23 March, 2024 03:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
એવિએશન ક્ષેત્રે કામગીરી પર દેખરેખ રાખતી ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા ફ્લાઇટ-ડ્યુટીના સમયની મર્યાદા અને ફ્લાઇટ-ક્રૂ માટે ફટીગ-મૅનેજમેન્ટ સિસ્ટમ સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ઍર ઇન્ડિયાને ૮૦ લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. DGCA દ્વારા જાન્યુઆરીમાં ઍર ઇન્ડિયાનું સ્પૉટ ઑડિટ કરવામાં આવ્યું ત્યાર બાદ આ નિર્ણય લેવાયો હતો. સ્પૉટ ઑડિટમાં પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હતા.
સિનિયર ઇન્ડિયન ઍડ્મિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS) ઑફિસર ઇકબાલ સિંહ ચહલને શુક્રવારે ચીફ મિનિસ્ટર્સ ઑફિસ (CMO) ઍડિશનલ ચીફ સેક્રેટરી (ACS) તરીકે અપૉઇન્ટ કરવામાં આવ્યા હતા. તેમને રાજ્ય સરકાર દ્વારા ચૂંટણી પંચના નિર્દેશ પર બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના કમિશનરના પદેથી હટાવવામાં આવ્યા હતા. ચૂંટણીપંચે લોકસભાની ચૂંટણીની જાહેરાત કર્યા બાદ રાજ્ય સરકારને ઇકબાલ સિંહ ચહલની ટ્રાન્સફર કરવા કહ્યું હતું, કારણ કે તેઓ ત્રણ વર્ષથી કાર્યભાર સંભાળી રહ્યા હતા. BMCના નવા કમિશનર તરીકે CMOમાં તત્કાલીન ACS ભૂષણ ગગરાણીને નિયુક્ત કરવામાં આવ્યા હતા. ઇકબાલ સિંહ ચહલ ૧૯૮૯ બૅચના IAS ઑફિસર છે જેઓ કોવિડ દરમ્યાન BMCના કમિશનર બન્યા હતા.
ભોપાલનાં BJPનાં સંસદસભ્ય પ્રજ્ઞા સિંહ ઠાકુર શુક્રવારે મુંબઈની સ્પેશ્યલ કોર્ટમાં હાજર થયા બાદ તેમની સામે જાહેર કરાયેલું જામીનપાત્ર વૉરન્ટ રદ કરવામાં આવ્યું હતું. માલેગાંવ બ્લાસ્ટ-કેસનાં આરોપી પ્રજ્ઞા સિંહ ઠાકુર સામે કોર્ટે ૧૧ માર્ચે ૧૦,૦૦૦ રૂપિયાનું જામીનપાત્ર વૉરન્ટ જાહેર કર્યું હતું, કારણ કે તેઓ અનેક ચેતવણી બાદ પણ કોર્ટ સમક્ષ હાજર થયાં નહોતાં. કોર્ટે પ્રજ્ઞા સિંહ ઠાકુરને ૨૦ માર્ચે હાજર રહેવા કહ્યું હતું, પણ તેમણે ખાનગી હૉસ્પિટલમાં દાખલ હોવાનું કારણ આપ્યું હતું. ત્યાર બાદ કોર્ટે તેમને હૉસ્પિટલમાંથી રજા ન મળે ત્યાં સુધી વૉરન્ટના અમલ પર રોક લગાવી હતી.
વસઈમાં ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)એ એક પેઢી પર દરોડા પાડ્યા હતા અને લાઇસન્સ વગર બનાવવામાં આવેલી આયુર્વેદિક દવાઓ અને અન્ય વસ્તુઓ જપ્ત કરી હતી. મુંબઈની ઇન્ટેલિજન્સ બ્રાન્ચ દ્વારા મળેલી માહિતીના આધારે ગુરુવારે FDAએ રેઇડ પાડીને કુલ એક કરોડ રૂપિયાનો સામાન જપ્ત કર્યો હતો. કંપની પાસે હરિયાણાના પંચકુલા માટે મૅન્યુફૅક્ચરિંગ લાઇસન્સ હતું, પણ એ વસઈના નવઘરમાં દવાઓ બનાવી રહી હતી. તપાસ પૂરી થયા બાદ યોગ્ય કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
તસવીર : સતેજ શિંદે
ગુરુવારે રાતે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડ થયા બાદ મુંબઈમાં આમ આદમી પાર્ટીના નેતાઓ એનો વિરોધ કરવા બૅલાર્ડ એસ્ટેટમાં આવેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટની ઑફિસમાં ભેગા થયા હતા ત્યારે પોલીસે તેમને રીતસર ઉપાડીને ગાડીમાં બેસાડ્યા હતા.
થાણેના શિવાજીનગર વિસ્તારમાં આવેલા અમન હાઇટ્સ નામના બિલ્ડિંગમાં ગુરુવારે મોડી રાત્રે ૧.૩૦ વાગ્યે ઇલેક્ટ્રિક મીટરની કૅબિનમાં આગ લાગી હતી. બધા સૂતા હતા ત્યારે આગ લાગ્યા બાદ ચારે બાજુ ધુમાડો ફેલાઈ જતાં અહીંના રહેવાસીઓ જાગી ગયા હતા. આગથી બચવા તેઓ ઘરોની બહાર નીકળી ગયા હતા, પરંતુ કૅબિનમાં જ આગ લાગી હતી એટલે બહાર નીકળી નહોતા શક્યા. થાણે ડિઝૅસ્ટર મૅનેજમેન્ટની ટીમને આગની જાણ કરવામાં આવ્યા બાદ તેમણે આવીને ફાયરબ્રિગેડના જવાનોની મદદથી ૩૫૦ રહેવાસીઓને બિલ્ડિંગની બહાર કાઢ્યા હતા. ડિઝૅસ્ટર મૅનેજમેન્ટના ચીફ યાસિન તડવીએ કહ્યું હતું કે ‘આગની આ ઘટનામાં સદ્ભાગ્યે કોઈને ઈજા નથી થઈ, પણ બિલ્ડિંગનાં ૧૦૯ ઇલેક્ટ્રિક મીટર નષ્ટ થઈ ગયાં હતાં. આગને ૨.૩૦ વાગ્યે કાબૂમાં લેવામાં આવી હતી. આગ વધુ ન ફેલાય એ માટે બિલ્ડિંગની ઇલેક્ટ્રિસિટી બંધ કરી દેવામાં આવી હતી, જે દિવસ ઊગ્યાના થોડા સમય બાદ ફરી શરૂ કરી દેવાઈ હતી. આગ લાગવાનું કારણ જોકે જાણી નહોતું શકાયું.