11 August, 2024 11:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જોઈને ગર્વ થાય તેવી તસવીર
સ્વતંત્રતા દિન નજીક આવી રહ્યો છે ત્યારે ગુજરાતમાં હર ઘર તિરંગા અભિયાનની સાથે-સાથે ગઈ કાલથી તિરંગા યાત્રા શરૂ થઈ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અજાદ ટાપુ પર અરબી સમુદ્રના કાંઠે યોજાયેલા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દ્વારકા પોલીસના સહયોગથી શાળાના વિદ્યાર્થીઓએ તિરંગા યાત્રા યોજી તિરંગો લહેરાવ્યો હતો. દરિયાકિનારે તિરંગો લહેરાતાં અદ્ભુત નઝારો સર્જાયો હતો.
કૉલેજિયનોએ જગાવી દેશદાઝ
એચ. આર. કૉલેજની રોટરૅક્ટ ક્લબના વિદ્યાર્થીઓએ આવી રહેલા સ્વતંત્રતા-દિવસના ઉપલક્ષ્યમાં ગઈ કાલે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પર ફ્લૅશ મૉબનું આયોજન કર્યું હતું. ૧૯૪૭ની ૧૫ ઑગસ્ટે પંડિત જવાહરલાલ નેહરુએ આપેલી સ્પીચ ‘ટ્રિસ્ટ વિથ ડેસ્ટિની’ને યાદ કરીને ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓએ દેશભિક્તનાં ગીતો પર ડાન્સ કર્યો હતો. તેમની જોશભરી અને દેશદાઝભરી રજૂઆતને જોવા અનેક પ્રવાસીઓ ઊભા રહી ગયા હતા. તસવીર (તસવીર - સૈયદ સમીર અબેદી)
ગાઝામાં ઇઝરાયલે સ્કૂલ પર કર્યો હુમલો : ૧૦૦નાં મોત
ગાઝામાં એક સ્કૂલ પર ઇઝરાયલે શનિવારે કરેલા હુમલામાં ૧૦૦થી વધુ પૅલેસ્ટીનોનાં મૃત્યુ થયાં હતાં. ઇઝરાયલ આર્મીએ કહ્યું હતું કે તેણે હમાસના કમાન્ડ-સેન્ટર પર હુમલો કર્યો હતો. આ સ્થળે હમાસના આતંકવાદીઓ અને કમાન્ડરો રહેતા હતા અને એને લક્ષ્ય બનાવવામાં આવ્યું છે. તેઓ એક સ્કૂલમાં રહેતા હતા અને તેમને ઉડાવી દેવામાં આવ્યા છે.