03 February, 2023 11:52 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને ઈમેલ દ્વારા મુંબઈ પર હુમલા (Mumbai Attack)ની ધમકી આપવામાં આવી છે. ઈ-મેઇલ કરનારે તાલિબાન (Taliban)નું નામ લઈને ધમકી આપી છે. આ મેઈલ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે મુંબઈ અને અન્ય શહેરોમાં હુમલો કરવામાં આવશે. NIAએ આ અંગે મુંબઈ પોલીસને જાણ કરી છે અને પોલીસને સતર્ક રહેવાની ચેતવણી આપી છે, જેના કારણે મુંબઈ પોલીસે અન્ય એજન્સીઓ સાથે મળીને તપાસ શરૂ કરી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ મેલ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીના ઈ-મેઇલ આઈડી પર મળ્યો છે. મેઇલમાં મુંબઈ પર હુમલાની ધમકી આપવામાં આવી છે. ઈમેલ કરનારે પોતે તાલિબાન હોવાનો દાવો કર્યો હતો. મેઇલ કરનારે દાવો કર્યો છે કે આ મેઇલ તાલિબાનના ટોચના નેતા સિરાજુદ્દીન હક્કાનીના આદેશ પર મોકલવામાં આવ્યો છે. ધમકીભર્યા મેઇલની માહિતી મુંબઈ પોલીસને આપવામાં આવી છે. પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓ સાથે આ મામલે તપાસ કરી રહી છે. મેઇલ કોણે મોકલ્યો? મેઇલ બરાબર ક્યાંથી આવ્યો જેવા પ્રશ્નોના જવાબ મેળવવા એજન્સીઓએ તપાસ હાથ ધરી છે. મુંબઈ સહિત દેશના અન્ય શહેરોમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
સિરાજુદ્દીન હક્કાની તાલિબાનના સૌથી ખતરનાક જૂથ હક્કાની નેટવર્કનો વડો છે. અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તા પર આવ્યા બાદ સિરાજુદ્દીન હક્કાનીને ગૃહપ્રધાન પદ મળ્યું હતું. હક્કાની તાલિબાનનો બીજા નંબરનો નેતા છે. તાલિબાનની અંદર હક્કાની નેટવર્ક મજબૂત છે. અમેરિકી એજન્સી FBIએ હક્કાની વિશે માહિતી આપનારને 10 મિલિયન ડૉલરના ઇનામની ઑફર કરી છે.
જાન્યુઆરીમાં પણ મુંબઈ પર હુમલાની ધમકી
જાન્યુઆરી મહિનામાં પણ મુંબઈ પર હુમલાની ધમકીનો ફોન આવ્યો હતો. એક વ્યક્તિએ મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરીને શહેરના વિવિધ ભાગોમાં બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી આપી હતી. 1993ની જેમ મુંબઈમાં સીરિયલ બોમ્બ બ્લાસ્ટનો ખતરો હતો. ફોન પર કહેવામાં આવ્યું હતું કે બે મહિનામાં બોમ્બ ધડાકા કરવામાં આવશે, જે બાદ ફરી આ મેઇલ આવ્યો છે.
આ પણ વાંચો: દિલ્હીની જેમ મુંબઈમાં પણ એર પ્યુરિફાયર ટાવર લગાવો, BMCને CM એકનાથ શિંદેની સૂચના
છેલ્લા સાત વર્ષમાં આપણી સુરક્ષા એજન્સીઓએ મુંબઈ જેવા શહેરોને આતંકવાદી હુમલાઓથી સુરક્ષિત કર્યા છે. મુંબઈમાં મુખ્ય ધાર્મિક સ્થળો, ફાઈવ સ્ટાર હોટલ, મહત્વપૂર્ણ સરકારી અને બિનસરકારી સ્થળો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. તાજમહેલ પેલેસ હોટેલ, તાજ લેન્ડ્સ ઍન્ડ હૉટેલ, સિદ્ધિવિનાયક મંદિર, બાબુલનાથ મંદિર, મુંબાદેવી મંદિર, હાજિયાલી દરગાહ, મુંબઈ સ્ટોક એક્સચેન્જ, મંત્રાલય, બોમ્બે હાઈકોર્ટ અને અન્ય મહત્ત્વની સંસ્થાઓ પાસે સુરક્ષા વધારી દેવામાં આવી છે.