભરતા નથી. તેમનું કહેવું છે કે તેઓ એમઆઇડીસીની હેઠળ આવતા હોવાથી તેઓ એનએમએમસીનો પ્રૉપર્ટી ટૅક્સ નહીં ભરે. એ પછી તેમણે એનએમએમસી એમઆઇડીસી વિસ્તારમાં પાયાભૂત સુવિધા આપતી ન હોવાનું કહી કોર્ટમાં આ બાબતે અરજી કરી હતી. એ કેસ હાઈ કોર્ટ બાદ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્મૉલ સ્કેલ યુનિટ્સને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે પહેલાં તમે એ પ્રૉપર્ટી ટૅક્સ એનએમએમસીમાં જમા કરાવો ત્યાર બાદ આગળની સુનાવણી કરીશું. જો યુનિટધારકો ટૅક્સ ન ભરે તો એનએમએમસી તેમની સામે કાયદાકીય પગલાં લઈ શકે એમ પણ સુપ્રીમે તેના નિર્દેશમાં જણાવ્યું છે.
નવી મુંબઈ મહાનગરપાલિકા અંતર્ગત આવેલા કુલ યુનિટ્સમાંથી ૫૯૭ પ્રૉપર્ટી ટૅક્સ ભરે છે, જ્યારે ૪૨૪ યુનિટ્સ ટૅક્સ ભરતા નથી. તેમની પાસેથી ૧૪૮ કરોડનો ટૅક્સ આવવાનો બાકી છે.
મહાનગરપાલિકાની આવકમાં પ્રૉપર્ટી ટૅક્સ એ આવકનો મુખ્ય સ્રોત હોય છે. મહાનગરપાલિકા એની આવકમાંથી અનેક પબ્લિક યુટિલિટીની સર્વિસિસ પૂરી પાડતી હોય છે. એનએમએમસીનું કહેવું છે કે એમઆઇડીસી એ પાલિકાના વિસ્તારનો જ એક ભાગ છે અને એણે એમઆઇડીસી વિસ્તારમાંના રોડનું કૉન્ક્રીટાઇઝેશન કર્યું છે. સ્ટ્રીટ લાઇટ પણ ગોઠવવામાં આવી છે. એ ઉપરાંત રોજેરોજ ત્યાંથી કચરો પણ ઉપાડવામાં આવે છે અને સ્વચ્છતા જાળવવામાં આવે છે તથા ત્યાં સુશોભીકરણ હાથ ધરાયું છે. આ બધા માટે ત્યાં ખર્ચો કર્યો છે.
એનએમએમસીના ઍડિશનલ કમિશનર અને પ્રૉપર્ટી ટૅક્સનો અખત્યાર સંભાળતાં સુજાતા દિલીપ ઢોલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે સ્મૉલ સ્કેલ યુનિટ ઓનર્સને પહેલા કર્ટસી લેટર લખીશું, ત્યાર બાદ નોટિસ મોકલાવીશું અને તેમને બાકી નીકળતા ટૅક્સની રકમ ભરવા કહીશું. એ રકમ તેમણે નોટિસ આપ્યા બાદ નિયમ મુજબ અપાતા ચોક્કસ સમયગાળામાં ભરવાની હોય છે. જો એ પછી પણ તે એ ટૅક્સની રકમ નહીં ભરે તો અમે તેમની સામે કાયદેસરનાં પગલાં લઈશું. યુનિટધારકોને ખબર છે કે તેમણે કેટલી રકમ ભરવાની છે, એથી તેઓ એ રકમ ભરી દે અને એનએમએમસીને સહકાર આપે.’