07 December, 2025 07:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અકસ્માત
ગઈ કાલે વહેલી સવારે લોનાવલા હિલ સ્ટેશન પર ગોવાના બે ટ્રાવેલર્સની કારનો એક મિની ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બન્ને પ્રવાસીઓનાં મોત થયાં હતાં. ગોવાથી ૧૪ લોકોનું ગ્રુપ લોનાવલા પિકનિક માટે આવ્યું હતું. અકસ્માતમાં જીવ ગુમાવનાર બન્ને પણ એ ગ્રુપનો ભાગ હતા. હિલ સ્ટેશનના લાયન્સ પૉઇન્ટ નજીક આ અકસ્માત સર્જાયો હતો. જીવ ગુમાવનારાની ઓળખ યોગેશ સુતાર (૨૧) અને મયૂર વેંગુર્લેકર (૨૪) તરીકે થઈ હતી. આ અકસ્માતમાં ટ્રકના ડ્રાઇવરને પણ ઈજા થઈ હતી. તેની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
હાઉસિંગ સોસાયટીમાં કમિટીના ચૂંટાયેલા સભ્યોની સંખ્યા બે-તૃતીયાંશથી ઓછી થઈ જાય તો કમિટી અમાન્ય : હાઈ કોર્ટ
બૉમ્બે હાઈ કોર્ટે મહત્ત્વનો ઑર્ડર આપતાં કહ્યું હતું કે જો કોઈ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં ચાલુ કાર્યકાળ દરમ્યાન ગમે એ સમયે ચૂંટાયેલા મેમ્બર્સની સંખ્યા માન્ય સંખ્યાના બે-તૃતીયાંશથી પણ ઓછી થઈ જાય તો સોસાયટીની મેનેજિંગ કમિટી અમાન્ય થઈ ગયેલી ગણાય. હાઈ કોર્ટના જજે શુક્રવારે જોગેશ્વરી-ઈસ્ટની એક કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીને લગતા કેસમાં કો-ઑપરેટિવ અપીલ કોર્ટના ઑર્ડરને સમર્થન આપતાં આ વાત કહી હતી.
આઠથી ૧૦ ડિસેમ્બરે ગેટવે ઑફ ઇન્ડિયા શૌર્યના રંગે રંગાશે
આઠથી ૧૦ ડિસેમ્બર દરમ્યાન ઇન્ડિયન નેવી-શો યોજાશે. આ શોની તડામાર તૈયારીઓ ગેટવે ઑફ ઇન્ડિયા પર ચાલી રહી છે. ગઈ કાલે અહીં ભારતીય નૌસેનાના જવાનો દ્વારા બીટિંગ રિટ્રીટ માટેનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. ૩ દિવસનો આ નેવી-શો ગેટવે ઑફ ઇન્ડિયાના પરિસરમાં આયોજિત થવાનો છે; જેમાં નેવલ હેલિકૉપ્ટર ઑપરેશન્સના ડેમો, ડ્રિલ, બીટિંગ રિટ્રીટ ઉપરાંત ટૅટૂ સેરેમની પણ યોજાશે. આ આયોજન ચાર ડિસેમ્બરના નેવી ડે નિમિત્તે થવાનું છે. તસવીરો : અતુલ કાંબળે
લકડાવાલા બઝારના ગોડાઉનમાં લાગી આગ, જાનહાનિ ટળી
ગોડાઉનમાં લાગેલી આગની જ્વાળાઓ ઊંચે સુધી ગઈ હતી.
નાગપાડામાં આવેલા લકડાવાલા બઝારમાં શનિવારે સાંજે એક ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. રાજ ઑઇલ મિલ પાછળ આવેલા બે માળના ગોડાઉનમાં સાંજે ૭.૫૬ વાગ્યે આગ લાગતાં ૮ ફાયર-એન્જિન બચાવકાર્યમાં લાગ્યાં હતાં. જ્વલનશીલ પદાર્થને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી અને આગની જ્વાળાઓ દૂરથી દેખાતી હતી. જોકે બનાવમાં કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી.
