09 February, 2024 09:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બાબા સિદ્દિકી
ત્રણ વખત વિધાનસભ્ય અને ચાર વર્ષ રાજ્યના પ્રધાનપદે રહી ચૂકેલા કૉન્ગ્રેસના બાબા સિદ્દીકીએ ગઈ કાલે ૪૮ વર્ષના સંબંધનો અંત લાવીને સાથ છોડ્યો હતો. બાબા સિદ્દીકીએ સોશ્યલ મીડિયાના માધ્યમથી આ માહિતી આપી હતી અને તેઓ ૧૦ ફેબ્રુઆરીએ એક જાહેર સભા યોજીને અજિત પવાર જૂથની એનસીપીમાં સામેલ થશે એમ કહ્યું છે. તેમની પાછળ કૉન્ગ્રેસના બીજા બે મુસ્લિમ વિધાનસભ્યો અમીન પટેલ અને અસલમ શેખ પણ એનસીપીમાં જોડાવાની ચર્ચા છે. આ મુસ્લિમ વિધાનસભ્યોને બીજેપી નથી ગમતી, પણ સત્તા મેળવવા માટે તેઓ બીજેપી સાથે સરકારમાં સામેલ એનસીપીમાં સામેલ થઈ રહ્યા હોવાની ચર્ચા છે. કૉન્ગ્રેસે આ નવી પૅટર્ન શોધી કાઢી હોવાનું પણ કહેવાય છે.
સત્તા જોઈએ છે, પણ બીજેપી સાથે જવું નથી. બીજેપીના હિન્દુત્વવાદી રાજકારણથી તેમને મુશ્કેલી છે. કૉન્ગ્રેસના અનેક નેતા અત્યારે આવી મુશ્કેલીમાં મુકાયા છે. કૉન્ગ્રેસના આવા નેતાઓ અને વિધાનસભ્યોને સત્તા મેળવવા માટે અજિત પવારના એનસીપી જૂથમાં હવે પર્યાય દેખાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં કૉન્ગ્રેસના દક્ષિણ મુંબઈના ભૂતપૂર્વ સાંસદ મિલિંદ દેવરા તેમના અસંખ્ય સમર્થકો સાથે એકનાથ શિંદેની શિવસેનામાં સામેલ થયા હતા. આ સમયે કૉન્ગ્રેસના મુંબાદેવીના વિધાનસભ્ય અમીન પટેલ પણ કૉન્ગ્રેસ છોડી રહ્યા હોવાની ચર્ચા શરૂ થઈ હતી.
મુંબઈમાં કૉન્ગ્રેસના માત્ર ચાર વિધાનસભ્ય છે. આમાંથી ત્રણ વિધાનસભ્ય મુસ્લિમ સમાજના છે. ઝીશાન સિદ્દીકી, અસલમ શેખ અને અમીન પટેલનો આમાં સમાવેશ થાય છે. અજિત પવાર દ્વારા કૉન્ગ્રેસના આ વિધાનસભ્યોને પોતાના તરફ લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવાની ચર્ચા પાંચ દિવસ પહેલાં શરૂ થઈ હતી. બીજેપી અને શિવસેનાની હિન્દુત્વવાદી વિચારધારામાં આ નેતાઓ ઍડ્જસ્ટ થઈ શકે એમ નથી, પણ તેમને સત્તા જોઈએ છે. બાબા સિદ્દીકીથી શરૂઆત થઈ રહી છે એટલે બાકીના નેતાઓ પણ તેમના પગલે ચાલી શકે છે.
બાબા સિદ્દીકીએ શું કહ્યું?
