29 December, 2024 01:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઠેર-ઠેર નાકાબંધી
મુંબઈગરાઓ હાલ ફુલગુલાબી ઠંડીનો માહોલ એન્જૉય કરી રહ્યા છે એમાં હવે ૨૦૨૪ને વિદાય અપવા અને ૨૦૨૫ને વધાવવાનો ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે. જલસા પાર્ટીઓ અને અનેક નાના-મોટા એન્ટરટેઇનમેન્ટ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઊતરતા હોય છે. પારિવારિક મિત્રો સાથે મોજમસ્તીનો માહોલ હોય છે એથી આ ઉજવણીના રંગમાં ભંગ ન પડે એ માટે મુંબઈ પોલીસ પણ સાબદી થઈ ગઈ છે. કોઈ અપ્રિય ઘટના ન બને એ માટે મુંબઈ પોલીસના ૧૪,૦૦૦ કર્મચારીઓ તહેનાત કરવામાં આવ્યા છે. પોલીસ-કર્મચારીઓ સિવિલ ડ્રેસમાં ભીડમાં ભળી જઈ કોઈ છેડતીની ઘટના ન બને એ માટે નજર રાખશે જેમાં મહિલા પોલીસ-કર્મચારીઓની ટીમ પણ હશે.
૩૧ ડિસેમ્બરની રાતે ગેટવે ઑફ ઇન્ડિયા, નરીમાન પૉઇન્ટ, ગિરગામ ચોપાટી, જુહુ ચોપાટી અને બાંદરા બૅન્ડ-સ્ટૅન્ડ પર હજારોની સંખ્યામાં મુંબઈગરાઓ ભેગા થઈ નવા વર્ષને વધાવતા હોય છે. એ સિવાય લોકો રેસ્ટોરાં અને હોટેલોમાં પણ પાર્ટી કરવા જતા હોય છે. એથી એ સૌની સુરક્ષા માટે ખાસ પગલાં લેવામાં આવ્યાં છે. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર ૧૨,૦૪૮ પોલીસ-કૉન્સ્ટેબલ, ૨૧૮૪ પોલીસ-ઑફિસર, ૫૩ અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ, ૨૯ ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ અને ૮ ઍડિશનલ કમિશનર ઑફ પોલીસની રૅન્કના અધિકારીઓ મુંબઈગરાની સુરક્ષાની જવાબદારી સંભાળશે.
એ ઉપરાંત સ્ટેટ રિઝર્વ પોલીસ ફૉર્સની ટુકડીઓ, ક્વિક રિસ્પૉન્સ ટીમ્સ, બૉમ્બ ડિટેક્શન ઍન્ડ ડિસ્પૉઝલ સ્ક્વૉડ, રાયટ કન્ટ્રોલ પોલીસ અને હોમગાર્ડના જવાનો પણ પોલીસની સાથે ખભેખભા મિલાવી મુંબઈગરાની સુરક્ષા સંભાળવાની જવાબદારી સંભાળશે.
ઠેર-ઠેર નાકાબંધી
દારૂ પીધા પછી છાકટા થઈ વાહનો ચલાવી પોતાનો અને અન્યોનો જીવ જોખમમાં મૂકતા વાહનચાલકોને અંકુશમાં રાખવા મુંબઈ પોલીસે ઠેર-ઠેર નાકાબંધી કરી છે. ડ્રન્કન ડ્રાઇવિંગના કિસ્સા ન બને એ માટે કાળજી લેવામાં આવી છે. એ સિવાય છેડતી, ગેરકાયદે દારૂ અને ડ્રગ્સ વેચવા અને રસ્તા પર મારામારી કરવી, ધમાલ કરવાના પ્રકાર ન બને એના પર ખાસ નજર રખાશે, એ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.