09 February, 2023 08:07 AM IST | Mumbai | Ranjeet Jadhav
આરે કૉલોનીના મુખ્ય રસ્તોના ખાડાઓનું ગઈ કાલે કૉન્ક્રીટીકરણ કરવામાં આવ્યું હતું. તસવીર: સમીર માર્કન્ડે
મુંબઈ : આરે કૉલોનીમાં હાલમાં જ સરખા કરાયેલા સ્મૂધ રસ્તાઓ વન્યજીવો માટે જોખમી પુરવાર થઈ શકે છે, કેમ કે સ્પીડબ્રેકરના અભાવે આ રસ્તાઓ પર મોટરચાલકો વેગથી વાહન ચલાવતા હોય છે.
બીએમસી આરે કૉલોનીના મુખ્ય રસ્તાનું ટુકડાઓમાં કૉન્ક્રીટીકરણ કરી રહી હોવાથી ટ્રાફિકને આ ઇકો-સેન્સિટિવ વિસ્તારમાં અંદરના રોડમાં વાળવામાં આવ્યો છે. અત્યંત ખરાબ સ્થિતિમાં રહેલા અંદરના રસ્તાને ટ્રાફિક જૅમથી બચાવવા સુધરાઈએ વાહનો સરળતાથી ચાલી શકે એ માટે એની સપાટીને સમથળ બનાવી છે. જોકે અનેક પટ્ટા પરથી દૂર કરાયેલાં સ્પીડબ્રેકર્સ પાછાં મૂકવામાં આવ્યાં નથી.
આ આંતરિક રસ્તાનો મોટો હિસ્સો જંગલમાંથી પસાર થાય અને અમુક ઠેકાણે રાતના સમયે દીપડો, વાઘ, નાના ભારતીય સિવેટ્સ અને સરીસૃપ રસ્તો ક્રૉસ કરતા હોય છે. વાઇલ્ડલાઇફ લવર્સનું માનવું છે કે બીએમસીએ આ સ્થળે સ્પીડબ્રેકર્સ મૂકવાં જોઈએ તેમ જ વાહનોની ગતિને મર્યાદિત કરવાની સૂચના આપતાં બોર્ડ પણ મૂકવાં જોઈએ.
એક ઍક્ટિવિસ્ટ ઇમરાન ઉદિતે કહ્યું હતું કે ‘બીએમસી આરે હૉસ્પિટલથી ગોરેગામ તરફના રસ્તાનું સમારકામ કરે છે એ સારી વાત છે, પરંતુ જંગલી પ્રાણીઓના અકસ્માત થતા રોકવા માટે જંગલ વિસ્તારમાંથી પસાર થતા રસ્તાઓ પર સ્પીડબ્રેકર મુકાવા જોઈએ. અગાઉ રસ્તાઓની સ્થિતિ સારી ન હોવાથી મોટરચાલકો ધીમી ગતિએ વાહનો ચલાવતા હતાં, પરંતુ રસ્તાઓનું સમારકામ કરાતાં હવે તેઓ ખૂબ જ તેજ ગતિથી વાહનો ચલાવે છે, જે વન્યજીવો માટે જોખમી પુરવાર થઈ શકે છે.’
પર્યાવરણવાદી ઝોરુ ભાથેનાએ કહ્યું હતું કે ‘બીએમસીએ આ પ્રોજેક્ટ શરૂ કર્યો ત્યારે અમે એની પ્રકૃતિનો વિરોધ કર્યો હતો. અમારા વિરોધની નોંધ લઈને બીએમસીએ રસ્તા પરનાં વૃક્ષો કાપીને રોડને પહોળો કરવાની યોજના પડતી મૂકી હતી. સમસ્યા માટે માર્ગદર્શન મેળવવા તેમણે વન વિભાગનો પણ સંપર્ક કર્યો હતો. એના માર્ગદર્શન મુજબ વન વિસ્તારમાં સ્પીડબ્રેકર્સ અને વાહનોની ગતિ મર્યાદિત રાખવા પગલાં લેવાં આવશ્યક છે તથા બીએમસીએ એનું પાલન કરવું જરૂરી છે.’