30 May, 2024 01:54 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જિતેન્દ્ર આવ્હાડ
મહારાષ્ટ્રમાં સ્કૂલના અભ્યાસક્રમમાં મનુસ્મૃતિના શ્લોકને સામેલ કરવાના રાજ્ય સરકારના નિર્ણયના વિરોધમાં મહાડમાં શરદ પવાર જૂથની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-SP)ના રાષ્ટ્રીય મહામંત્રી જિતેન્દ્ર આવ્હાડે મનુસ્મૃતિના પોસ્ટર સાથે ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની તસવીર ફાડી નાખતાં થયેલા વિવાદ બાદ સત્તાધારી મહાયુતિ અને બીજા પક્ષોએ જિતેન્દ્ર આવ્હાડ પર નિશાન સાધ્યું હતું એટલે જિતેન્દ્ર આવ્હાડે ગઈ કાલે જાહેરમાં માફી માગી હતી.
મહારાષ્ટ્રમાં રાજ્ય સરકારે સ્કૂલમાં બાળકોને ભારતીય મૂલ્યોથી પરિચિત કરાવવા ભગવદ્ગીતાના શ્લોકો સામેલ કરવાની સાથે મનુસ્મૃતિના શ્લોકો પણ સામેલ કરવાનો નિર્ણય લીધો હતો. આના વિરોધમાં યોજાયેલા પ્રદર્શનમાં જિતેન્દ્ર આવ્હાડે આંબેડકરની તસવીર ધરાવતું પોસ્ટર જાહેરમાં ફાડી નાખ્યું હતું.માફી માગતી વખતે જિતેન્દ્ર આવ્હાડે કહ્યું હતું કે ‘સરકારે મનુસ્મૃતિના શ્લોકો અભ્યાસક્રમમાં દાખલ કરવાનો નિર્ણય લીધો છે. મહાડમાં અમે મનુસ્મૃતિની પ્રતો બાળી રહ્યા હતા એ સમયે મારાથી મોટી ભૂલ થઈ હતી. કાર્યકરો મનુસ્મૃતિનાં પોસ્ટરો લાવ્યા હતા અને એના પર બાબાસાહેબ આંબેડકરની તસવીર હતી. મને એની જાણ નહોતી અને એ ભૂલથી મારાથી ફાડી નાખવામાં આવી હતી. આ માટે હું જાહેરમાં માફી માગું છું. સૌને ખબર છે કે હું વર્ષોથી ડૉ. બાબાસાહેબ આંબેડકરની વિચારસરણીને અનુસરી રહ્યો છું. અત્યાર સુધી મારે કોઈ પણ મુદ્દે માફી માગવાનો વારો આવ્યો નથી. જોકે જે ભૂલ થઈ છે એ માટે હું માફી માગું છું, કારણ કે આ મારા પિતાનું અપમાન છે. મને આશા છે કે આંબેડકરના અનુયાયીઓ મને માફ કરી દેશે.’
જિતેન્દ્ર આવ્હાડે આંબેડકરની તસવીર ફાડી એના વિરોધમાં રાજ્યમાં ભારે વિરોધ થયો છે. અનેક પોલીસ-સ્ટેશનોમાં સત્તાધારી મહાયુતિના ભારતીય જનતા પાર્ટી, શિવસેના શિંદે ગ્રુપ અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી-અજિત પવાર ગ્રુપના નેતાઓ અને દલિત સંસ્થાઓના પ્રતિનિધિઓએ ફરિયાદ નોંધાવી છે.