ન્યૂઝ શોર્ટમાં : મેટ્રો ૩ની સાઇટ પર પાઇલિંગ રિગ મશીન તૂટી પડ્યું

01 September, 2024 08:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ઘટના G3 પ્લૉટમાં બની હતી. સદ્નસીબે કોઈને ઈજા નહોતી થઈ

તસવીર- શાદાબ ખાન

મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશન લિમિટેડ (MMRCL) દ્વારા મુંબઈ મેટ્રો ૩નું કામ ગિરગામમાં ચાલી રહ્યું છે ત્યારે ગઈ કાલે બપોરે એક પાઇલિંગ રિગ મશીન તૂટી પડ્યું હતું. આ ઘટના G3 પ્લૉટમાં બની હતી. સદ્નસીબે કોઈને ઈજા નહોતી થઈ. તૂટી પડેલી રિગને બાદમાં ક્રેનની મદદથી ઊંચકીને રિગ મશીનને રીસ્ટોર કરવામાં આવ્યું હતું. 

સેન્ટ્રલ રેલવેમાં આજે મેગા બ્લૉક

સેન્ટ્રલ રેલવેમાં રેગ્યુલર મેઇન્ટેનન્સ વર્ક માટે આજે મેગા બ્લૉક લેવામાં આવ્યો છે. માટુંગાથી  મુલુંડ દરમ્યાન સ્લો ટ્રૅક પર સવારે ૧૧.૦૫થી બપોરે ૩.૫૫ વાગ્યા સુધી બ્લૉક રહેશે એથી એ સમય દરમ્યાન સ્લો ટ્રેનો ફાસ્ટ ટ્રૅક પર દોડાવવામાં આવશે.  હાર્બર લાઇનમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)થી પનવેલ દરમ્યાન સવારે ૧૦.૩૪થી બપોરે ૩.૩૬ વાગ્યા સુધી બ્લૉક લેવામાં આવ્યો છે. એ સમયગાળા દરમ્યાન વાશી, બેલાપુર અને પનવેલની ટ્રેનો નહીં દોડે. CSMTથી કુર્લા અને પનવેલથી વાશી વચ્ચે કેટલીક સ્પેશ્યલ ટ્રેન દોડાવવામાં આવશે. 

૭ સપ્ટેમ્બરે પણ દેવનાર કતલખાનું બંધ

જૈન ધર્મના પવિત્ર પર્યુષણ પર્વમાં પશુઓના વધ અને માંસના વેચાણને બંધ રાખવા બાબતે બૉમ્બે હાઈ કોર્ટે મ્યુનિસિપલ કૉર્પોરેશનોને નિર્ણય લેવાનું કહ્યું હતું. આથી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ ચોથી સપ્ટેમ્બરે દેવનાર કતલખાનાની સાથે મુંબઈમાં આવેલી મટન-ચિકનની તમામ દુકાનો બંધ રાખવાનો આદેશ શુક્રવારે જાહેર કર્યો હતો. જોકે ભાદરવા સુદ એકમે દર વર્ષે દેવનાર કતલખાનું બંધ રાખવામાં આવે છે. આ વર્ષે ભાદરવા સુદ એકમ ૭ સપ્ટેમ્બરે આવે છે, જે પર્યુષણનો આઠમો અને છેલ્લો દિવસ છે. આથી મુંબઈમાં આ વર્ષે પર્યુષણમાં ચોથી અને સાતમી સપ્ટેમ્બરે બે દિવસ દેવનાર કતલખાનું બંધ રહેશે. જોકે સાતમી સપ્ટેમ્બરે મુંબઈની મટન-ચિકનની દુકાનો બાબતે કોઈ આદેશ આપવામાં નથી આવ્યો એટલે એ ચાલુ રહેશે.

mumbai news mumbai mumbai metro brihanmumbai municipal corporation mumbai local train mega block