23 December, 2024 07:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મકાનની દુર્ઘટના, પ્રવાસીઓની સેફ્ટી, મહાકુંભ, ક્રિસમસ, સન્ડે ઑન સાઇકલ
૧૫ જણનાં મોત બાદ પ્રવાસીઓની સેફ્ટી માટે સફાળા જાગ્યા
ગેટવે ઑફ ઇન્ડિયા પાસે બોટ-દુર્ઘટનામાં ૧૫ જણનાં મોત થયા બાદ સફાળા જાગેલા પ્રશાસને લાઇફ-જૅકેટ ફરજિયાત કર્યા પછી ગઈ કાલે મોટી સંખ્યામાં પહોંચેલા સહેલાણીઓને ફેરીના પ્રવાસ દરમ્યાન લાઇફ-જૅકેટ આપવામાં આવ્યાં હતાં. એક પણ પ્રવાસીને લાઇફ-જૅકેટ વગર પ્રવાસ કરવા દેવામાં નહોતો આવતો. બુધવારે નીલકમલ નામની બોટ સાથે નેવીની સ્પીડબોટ ટકરાઈ હતી ત્યારે એમાં રહેલા પ્રવાસીઓએ લાઇફ-જૅકેટ નહોતાં પહેર્યાં અને બોટમાં પૂરતાં જૅકેટ પણ નહોતાં. (તસવીર: અતુલ કાંબળે)
હો... હો... હો... મેરી ક્રિસમસ
બુધવારે ક્રિસમસ છે એ પહેલાં ગઈ કાલે ગેટવે ઑફ ઇન્ડિયા પાસે ગુરુચરણ સિંહ નામની વ્યક્તિ સૅન્ટા ક્લૉઝ બની બાળકોને ચૉકલેટ આપીને હો... હો... હો... મેરી ક્રિસમસ કહેતી જોવા મળી હતી. (તસવીર: શાદાબ ખાન)
મહાકુંભ પહેલાં અખાડાનગરમાં સ્થાપિત થઈ ધરમ ધજા
આવતા મહિનાની ૧૩ તારીખથી પ્રયાગરાજમાં શરૂ થઈ રહેલા મહાકુંભ પહેલાં બધા ૧૩ અખાડાઓ ત્રિવેણી માર્ગ પર બનાવવામાં આવેલા અખાડાનગરમાં પોતપોતાની ધજા સ્થાપિત કરી રહ્યા છે ત્યારે ગઈ કાલે શ્રી પંચાયતી અખાડા મહાનિર્વાણીની ધરમ ધજા વૈદિક મંત્રોચ્ચાર, વિધિવિધાન અને પૂજા-અર્ચના કર્યા બાદ સ્થાપિત કરવામાં આવી હતી. શ્રી પંચાયતી અખાડા મહાનિર્વાણીના સચિવ મહંત યમુના પુરીએ કહ્યું હતું કે આ ધરમ ધજા મહાકુંભ દરમ્યાન આ જ રીતે શાનથી લહેરાતી રહેશે.
ફિટ ઇન્ડિયા સન્ડે ઑન સાઇકલ
કેન્દ્રના યુથ અફેર્સ ઍન્ડ સ્પોર્ટ્સ મિનિસ્ટર મનસુખ માંડવિયાએ ગઈ કાલે ઇન્ડિયા ગેટ પર ‘ફિટ ઇન્ડિયા સન્ડે ઑન સાઇકલ’ ઇવેન્ટમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ અને ઇન્ડો-તિબેટિયન બૉર્ડર પોલીસના જવાનો સાથે ભાગ લઈને સાઇકલ ચલાવી હતી.
મોહાલીમાં પત્તાંના મહેલની જેમ તૂટીને પડી ગયેલા મકાનની દુર્ઘટનામાં બે જણનાં મૃત્યુ
પંજાબના મોહાલીમાં શનિવારે પત્તાંના મહેલની જેમ તૂટી પડેલા ત્રણ માળના મકાનની દુર્ઘટનામાં બે જણનાં મૃત્યુ થયાં છે અને હજી અમુક લોકો બિલ્ડિંગના કાટમાળ નીચે દબાયેલા હોવાથી આર્મીના જવાનોની સાથે સ્ટેટ અને નૅશનલ ડિઝૅસ્ટરની ટીમ બચાવકાર્ય કરી રહી છે. જે બે જણ મૃત્યુ પામ્યા છે એમાં હિમાચલ પ્રદેશની એક મહિલા છે અને બીજી વ્યક્તિ અંબાલાની છે. બિલ્ડિંગની બાજુમાં ચાલી રહેલા ગેરકાયદે ખોદકામને લીધે મકાન પડ્યું હોવાનું પોલીસને પ્રાથમિક તપાસ પરથી લાગી રહ્યું છે.