બાબા સિદ્દીકીએ ગઈ કાલે કૉન્ગ્રેસમાંથી રાજીનામું આપવા વિશે સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી હતી, જેમાં લખ્યું હતું કે ‘મારો પ્રવાસ ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને સંજય ગાંધી સાથે રહ્યો હતો. અત્યારના કૉન્ગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે મારા પિતા સમાન છે. મોહન પ્રકાશ મારા મોટા ભાઈ જેવા છે, પરંતુ ક્યારેક-ક્યારેક વ્યક્તિગત જીવનમાં કેટલાક નિર્ણય લેવા પડે છે. હું પક્ષ છોડી રહ્યો છું એની વરિષ્ઠોને જાણ કરી છે. કંઈક તો થયું હશે જેને લીધે મેં કૉન્ગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. હું શિસ્તનું પાલન કરનારો છું એટલે ઘરની વાત બહાર નહીં કહું. કેટલીક વાતો ન કહેવી યોગ્ય હોય છે. મારી સાથે કૉન્ગ્રેસના ૪૮ વર્ષના પ્રવાસમાં મને સાથ આપનારા કાર્યકરો-નેતાઓ સાથે ૧૦ ફેબ્રુઆરીએ જાહેર સભાનું આયોજન કર્યું છે. આમાં કેટલાક જિલ્લા પરિષદના સભ્યો છે, કેટલાક નગરસેવકો છે. જેઓ મારી સાથે કામ કરવા માગે છે અને મારા આગળના પ્રવાસમાં સાથે રહેવા માગે છે તેમને લઈને હું અજિત પવારના પક્ષમાં સામેલ થઈશ અને એ પક્ષની તાકાત વધારીશ.’
બાબા સિદ્દીકીએ સાયરાના અંદાજમાં સંકેત આપ્યો છે કે આ તો શરૂઆત છે, હજી ઘણું બધું થવાનું છે. તેમના આવા નિવેદનથી કૉન્ગ્રેસના પેટમાં તેલ રેડાયું છે. કૉન્ગ્રેસ હવે પોતાના નેતા અને કાર્યકરોને રોકવા માટે કેવા અને કેટલા પ્રયાસ કરે છે એના પર સૌની નજર રહેશે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી અજિત પવાર દ્વારા મુંબઈમાં પગપેસારો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. હવે તેમને એનસીપી પક્ષનું સુકાન અને ચૂંટણીચિહન મળી ગયું છે એટલે વાડ પર બેસેલા કૉન્ગ્રેસના નેતાઓએ એનીપીસીમાં સામેલ થવા માટેનો ઢાળ મળી ગયો છે. તેઓ એનસીપીમાં સામેલ થશે તો અજિત પવારની મુંબઈમાં પક્ષને મજબૂત કરવાનો મોકો મળશે.
ફરી પંકજા મુંડેની બાદબાકી?
મહારાષ્ટ્રમાં રાજ્યસભાની છ બેઠક ખાલી થઈ રહી છે એની ચૂંટણી ૨૭ ફેબ્રુઆરીએ યોજાવાની છે ત્યારે દરેક પક્ષે પોતાની તૈયારીઓ આરંભી દીધી છે. છમાંથી ત્રણ બેઠક બીજેપીની છે. નારાયણ રાણે, પ્રકાશ જાવડેકર અને વી. મુરલીધરનની રાજ્યસભાની ટર્મ બીજી એપ્રિલે પૂરી થઈ રહી છે. આથી બીજેપી દ્વારા આ બેઠકો માટેના ઉમેદવાર નક્કી કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના ઘરે બેઠક મળી હતી જેમાં રાજ્યસભાની ચૂંટણી માટે આઠ નાક નક્કી કરવામાં આવ્યા હોવાનું કહેવાય છે. આ વખતે બીજેપી પંકજા મુંડેને રાજ્યસભામાં મોકલવાની ચર્ચા છે, પણ બીજેપીની યાદીમાં તેમનું નામ નથી. આથી ફરી એક વખત તેમને મોકો નહીં આપવામાં આવે એવું લાગી રહ્યું છે. નારાયણ રાણે, વિનોદ તાવડે, વિજયા રહાટકર, અમરીશ પટેલ, માધવ ભંડારી, ચિત્તા વાઘ, હર્ષવર્ધન પાટીલ અને સંજય ઉપાધ્યાયનાં નામ શૉર્ટલિસ્ટ કરવામાં આવ્યાં હોવાનું કહેવાય છે. આમાંથી ત્રણ નામ ફાઇનલ કરવામાં આવશે. વિનોદ તાવડેએ બિહારમાં સત્તા-પરિવર્તન કરાવ્યું છે એટલે તેમને રાજ્યસભાની બિક્ષસ મળી શકે છે. નારાયણ રાણેને લોકસભાના મેદાનમાં ઉતારવાની તૈયારી બીજેપી કરી રહી હોવાનું કહેવાય છે. આથી તેમને રાજ્યસભામાં રિપીટ કરવાની શક્યતા નથી.