30 August, 2024 03:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (મિડ-ડે)
કલ્યાણ અને બદલાપુર વચ્ચે ત્રીજી અને ચોથી લાઇન બાંધવાના પ્રોજેક્ટના ભાગરૂપે ૩૦ કરોડ રૂપિયાના ખર્ચે નવો ઓવરબ્રિજ બાંધવાનું કામ નિર્ધારિત સમય-મુદતના ૧૦ દિવસ પહેલાં ગયા શનિવારે પૂરું કરી દેવાયું હતું. આ નવો ઓવરબ્રિજ બદલાપુર-ઈસ્ટમાં અંબરનાથ-બદલાપુર મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MIDC) વિસ્તાર અને વેસ્ટમાં કટઈ-બદલાપુર રોડને ફૉરેસ્ટનાકા પાસે જોડશે. હાલની બે ટ્રૅકની રેલવેલાઇન પરનો ઓવરબ્રિજ આગામી દિવસોમાં તોડી પાડવામાં આવશે.
કલ્યાણ અને બદલાપુર વચ્ચે ૧૪ કિલોમીટર લાંબી ત્રીજી અને ચોથી લાઇન ૨૦૨૬ના ડિસેમ્બરમાં કાર્યરત થવાની ધારણા છે. નવી લાઇનને કારણે ઉપનગરીય ટ્રેન-સર્વિસ અને બહારગામની ટ્રેન-સર્વિસને અલગ-અલગ ટ્રૅક ઉપલબ્ધ થશે જેનો ફાયદો ઉપનગરીય ટ્રેનોના પ્રવાસીઓને થવાનો છે. ૨૨ ઑગસ્ટે વધારે ઉપનગરીય સર્વિસની માગણી માટે બદલાપુરમાં રેલવે-રોકો આંદોલન થયું હતું.
નવી રેલવેલાઇન બાંધવાનું કામ મુંબઈ રેલ વિકાસ કૉર્પોરેશન દ્વારા ૧૫૧૦ કરોડ રૂપિયાના ખર્ચે મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ (MUTP) 3A હેઠળ હાથ ધરવામાં આવ્યું છે. એમાં અંબરનાથથી ૪.૩૪ કિલોમીટર દૂર અને બદલાપુરથી ૩.૧ કિલોમીટર દૂર નવું ચિખલોલી રેલવે-સ્ટેશન પણ બાંધવામાં આવશે. ચોમાસા બાદ આ સ્ટેશન બાંધવાના કાર્યનો આરંભ થશે.
આ નવા કૉરિડોરને કારણે અંબરનાથ, ઉલ્હાસનગર અને બદલાપુરના પ્રવાસીઓને ઘણો ફાયદો થવાનો છે. હાલ બે ટ્રૅક હોવાથી ઉપનગરીય સર્વિસ મર્યાદિત છે.
આ પ્રોજેક્ટ માટે ૯.૭૭ હેક્ટરની પ્રાઇવેટ જમીન-સંપાદનનું કાર્ય પૂર્ણ થયું છે. ૨.૫૯ હેક્ટરની સરકારી જમીનનું પણ અધિગ્રહણ કરી દેવાયું છે.