15 April, 2022 05:56 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
નિતિન ગડકરી (ફાઈલ તસવીર)
દેશના કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી (Central Minister Nitin Gadkari)ઘણીવાર પોતાના ભાષણમાં કોઇક ને કોઇક જૂની વાતનો ઉલ્લેખ કરતા રહે છે. ગુરુવારે પણ તેમણે એવા જ એક પ્રસંગનો ઉલ્લેખ કર્યો, જે દેશના જાણીતા ઉદ્યોગપતિ રતન તાતા (Ratan Tata) સાથે જોડાયેલો છે. હકિકતે નિતિન ગડકરીએ તે ઘટના યાદ અપાવી જ્યારે રતન તાતાએ એક એવો પ્રશ્ન પૂછ્યો જેને સાંભળીને નિતિન ગડકરી પણ ચોંકી ગયા હતા. અહીં જાણો શું છે આખી ઘટના.
રતન તાતાની સાદગી, કર્મચારીઓ અને જનતા પ્રત્યે સારી ભાવનાથી દરેક જણ પરિચિત છે. નિતિન ગડકરીએ એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે તે મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી હતા. ત્યારે તેમને આરએસએસના એક પદાધિકારીએ રતન તાતાને એક હૉસ્પિટલના ઉદ્ઘાટન સમારોહમાં બોલાવવા માટે આગ્રહ કર્યો હતો. જ્યારે રતન તાતા હૉસ્પિટલના ઉદ્ઘાટન માટે પહોંચ્યા. ત્યારે તેમણે એક એવો પ્રશ્ન પૂછ્યો જેને સાંભળીને ગડકરી ચોંકી ગયા હતા. હકિકતે રતન તાતાએ પૂછ્યું કે શું આ હૉસ્પિટલ માત્ર હિંદુઓ માટે છે. જેના જવાબમાં ગડકરીએ પ્રશ્ન કર્યો તે તેમને એવું કેમ લાગે છે.
નિતિન ગડકરીના પ્રશ્ન પર રતન તાતાએ કહ્યું કારણકે આ હૉસ્પિટલ આરએસએસની છે. ત્યારે ગડકરીએ કહ્યું કે આવું બિલકુલ પણ નથી. આ હૉસ્પિટલ સમાજના બધા સમુદાયો માટે છે. તેમણે કહ્યું કે આરએસએસમાં આ પ્રકારની કોઈપણ વસ્તુ નથી. આ વાત ગડકરીએ પુણેમાં એક હૉસ્પિટલના ઉદ્ઘાટન સમારોહમાં જણાવી છે.
નિતિન ગડકરી એક દૂરદર્શી નેતા
મહારાષ્ટ્ર અને દેશમાં નિતિન ગડકરીને એક દૂરદર્શી નેતા તરીકે ઓળખવામાં આવે છે. મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી રહેતા તે કરી બતાવ્યું છે જેના વિશે કોઈએ ત્યારે વિચાર્યું પણ નહીં હોય. પોતાના કાર્યકાળમાં તેમણે મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઈવે સહિત ડઝનેક ફ્લાઈઓવર બનાવ્યા હતા. ત્યારે રાજ્યમાં યુતિ (શિવસેના-બીજેપી)ની સરકાર હતી. હાલના સમયમાં પણ નિતિન ગડકરી પોતાના કાર્યો દ્વારા ચર્ચાઓમાં છવાયેલા રહે છે.