નવા વર્ષનું સ્વાગત દારૂ નહીં, મસાલા દૂધ પીને કરવું જોઈએ

01 January, 2023 08:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહારાષ્ટ્રના બીડમાં ઘણા સમયથી યુવાનોને વ્યસનમુક્ત કરવા માટેના પ્રયાસ કરાઈ રહ્યા છે

વેલકમ ૨૦૨૩ નવા વર્ષની ઊજવણી માટે ગઈકાલે રાત્રે જુહુ બીચ પર મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. તસવીર સૌજન્ય: શાદાબ ખાન

મુંબઈ : અંગ્રેજી નવા વર્ષનું સ્વાગત કરવા માટે દેશ-દુનિયામાં મોટા પ્રમાણમાં પાર્ટીઓનાં આયોજનોમાં દારૂની રેલમછેલ થાય છે. કેટલીક સાત્ત્વિક પાટીઓનું પણ આયોજન થાય છે. જોકે મોટા ભાગે ડ્રિન્ક્સ ઍન્ડ ડિનરની પાર્ટીઓમાં ખાસ કરીને યુવાનો દારૂ પીતા હોય છે. મહારાષ્ટ્રના બીડમાં ઘણા સમયથી યુવાનોને વ્યસનમુક્ત કરવા માટેના પ્રયાસ કરાઈ રહ્યા છે. આથી ગઈ કાલે વર્ષના અંતિમ દિવસે અહીં એક વિશાળ રૅલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નવા વર્ષનું સ્વાગત દારૂ નહીં પણ મસાલા દૂધ પીને કરવાના પ્રયાસને બીરદાવ્યો હતો.

કોરોના મહામારીને લીધે બે વર્ષ થર્ટીફર્સ્ટ અને નવા વર્ષને આવકારવા માટેના કાર્યક્રમો નહોતા થઈ શક્યા એટલે આ વર્ષે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં હજારોની સંખ્યામાં પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જોકે બીડમાં આ વર્ષે ઍક્સિડન્ટમાં મૃત્યુ પામેલા વિનાયક મેટેના પક્ષ શિવસંગ્રામ દ્વારા યુવાનોને વ્યસનમુક્ત કરવા માટેની ઝુંબેશ છેલ્લાં કેટલાંક વર્ષોથી ચાલી રહી છે. ગઈ કાલે અહીં એક વિશાળ રૅલીનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં મોટી સંખ્યામાં સ્કૂલના સ્ટુડન્ટ્સ અને યુવાનો જોડાયા હતા.

વ્યસનમુક્તિ માટેની ઝુંબેશ નિમિત્તે રૅલીમાં સામેલ થયેલા નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘વ્યસનમુક્તિનું અહીં ખૂબ સારું કામ થઈ રહ્યું છે. ૨૦૧૫માં હું મુખ્ય પ્રધાન હતો ત્યારે વિનાયક મેટેએ મને વ્યસનમુક્તિ માટેની આ ઝુંબેશમાં સામેલ થવા માટે આમંત્રણ આપ્યું હતું. એ સમયે એ શક્ય નહોતું બન્યું, પણ આ વખતે અહીં આવવાનો આનંદ છે. દર વર્ષે થર્ટીફર્સ્ટે નવા વર્ષનું સ્વાગત કરવા માટે દારૂ અને અન્ય નશીલા પદાર્થોની પાર્ટીનું આયોજન થાય છે. યુવાનોએ થર્ટીફર્સ્ટ કે નવા વર્ષનું સ્વાગત દારૂ કે ચરસ-ગાંજાનું સેવન કરવાને બદલે મસાલા દૂધ પીને કરવું જોઈએ. યુવાનોને નશાના રવાડે ચડાવીને સીધી રીતે આપણી સાથે લડી ન શકતું પાકિસ્તાન આપણી સાથે પરોક્ષ રીતે યુદ્ધ કરી રહ્યું છે. કોઈ પણ વ્યસનથી યુવાનો બરબાદ થવાથી આખો સમાજ તૂટી પડે છે. આથી આપણા યુવાનો પાન, બીડી, દારૂ કે નશીલા પદાર્થોથી દૂર રહેશે તો પોતાની સાથે સમાજ અને દેશની સેવા કરી શકશે. મને કોઈ પણ પ્રકારનું વ્યસન નથી એટલે હું મુખ્ય પ્રધાન બની શક્યો એ આદર્શ યુવાનોએ નજરમાં રાખવો જોઈએ.’

દેવેન્દ્ર ફડણવીસ, બીજેપીના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળે અને વિનાયક મેટેનાં પત્ની જ્યોતિ મેટે સહિત શિવસંગ્રામના કાર્યકરો ઓએ  રૅલી અને સભામાં હાજર રહેલા સ્કૂલના વિદ્યાર્થીઓ અને યુવાનોને વ્યસન ન કરવાના શપથ લેવડાવ્યા હતા.

નવા વર્ષનાં સ્વાગત માટે ગૌમૂત્રના સેવનનું અનોખું આયોજન

મોટા ભાગના લોકો નવા વર્ષનું સ્વાગત વિવિધ પાર્ટીઓ કે દેવદર્શન કરીને કરતા હોય છે ત્યારે જળગાવમાં રતનલાલ બાફના ગોસેવા કેન્દ્રમાં ગૌમૂત્રનું સેવન કરીને નવા વર્ષને આવકારવાનું અનોખું આયોજન કરવામાં આવ્યું છે. આ કેન્દ્ર દ્વારા આમ તો દર વર્ષે આવું આયોજન થાય છે, પરંતુ આ વર્ષે ખૂબ મોટા પ્રમાણમાં ગૌમૂત્ર સેવનનું આયોજન કરવામાં આવ્યું છે, જેની શરૂઆત ગઈ કાલે મધરાતથી કરવામાં આવી હતી અને આજે આખો દિવસ લોકોને ગૌમૂત્રનું વિતરણ કરવામાં આવશે.

mumbai mumbai news maharashtra