03 February, 2024 08:20 AM IST | Mumbai | Rohit Parikh
ગાયકવાડ પરિવારના ઘરમાં પહેલાં ગૅસ લીક થયો હતો
ચેમ્બુર-ઈસ્ટમાં જૈન દેરાસરની સામે આવેલી સિદ્ધાર્થ કૉલોનીમાં ગુરુવારે રાતના ૧૧.૪૮ વાગ્યે ગાયકવાડ પરિવારના ઘરમાં પહેલાં ગૅસ લીક થયો હતો અને પછી સિલિન્ડર ફાટતાં ૧૭ વર્ષના ટીનેજર સહિત નવ લોકો દાઝી ગયા હતા. એમાં ગાયકવાડ પરિવારની સાત વ્યક્તિ ૨૦ ટકાથી લઈને ૬૦ ટકા દાઝી ગઈ હતી અને તેમનું આખું ઘર ખેદાનમેદાન થઈ ગયું હતું. તેમની સાથે તેમના બે પાડોશી પણ દાઝી ગયા હતા. આ બધા ઈજાગ્રસ્તોને રાજાવાડી, સાયન, માણેક અને ગોવંડીની શતાબ્દી હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. આ બનાવથી સિદ્ધાર્થ કૉલોનીમાં ફફડાટ ફેલાયો હતો.
આ બાબતની માહિતી આપતાં સ્થાનિક રહેવાસીઓએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુરુવારે રાત્રે બાર વાગ્યાની આસપાસ સિદ્ધાર્થ કૉલોનીના એક ઘરમાં રહેતા ગાયકવાડ પરિવારના ઘરમાં આ ઘટના બની હતી. આ પરિવાર રાતના સૂતો હતો ત્યારે અચાનક તેના ઘરનું ગૅસ સિલિન્ડર લીક થયું હતું. ત્યાર પછી થોડી વારમાં જ આ સિલિન્ડર ફાટતાં જોરદાર ધડાકા સાથે તેમના ઘરમાં આગ ફાટી નીકળી હતી. સિલિન્ડર ફાટતાં જ તેમના ઘર અને આસપાસનાં ઘરોમાં જાણે ધરતીકંપ થયો હોય એવી ધ્રુજારી થઈ હતી. અમે તરત જ ગાયકવાડ પરિવારને બચાવવા તેમના ઘર તરફ દોડી ગયા હતા. અમે હિંમત કરીને પરિવારના સભ્યોને ઘરમાંથી બહાર કાઢ્યા હતા. ત્યાં સુધીમાં ફાયર બ્રિગેડની ત્રણ ગાડી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડે પહેલાં ૧૫ મિનિટમાં આગને કાબૂમાં લઈને ઈજાગ્રસ્તોને નજીકની હૉસ્પિટલમાં સારવાર માટે મોકલી દીધા હતા.’
ફાયર બિગ્રેડના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ સિલિન્ડર-બ્લાસ્ટના બનાવમાં ૫૫ વર્ષની સંગીતા ગાયકવાડ ૨૦થી ૩૦ ટકા, ૪૬ વર્ષનો જિતેન્દ્ર કાંબળે ૩૦થી ૪૦ ટકા, ૫૬ વર્ષની યશોદા ગાયકવાડ ૬૦ ટકા, ૬૦ વર્ષની નર્મદા ગાયકવાડ ૪૦થી ૫૦ ટકા, ૫૬ વર્ષનો રમેશ ગાયકવાડ ૬૦ ટકા દાઝી ગયાં હતાં. ૧૭ વર્ષના શ્રેયસ સોનકાંબળેને મામૂલી ઈજા થઈ હતી. ૪૦ વર્ષની શ્રેયા ગાયકવાડ ૪૦ ટકા અને ૨૩ વર્ષનો વૃષભ ગાયકવાડ ૩૦ ટકા દાઝી ગયાં હતાં. ૪૨ વર્ષના સંદીપ જાધવને મામૂલી ઈજા થઈ હતી. આમાંથી યશોદા ગાયકવાડ, નર્મદા ગાયકવાડ અને રમેશ ગાયકવાડની હાલત ખૂબ ગંભીર છે, જ્યારે સંદીપ જાધવને સારવાર બાદ હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપી દીધો છે.’