13 July, 2023 08:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર દ્વારા ‘રન ઍઝ સ્લો ઍઝ યુ કૅન’ પ્રદર્શનનું આયોજન
મુંબઈ : નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર દ્વારા ટૉઇલેટપેપર ક્રીએટિવ સ્ટુડિયોના ‘રન ઍઝ સ્લો ઍઝ યુ કૅન’ કલા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. એ ૨૦૧૦માં પિઅરપાઓલો ફેરારી અને મૌરિઝિયો કેટેલન દ્વારા સ્થાપિત સુપ્રસિદ્ધ ઇટાલિયન ક્રીએટિવ સ્ટુડિયો અને ઇમેજ-બેઝ મૅગેઝિન ‘ટૉઇલેટપેપર’ની કૃતિને પ્રદર્શિત કરે છે. આ પ્રદર્શન ટ્રિયાડિકના માફાલ્ડા મિલિઝ અને રોયા સૅશ દ્વારા ક્યુરેટ કરાયું છે અને એ ભારતમાં કેટેલન અને ફેરારીના પદાર્પણની સાથે ‘ટોઇલેટપેપર’ના અત્યાર સુધીના સૌથી મોટા શોનું પ્રતીક છે. આ પ્રદર્શન કલ્ચરલ સેન્ટરના ડેડિકેટેડ વિઝ્યુઅલ આર્ટ સ્પેસ - આર્ટ હાઉસમાં ૨૨ જુલાઈ, શનિવારના રોજ ખુલ્લું મુકાશે અને ૨૨ ઑક્ટોબર સુધી એને જોઈ શકાશે. આ શો વિશે ઈશા અંબાણીએ કહ્યું હતું કે મને ખાતરી છે કે ‘ટૉઇલેટપેપર’નો અત્યાર સુધીનો સૌથી મોટો શો યુવા ભારતીય પ્રેક્ષકોને સ્પર્શી જશે અને તેમને કલ્પના અને સર્જનાત્મક ઊર્જાનો અહેસાસ કરાવતી કલાનો એક તદ્દન નવો જ પરિપ્રેક્ષ્ય આપશે.