ભિવંડીના ગોડાઉનમાંથી નોકરોએ દારૂની ૪૯૩ બૉટલો તફડાવી લીધી

29 December, 2024 11:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

થર્ટીફર્સ્ટ ડિસેમ્બરની પાર્ટી માટે બૉટલ ચોરી હોવાની પોલીસને શંકા

પ્રતીકાત્મક તસવીર

ભિવંડીના સરવલી ગામમાં આવેલા રાધા વાઇન્સ નામના ગોડાઉનમાં કામ કરતા રોશન ભોઈર અને અભિષેક પ્રસાદે અન્ય નોકરો સાથે મળીને દારૂની ૪૯૩ બૉટલો ચોરી હોવાની ફરિયાદ કોનગાવ પોલીસ-સ્ટેશનમાં શુક્રવારે નોંધાઈ હતી. ગોડાઉનમાંથી અચાનક દારૂની બૉટલો ઓછી દેખાતાં માલિક મનીષ બજાજે ગોડાઉનમાં લાગેલા ક્લોઝ્‍ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તપાસ્યાં હતાં જેમાં રોશન અને અભિષેક બૉટલ ભરતા હોવાનું જોવા મળ્યું હતું. ત્યાર બાદ વિગતવાર તપાસ કરતાં આશરે પાંચ લાખ રૂપિયાની બૉટલો ચોરાઈ હોવાની માહિતી મળી હતી. પ્રાથમિક તપાસના આધારે પોલીસને શંકા છે કે નોકરોએ અમુક બૉટલો થર્ટીફર્સ્ટની પાર્ટી માટે ચોરી હશે.

દારૂની મોંઘી બૉટલો નોકરોએ આપસમાં સાઠગાંઠ કરીને ચોરી છે એટલે અમારો એવો પ્રાથમિક અંદાજ છે કે તેમણે થર્ટીફર્સ્ટની પાર્ટી માટે બૉટલો ચોરી હશે એમ જણાવતાં કોનગાવના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર નેતાજી મસ્કેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સરવલી વિસ્તારમાં રાધા વાઇન્સ નામે દારૂનું ગોડાઉન છે જેમાંથી થાણે, મુંબઈ, પાલઘર જેવા વિસ્તારોમાં દારૂની સપ્લાય કરવામાં આવે છે. રોશન અને અભિષેક ઑર્ડર પ્રમાણે માલ કાઢી ટેમ્પોમાં ભરીને દારૂની ડિલિવરી કરે છે. દારૂનો સ્ટૉક ઓછો દેખાતાં માલિક મનીષને શંકા ગઈ એટલે તેમણે ગોડાઉનમાં લાગેલા CCTVનાં ફુટેજ તપાસ્યાં હતાં જેમાં બન્ને નોકરો ઑર્ડર કરતાં વધારે માલ ટેમ્પોમાં ભરતા જોવા મળ્યા હતા. આ કામમાં સિક્યૉરિટી અને અન્ય સ્ટાફર પણ સામેલ હોવાનું જણાયું છે. અંતે ઘટનાની ફરિયાદ  નોંધાવવામાં આવી હતી. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને એ સાથે ચોરેલી દારૂની બૉટલો કોને વેચી અને વહેંચી એની તપાસ કરવામાં આવી રહી છે. એની સાથોસાથ કેટલા લોકો દારૂની ચોરીમાં ભળેલા છે એની માહિતી કઢાવવામાં આવી રહી છે.’

bhiwandi crime news mumbai crime news news mumbai mumbai police mumbai news