26 October, 2024 11:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જાહેરાત
બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લેનાર લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈ પર હવે નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ ૧૦ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે. એ સિવાય NIAએ ૨૦૨૨માં અનમોલ બિશ્નોઈ સામે નોંધાયેલા બે ગુનામાં હવે ચાર્જશીટ પણ દાખલ કરી છે. બાબા સિદ્દીકીના હત્યારાઓ અનમોલ બિશ્નોઈ સાથે સ્નૅપચૅટ દ્વારા સંપર્કમાં હોવાનું તપાસમાં જણાઈ આવ્યા બાદ NIAએ આ પગલું લીધું હોવાનું કહેવાઈ રહ્યું છે.
અનમોલ બિશ્નોઈનું મૂળ નામ ભાનુપ્રતાપ લવિન્દર સિંહ છે અને તે અમેરિકા અને કૅનેડામાં રહે છે તથા લૉરેન્સના ઇશારા પર કામ કરે છે. પંજાબના લોકપ્રિય ગાયક સિધુ મૂસેવાલાની હત્યામાં પણ અનમોલ વૉન્ટેડ છે. કહેવાય છે કે તે બનાવટી પાસપોર્ટ બનાવીને ભારતમાંથી નાસી ગયો હતો. ચાલાક અનમોલ તેનું લોકેશન અવારનવાર બદલતો રહે છે. તેની સામે ૨૦ જેટલા ગુના દાખલ થયેલા છે એટલું જ નહીં, તે આ પહેલાં જેલમાં પણ જઈ આવ્યો છે અને ઑક્ટોબર ૨૦૨૧માં જેલમાંથી બહાર આવ્યો હતો. તે હવે વિદેશમાં રહીને લૉરેન્સના કહેવા પ્રમાણે ખંડણી માગવી, હવાલાથી એ પૈસા મગાવવા ઉપરાંત ટોળકીના સભ્યોને પૈસા આપવા, તેમના ખર્ચની વ્યવસ્થા કરવી જેવી જવાબદારીઓ પાર પાડે છે. અનમોલ તેના બીજા ભાઈ સચિન સાથે મળીને ટોળકીની રોજિંદી બાબતો સંભાળે છે, જ્યારે ટોળકીની વર્લ્ડવાઇડ ગુનાખોરીની સિન્ડિકેટ ગોલ્ડી બ્રાર સંભાળે છે.