23 November, 2022 11:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
બોરીવલીમાં ગોરાઈ રોડ પર રવિવારે રાતે બીટ માર્શલ પોતાની ફરજ બજાવી રહ્યા હતા ત્યારે નજીકમાં બાળકના રડવાનો અવાજ સંભળાયો હતો. એ પછી થોડે આગળ તપાસ કરતાં ફુટપાથ પરથી એક નવજાત બાળકી ટુવાલમાં લપેટાયેલી હાલતમાં મળી આવી હતી. આ બાબતની જાણ મોટા અધિકારીઓને કરતાં બાળકીને પહેલાં ઇલાજ માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યાર બાદ અજાણ્યા આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધીને પોલીસે તપાસ હાથ ધરી છે.
બોરીવલીની પૅટ્રોલિંગ ટીમ રવિવારે પોતાની ફરજ બજાવી રહી હતી ત્યારે બોરીવલી પોલીસ સ્ટેશન સાથે જોડાયેલા એક પોલીસ કૉન્સ્ટેબલે ગોરાઈ રોડ પર આકાશવાણી બસ-સ્ટૉપ પાસે રડતા બાળકનો અવાજ સાંભળ્યો હતો. ત્યાર પછી તેણે તાત્કાલિક પોલીસ કન્ટ્રોલ રૂમને ઘટનાની જાણ કરી હતી. તરત જ એમએચબી પોલીસ સ્ટેશનની નિર્ભયા સ્ક્વૉડ ઘટનાસ્થળે પહોંચી હતી.
આકાશવાણી બસ-સ્ટૉપની પાછળ ફુટપાથ પર ત્યજી દેવાયેલી નવજાત બાળકીએ ગુલાબી ટી-શર્ટ અને ડાયપર પહેર્યું હતું અને તે સફેદ રંગના ટુવાલમાં લપેટાયેલી હતી. ત્યાર પછી તેને વધુ ઇલાજ માટે શતાબ્દી હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવી હતી. ત્યાં હાજર ડૉક્ટર વિરાજ જાધવે બાળકીની સ્થિતિ સ્થિર હોવાનું જણાવતાં તેને વધુ ઇલાજ માટે હૉસ્પિટલમાં દાખલ કરીને અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ એમએચબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.
એમએચબી પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી અસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર બશીર શેખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે અજાણ્યા આરોપી સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. હાલમાં બાળકીને શતાબ્દી હૉસ્પિટલમાં ઇલાજ માટે ઍડ્મિટ કરવામાં આવી છે. તેની હાલત વધુ સારી થતાં તેને ચાઇલ્ડ સેન્ટરમાં સોંપવામાં આવશે, જે પછી તેના અડૉપ્શનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.’