18 September, 2023 11:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રના સામાન્ય લોકોને ખૂબ લાભદાયી નીવડે એવો મોટો નિર્ણય મહારાષ્ટ્ર શાસન દ્વારા લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી સામાન્ય જનતાને લાભ થશે અને તેઓ ખાનગી હૉસ્પિટલોમાં પણ સારવાર લઈ શકશે. સરકારે મુખ્યમંત્રી સહાયતા નિધિ એટલે કે ચીફ મિનિસ્ટર્સ રિલીફ ફન્ડ (સીએમઆરએફ) હેઠળ હૉસ્પિટલોની નોંધણી માટે નવી પ્રક્રિયાની જાહેરાત કરી છે જેનો લાભ સામાન્ય લોકોને મળશે. એને કારણે સામાન્ય દરદીઓ મુખ્યમંત્રી સહાયતા નિધિ યોજના હેઠળ ખાનગી હૉસ્પિટલોમાં સારવાર મેળવી શકશે. નવી નિયમાવલિ મુજબ આ યોજના માટે હૉસ્પિટલની નોંધણીનો અધિકાર જિલ્લા સર્જ્યનને આપવામાં આવ્યો છે. એ પ્રમાણે લોકો હવે પોતાની સારવાર ખાનગી હૉસ્પિટલમાં સરળતાથી લઈ શકે છે.
૨૦ ગંભીર બીમારીનો સમાવેશ
સામાન્ય દરદીઓને મુખ્યમંત્રી સહાયતા નિધિ (સીએમઆરએફ) દ્વારા સારવાર માટે નાણાકીય સહાય મળે છે. આ યોજના હેઠળ ૨૦ ગંભીર રોગો જેમ કે અકસ્માત, હૃદયરોગ, કૅન્સર, કિડનીના રોગ સહિત ડાયાલિસિસ વગેરે માટે એકથી ત્રણ લાખ રૂપિયા આ નિધિમાંથી આપવામાં આવે છે. આ માટે હૉસ્પિટલોએ મુખ્યમંત્રી સહાયતા નિધિની કમ્પ્યુટર સિસ્ટમ પર નોંધણી કરાવવી જરૂરી છે અને ઍફિડેવિટ પર સર્જિકલ ઑફિસરની સહી હોવી જરૂરી છે. નોંધણી ન કરી હોય એવી હૉસ્પિટલમાં દાખલ દરદીઓ આ યોજનાનો લાભ મેળવી શકતા નથી. જોકે જિલ્લા સર્જ્યનોને ખાનગી હૉસ્પિટલોને પરવાનગી આપવાનો કોઈ શાસકીય આદેશ ન હોવાથી ખાનગી હૉસ્પિટલોની નોંધણી-પ્રક્રિયા રખડી પડી હતી. પરિણામે સામાન્ય દરદીઓ ખાનગી હૉસ્પિટલોમાં આ યોજનાનો લાભ મેળવી શકતા નહોતા. અનેક હૉસ્પિટલો ક્ષમતા હોવા છતાં મુખ્યમંત્રી સહાયતા નિધિની પૅનલમાં જઈ શકતી નથી. આ બધાં કારણોસર શાસન દ્વારા જાહેરનામું બહાર પાડીને તમામ જિલ્લા આરોગ્ય વિભાગને આ સંદર્ભે આદેશ આપવાની માગણી કરવામાં આવે એવી સતત માગણી દરદીમિત્રો દ્વારા શાસનને કરવામાં આવી રહી હતી.
રાજ્ય સરકારે આ વિશે ગંભીરતા દેખાડીને આ યોજના હેઠળ ખાનગી હૉસ્પિટલોને માન્યતા આપવા માટે નવી કાર્યપ્રક્રિયા સાથે પરિપત્ર બહાર પાડ્યો છે. ૩૦થી વધુ બેડની ક્ષમતા ધરાવતી ખાનગી હૉસ્પિટલો આ યોજનામાં ભાગ લઈ શકશે. મુખ્યમંત્રીના વૈદકીય સહાયતા કક્ષે આ સંદર્ભે રાજ્યના તમામ જિલ્લા સર્જ્યનોને મંજૂરી આપવાનો આદેશ જાહેર કર્યો છે.
હૉસ્પિટલોનું નિરીક્ષણ કરીને પરવાનગી અપાશે
પાલઘરના જિલ્લા સર્જ્યન ડૉ. સંજય બોદાડેએ માહિતી આપી હતી કે ‘શાસનના આ આદેશને કારણે અરજી કરનાર ખાનગી હૉસ્પિટલોનું નિરીક્ષણ કરીને પરવાનગી આપવામાં આવશે. યોજનાની આ નવી પ્રક્રિયાને કારણે આ યોજના હેઠળ રખડી પડેલી પરવાનગીઓ સાથે નવી હૉસ્પિટલોનો સમાવેશ કરવામાં આવશે.’
આ નવી નિયમાવલિથી લોકોએ ખૂબ લાભ થશે એમ કહેતાં દરદીમિત્ર રાજેન્દ્ર ઢગેએ જણાવ્યું હતું કે રાજ્યની ખાનગી હૉસ્પિટલોમાં સામાન્ય દરદીઓ આ યોજનાનો લાભ લઈ શકશે જેથી લાખો લોકોને રાહત મળી રહેશે.
મુખ્યમંત્રી સહાયતા કક્ષના પ્રમુખ મંગેશ ચિવટેનો સંપર્ક કરતાં તેઓ વ્યસ્ત હોવાનું જણાવ્યું હતું.