કલ્યાણમાં ગેરકાયદે પે ઍન્ડ પાર્ક રૅકેટનો થયો પર્દાફાશ
સેન્ટ્રલ રેલવેના વિજિલન્સ ડિપાર્ટમેન્ટે ગુરુવારે કલ્યાણ-ઈસ્ટમાં પે ઍન્ડ પાર્ક ફૅસિલિટી દ્વારા થઈ રહેલી છેતરપિંડીનો પર્દાફાશ કર્યો હતો. આ ફૅસિલિટીમાં ઑપરેટર બનાવટી રિસીટ-બુક અને બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને ગેરકાયદે પાર્કિંગ-સ્ટૅન્ડ ચલાવી રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું. વિજિલન્સ ટીમને કોલશેવાડી પે ઍન્ડ પાર્કમાં વધુ ચાર્જ લેવાતો હોવાની અનેક ફરિયાદો મળી હતી. એના આધારે વિજિલન્સ ટીમે ત્યાં પહોંચીને એક વ્હીકલ પાર્ક કર્યું હતું અને રિસીટ લીધી હતી. રિસીટ પરના લખાણને કારણે ટીમને શંકા ગઈ હતી. તપાસમાં આ રિસીટ-બુક નકલી હોવાનું અને ઑપરેટરે જાતે જ છાપી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. વિજિલન્સના અધિકારીઓએ આ કેસમાં પાર્કિંગ કૉન્ટ્રૅક્ટરની અટકાયત કરી હતી.
વસઈ સ્કૂલ ટ્રૅજેડી : ૨૦ દિવસ પછી ત્રણ અધિકારીઓ સસ્પેન્ડ
૧૫ નવેમ્બરે વસઈની સ્કૂલમાં ૧૦૦ ઊઠકબેઠકની સજા પછી ૧૩ વર્ષની વિદ્યાર્થિનીના મૃત્યુને લીધે ચોમેર આક્રોશ ફેલાયો હતો. આ ઘટનાના સંદર્ભમાં પાલઘર જિલ્લા પરિષદે વસઈના ૩ સિનિયર એજ્યુકેશન ઑફિસરને સસ્પેન્ડ કર્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ અધિકારીઓ સામે ડ્યુટીમાં બેદરકારી, વિદ્યાર્થીઓની સેફ્ટી માટેનાં પગલાં લેવામાં નિષ્ફળતા અને હાયર ઑફિસરને ઘટનાની તાત્કાલિક જાણ ન કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી હતી. વિદ્યાર્થિનીના મૃત્યુ પછી વસઈની સ્કૂલની સઘન તપાસ કરવામાં આવી હતી, જેમાં અનેક ગેરરીતિઓ પ્રકાશમાં આવી હતી. એને ધ્યાનમાં રાખીને ઇન્ચાર્જ બ્લૉક એજ્યુકેશન ઑફિસર, સેન્ટર હેડ અને વસઈ પંચાયત સમિતિના એજ્યુકેશન માટેના એક્સ્ટેન્શન ઑફિસરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
યે ચલી લોકશાહી કી સવારી : મહારાષ્ટ્રભરમાં આ ડિજિટલ સંવિધાન રથ ફરશે
મહારાષ્ટ્ર સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા સંવિધાન અમૃત મહોત્સવ વર્ષ નિમિત્તે ડિજિટલ સંવિધાન રથ તૈયાર કરવામાં આવ્યો છે. આ રથનું ગઈ કાલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે મિનિસ્ટર આશિષ શેલાર અને મંગલ પ્રભાત લોઢા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સામાન્ય લોકોને સંવિધાન વિશે માહિતી મળે એ માટે આ ડિજિટલ સંવિધાન રથ રાજ્યભરમાં વિવિધ સ્થળોએ ફરશે. આ રથમાં લોકશાહીનાં મૂલ્યો વિશે કલાત્મક પ્રસ્તુતિઓ અને પ્રદર્શનો પણ જોવા મળશે.
બોરીવલી RTOનું સરનામું બદલાશે
બોરીવલીની રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO)ની જગ્યા બદલવાનો માર્ગ આખરે મોકળો થઈ ગયો છે. કાંદરપાડામાં આવેલી જૂની RTO ઑફિસનો કરાર ૩૧ મેએ જ પૂરો થઈ ગયો હતો, પરંતુ નવી જગ્યા ઉપલબ્ધ ન હોવાને લીધે હજી સુધી ઑફિસ ખસેડાઈ નહોતી. દહિસર ચેકનાકા નજીક MTNL ઑફિસના બિલ્ડિંગમાં હવે બોરીવલી RTO ઑફિસ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે.