ન્યૂઝ શૉર્ટમાં: ભાઈંદરમાં વૃદ્ધા ક્રેન નીચે કચડાઈ

28 November, 2024 01:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નવઘર પોલીસે વૃદ્ધાના મૃતદેહનો તાબો લઈને પોસ્ટમૉર્ટમ કરવા માટે હૉસ્પિટલમાં મોકલી આપ્યો હતો

અકસ્માતની તસવીર

ભાઈંદર-ઈસ્ટમાં સેવન સ્ક્વેર સ્કૂલ પાસે ગઈ કાલે સાંજે ૫.૩૦ વાગ્યે ૬૫ વર્ષનાં એક વૃદ્ધા રસ્તો ક્રૉસ કરી રહ્યાં હતાં ત્યારે ક્રેન નીચે આવી ગયાં હતાં. ઘટનાસ્થળે હાજર લોકોએ પોલીસને કહ્યું હતું કે ક્રેન નીચે કચડાઈને મૃત્યુ પામનારાં વૃદ્ધાએ ડ્રાઇવરને હાથ દેખાડીને ક્રેન ઊભી રાખવાનો ઇશારો કર્યો હતો, પણ ક્રેન ઊભી ન રહેતાં આ અકસ્માત થયો હતો. નવઘર પોલીસે વૃદ્ધાના મૃતદેહનો તાબો લઈને પોસ્ટમૉર્ટમ કરવા માટે હૉસ્પિટલમાં મોકલી આપ્યો હતો અને ક્રેનના ડ્રાઇવરની ધરપકડ કરી હતી. 

ડિલાઇલ રોડ બ્રિજ પર ફુટપાથ બનાવવાની વર્ષ જૂની ડિમાન્ડ થઈ પૂરી 

ગયા વર્ષના નવેમ્બર મહિનામાં શરૂ થયેલા ડિલાઇલ રોડ બ્રિજ પર લોકોને ચાલવા માટે ફુટપાથ બનાવવાની રહેવાસીઓની એક વર્ષ જૂની માગ આખરે પૂરી થઈ રહી છે. શહેરના ભૂતપૂર્વ પાલકપ્રધાન દીપક કેસરકરે સુધરાઈને આપેલા આદેશને કારણે અત્યારે આ કામ થઈ રહ્યું છે. જોકે અહીંના સ્થાનિક વિધાનસભ્ય આદિત્ય ઠાકરેએ પણ અહીં ફુટપાથ બનાવવાની અનેક વખત ડિમાન્ડ કરી છે. તસવીર-  આશિષ રાજે

હેલ્મેટ વગર ટૂ-વ્હીલર ચલાવનારા અને પાછળ બેસનારા સામે સખત કાર્યવાહી કરવાનો પોલીસને નિર્દેશ
મહારાષ્ટ્ર પોલીસે એના સ્ટાફને ટૂ-વ્હીલર ચલાવનારા અને તેની પાછળ બેસનારા પિલ્યન રાઇડરે હેલ્મેટ ન પહેરી હોય તો કાયદા મુજબ તેમની સામે કાર્યવાહી શરૂ કરવાનો ગઈ કાલે નિર્દેશ આપ્યો હતો. રાજ્યમાં રોડ-ઍક્સિડન્ટના વધી રહેલા બનાવોને ધ્યાનમાં રાખીને આ નિર્દેશ બહાર પાડવામાં આવ્યો છે. મુંબઈ સહિત રાજ્યના તમામ સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસને મોટર વેહિકલ ઍક્ટ મુજબ નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે સખત કાર્યવાહી કરવાનું કહેવામાં આવ્યું છે. 

નૅશનલ પાર્ક બે વાઘ આપીને ગુજરાત પાસેથી બે સિંહ લેશે
નૅશનલ પાર્કમાં ગુજરાતના જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી બે સિંહનું આગમન થશે. જોકે એની સામે આપણે તેમને બે વાઘની જોડી આપવાના હોવાનું એક અધિકારીએ કહ્યું હતું. બે વર્ષ પહેલાં પણ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયથી બે સિંહ નૅશનલ પાર્કમાં આવ્યા હતા. સિંહની સફારીનું નૅશનલ પાર્કમાં ટૂરિસ્ટોને સારુંએવું આકર્ષણ છે. 

કોસ્ટલ રોડમાં બીજા સ્પૅનને ઇન્સ્ટૉલ કરવામાં આવ્યો

મુંબઈના કોસ્ટલ રોડને બાંદરા-વરલી સી-લિન્ક સાથે જોડવા માટે ગઈ કાલે સવારના ૮.૧૫ વાગ્યાથી ૧૦.૩૪ વાગ્યા દરમ્યાન બીજા ૬૦ મીટર લાંબા સ્પૅનને ઇન્સ્ટૉલ કરવામાં આવ્યો હતો. આથી ટૂંક સમયમાં મરીન ડ્રાઇવથી બાંદરા-વરલી સી-લિન્કની જેમ બાંદરા-વરલી સી-લિન્કથી કોસ્ટલ રોડ તરફ જવાનો માર્ગ પણ શરૂ થઈ શકશે. 

દિલ્હીની ઝેરી હવાનો સંસદભવન પાસે વિરોધ

ગઈ કાલે દિલ્હીમાં સંસદભવન નજીક પાટનગરના વાયુપ્રદૂષણનો વિરોધ કરવા લોકો એકઠા થયા હતા. એક જણ આ વિરોધ-પ્રદર્શનમાં ઑક્સિજનના સિલિન્ડર અને માસ્ક સાથે જોવા મળ્યો હતો, જ્યારે એક મહિલા અને એક બાળકી માસ્ક પહેરીને ‘સાંસ નહીં તો વોટ નહીં’ તથા ‘મને ડર્યા વગર શ્વાસ લેવા દો’ એવું લખેલાં પ્લૅકાર્ડ સાથે જોવા મળ્યાં હતાં. અત્યારે સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એટલે જનપ્રતિનિધિઓનું ધ્યાન ખેંચવા આ આયોજન કરવામાં આવ્યું હતું.

નૅશનલ પાર્ક બે વાઘ આપીને ગુજરાત પાસેથી બે સિંહ લેશે

નૅશનલ પાર્કમાં ગુજરાતના જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી બે સિંહનું આગમન થશે. જોકે એની સામે આપણે તેમને બે વાઘની જોડી આપવાના હોવાનું એક અધિકારીએ કહ્યું હતું. બે વર્ષ પહેલાં પણ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયથી બે સિંહ નૅશનલ પાર્કમાં આવ્યા હતા. સિંહની સફારીનું નૅશનલ પાર્કમાં ટૂરિસ્ટોને સારુંએવું આકર્ષણ છે.

mumbai news mumbai Mumbai Coastal Road bhayander mira bhayandar municipal corporation