નવા વર્ષની ઉજવણી લોનાવલા, ખંડાલામાં કરવા માગો છો? તો ત્રણગણો ખર્ચો કરવા તૈયાર રહેજો

29 December, 2023 09:45 AM IST  |  Mumbai | Mehul Jethva

લોનાવલા, ખંડાલા, ઇગતપુરી જેવા વિસ્તારોમાં લક્ઝરી બંગલાની ડિમાન્ડ વધી: બંગલાઓનાં ભાડાંમાં ત્રણગણો વધારો થયો : ફૂડના એક્સ્ટ્રા પૈસા આપવાના : મોંમાગ્યું ભાડું આપવા છતાં બંગલા મળતા નથી

પ્રતીકાત્મક તસવીર

વર્ષના અંતની અને નવા વર્ષની ઉજવણી કરવા માટે જુવાનિયાઓ લોનાવાલા, ખંડાલા, ઇગતપુરી અને માથેરાન જેવાં નજીકનાં સ્થળોના લક્ઝરી બંગલાઓ ભાડે લેતા હોય છે. જોકે આ વર્ષે યર એન્ડની સાથે વીક-એન્ડિંગ પણ હોવાથી એટલે કે શનિવાર અને રવિવાર આવતા હોવાથી આવા લક્ઝરી બંગલાઓનું ભાડું આશરે ત્રણગણું વધ્યું છે. એની સાથે લોનાવલા અને ખંડાલા જેવા વિસ્તારોમાં તો ત્રણગણા ભાવ આપવા છતાં બંગલાઓ ન મળતાં હોવાનું સામે આવ્યું છે.

મુંબઈ, થાણે અને નવી મુંબઈથી આશરે ૧૦૦થી ૧૫૦ કિલોમીટરની અંદર લોનાવલા, અલીબાગ, ઇગતપુરી, ખંડાલા, દેવલાલી અને સિલ્વાસા જેવાં ફરવાલાયક સ્થળો આવેલાં છે. ત્યાં આવેલા લક્ઝરી બંગલાઓ લોકો પાર્ટી કરવા અને રહેવા માટે પસંદ કરતા હોય છે. જોકે યર એ​ન્ડિંગને કારણે અહીંનાં ભાડાંમાં ત્રણગણો વધારો થયો છે. લોનાવલા અને ખંડાલામાં તો વધુ પૈસા આપવા છતાં બંગલા મળી રહ્યા નથી.

લોનાવલામાં બંગલાઓનું બુ​કિંગ લેતા હિતેશ ભોજવાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જે બંગલાઓનું ભાડું વીક-એન્ડમાં ૭૦૦૦થી ૧૦,૦૦૦ રૂપિયા હોય છે એનું ૩૦ અને ૩૧ ડિસેમ્બર માટેનું ભાડું ૩૫,૦૦૦થી ૪૦,૦૦૦ રૂપિયા છે. એમાં ફૂડની સુવિધાના એક્સ્ટ્રા પૈસા આપવાના હોય છે. અહીં લક્ઝરી વિલાની વાત કરીએ તો હાલમાં ૩, ૪, ૫ બીએચકે જેવી વિલા બુક છે. જો કોઈ વ્ય​ક્તિનું બુ​કિંગ હવે આવે છે તો તેણે મેઇન સિટીથી આશરે ૧૦થી ૧૫ કિલોમીટર અંદરની બાજુએ આવેલા વિલામાં કૉમ્પ્રોમાઇઝ કરવું પડશે. એના પણ ભાવ તો ઉપર મુજબ જ રહેશે.

ઇગતપુરીમાં બંગલાઓનું બુ​કિંગ કરતા ચિરાગ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દર વર્ષની જેમ આ વખતે પણ યર એન્ડમાં બંગલાઓની વધુ ડિમાન્ડ છે. એની સાથે ભાડાંમાં પણ મોટો વધારો છે. યર એન્ડની સાથે વીક-એન્ડ હોવાથી મોટા ભાગના લોકો બંગલાઓમાં રહેવાનું અને પાર્ટી કરવાનું  પસંદ કરતા હોય છે એટલે ભાવમાં વધારો થયો છે.’

new year happy new year lonavala lonavla khandala igatpuri mumbai mumbai news mehul jethva