27 November, 2024 12:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાવસાહેબ દાનવે
ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ સંસદસભ્ય રાવસાહેબ દાનવેએ ગઈ કાલે મીડિયાને માહિતી આપતાં કહ્યું હતું કે ‘રાજ્યમાં મહાયુતિએ મોટો વિજય મેળવ્યો છે ત્યારે ચૂંટાઈ આવેલા વિધાનસભ્યો અત્યારે તેમના વિસ્તારમાં જઈને લોકોને મળી રહ્યા છે. આજકાલમાં આ બધા વિધાનસભ્યો મુંબઈ પહોંચશે. આથી ૨૯ નવેમ્બરે મુંબઈમાં અમારા પક્ષના ચૂંટાઈ આવેલા વિધાનસભ્યોના નેતાની પસંદગી વરિષ્ઠ નેતાઓની હાજરીમાં કરવામાં આવશે. એના બીજા દિવસે એટલે કે ૩૦ નવેમ્બરે નવી સરકારની શપથવિધિ કરવામાં આવશે. જોકે એ સમયે BJPના ૧૦, શિંદેસેનાના ૬ અને અજિત પવારની પાર્ટીના ૪ મળીને કુલ ૨૦ કૅબિનેટ પ્રધાનની જ શપથવિધિ થશે. બીજું, ચૂંટણી પહેલાં જ નક્કી થઈ ગયું હતું કે રિઝલ્ટ બાદ ત્રણેય પક્ષના નેતા મુખ્ય પ્રધાનપદનો નિર્ણય લેશે. આથી BJPના મુખ્ય પ્રધાન બનાવવામાં આવે એવી શક્યતા છે તો એકનાથ શિંદે નારાજ થવાનો કોઈ સવાલ જ નથી થતો. હા, મુખ્ય પ્રધાન કોણ બનશે એ પાર્ટીના વરિષ્ઠ નેતા જ નક્કી કરીને જાહેર કરશે.’