02 June, 2023 10:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને મળવા ગયેલા શરદ પવાર
એકનાથ શિંદેએ કહ્યું કે મરાઠા સંસ્થાના કાર્યક્રમનું આમંત્રણ આપવા આવેલા. આ મુલાકાતની ગણતરીની મિનિટોમાં ગૌતમ અદાણી મરાઠા નેતાને મળવા તેમના ઘરે પહોંચી ગયા
એનસીપીના ચીફ શરદ પવાર ગઈ કાલે સાંજે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને તેમના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા બંગલામાં મળવા માટે ગયા હતા. મહાવિકાસ આઘાડીમાં સામેલ ઉદ્ધવ ઠાકરે વિદેશમાં છે ત્યારે શરદ પવારે એકનાથ શિંદે સાથે ૩૫ મિનિટ વાતચીત કરી હતી. આ મુલાકાત સમયે તેમના હાથમાં કેટલાંક કાગળિયા હતાં. મુખ્ય પ્રધાનને શા માટે મળવા ગયા હતા એ વિશે શરદ પવાર વર્ષા બંગલાની બહાર નીકળ્યા ત્યારે કંઈ પણ કહ્યા વિના નીકળી ગયા હતા.
શરદ પવારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને મળવા માટે સમય માગ્યો હતો. એ મુજબ ગઈ કાલે તેઓ એકનાથ શિંદેના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા બંગલા પર પહોંચ્યા હતા. એ સમયે તેમના હાથમાં કેટલાંક કાગળિયા હતાં. બંને નેતાઓ વચ્ચે ૩૫ મિનિટ વાતચીત થઈ હતી. જોકે તેમની વચ્ચે શું વાત થઈ એ જાણી શકાયું નહોતું.
શરદ પવાર વર્ષા બંગલાની બહાર નીકળ્યા બાદ પત્રકારો સાથે કોઈ વાતચીત કર્યા વિના નીકળી ગયા હતા. જોકે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘શરદ પવાર મરાઠા સંસ્થાના અમૃત મહોત્સવનું આમંત્રણ આપવા માટે આવ્યા હતા. તેમની આ શુભેચ્છા મુલાકાત હતી. બીજી કોઈ રાજકીય ચર્ચા થઈ નથી.’
ઉદ્ધવ ઠાકરે અત્યારે વિદેશમાં છે ત્યારે શરદ પવાર એકનાથ શિંદેને મળતાં જાત જાતની અટકળો લગાવાઈ હતી. જોકે એકનાથ શિંદેએ આ રાજકીય મુલાકાત ન હોવાનું કહ્યું હતું.
શરદ પવારના પ્રયાસથી જ ઉદ્ધવ ઠાકરેની આગેવાનીમાં એ સમયની શિવસેના, એનસીપી અને કૉન્ગ્રેસે મહાવિકાસ આઘાડી બનાવીને ૨૦૧૯માં સત્તાની સ્થાપના કરી હતી. ગયા વર્ષે જૂન મહિનામાં એકનાથ શિંદેએ શિવસેનામાં બળવો કરવાથી રાજ્યમાંથી મહાવિકાસ આઘાડીની સરકાર તૂટી પડી હતી. ત્યાર બાદ શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે કે કૉન્ગ્રેસના નેતાઓએ એકનાથ શિંદે કે બીજેપીની ટીકા કરવાની એક પણ તક જવા નથી દીધી. આવા સમયે એકનાથ શિંદે મુખ્ય પ્રધાન બન્યા બાદ શરદ પવાર પહેલી વખત તેમના સત્તાવાર નિવાસસ્થાને મળવા ગયા હતા. આથી રાજકીય ચર્ચા શરૂ થાય જ.
આ મીટિંગની ગણતરીની મિનિટોમાં જ ઇન્ડસ્ટ્રિયલિસ્ટ ગૌતમ અદાણી શરદ પવારને મળવા તેમના બંગલે ગયા હતા. તેમની વચ્ચે ૩૦ મિનિટ ચર્ચા થઈ હતી.