18 April, 2021 10:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નવાબ મલિક
મહારાષ્ટ્રમાં કોરાનાના દરદીઓ માટે ઉપયોગી એવાં રેમડેસિવીર ઇન્જેક્શન ન મળી રહ્યાં હોવાથી માઇનૉરિટી પ્રધાન અને એનસીપીના નેતા નવાબ મલિકે ગઈ કાલે નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ મૂક્યો હતો. રાજ્ય સરકારે રેમડેસિવીરનું ઉત્પાદન કરતી ૧૬ કંપની પાસેથી ઇન્જેક્શનની માગણી કરી છે, પરંતુ કેન્દ્ર સરકારે આ કંપનીઓને મહારાષ્ટ્રમાં ઇન્જેક્શન આપશો તો લાઇસન્સ કૅન્સલ કરવાની ધમકી આપી હોવાનું નવાબ મલિકે કહ્યું હતું. બીજેપીએ નવાબ મલિક પુરાવા આપે, નહીં તો માફી માગે અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે આ બાબતે સ્પષ્ટતા કરે એવી માગણી કરી હતી.
બીજેપીના મુખ્ય પ્રવક્તા કેશવ ઉપાધ્યેએ નવાબ મલિકે કરેલા આરોપનો જવાબ આપતાં કહ્યું હતું કે ‘મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આ બાબતે પોતાની ભૂમિકા સ્પષ્ટ કરવી જોઈએ. આવા પુરાવા વિનાના આરોપ કરવાને બદલે નવાબ મલિકે પુરાવા રજૂ કરવા જોઈએ અને એમની પાસે પુરાવા ન હોય તો માફી માગવી જોઈએ. પરિસ્થિતિ ગંભીર છે ત્યારે મહાવિકાસ આઘાડી સરકારે દોષારોપણની રમત બંધ કરીને કોરોનાની પરિસ્થિતિ પર ધ્યાન આપવું જોઈએ. મુખ્ય પ્રધાને આ પ્રકારના નિરાધાર અને બેજવાબદાર આરોપ કરનારા પ્રધાનોને રોકવા જોઈએ.’
બીજેપીના વિધાનસભ્ય રામ કદમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોરોનાનું સંકટ ગયા વર્ષથી શરૂ થયું છે. ત્યારથી અત્યાર સુધી રાજ્ય સરકારે ન તો નવી હૉસ્પિટલો બનાવી, ન બેડ ઉપલબ્ધ કરાવ્યા કે નથી જરૂરી દવાઓનો સ્ટૉક મેળવ્યો. સચિન વઝેને લઈને વસૂલીની ગંદી રમત એક વર્ષ સુધી સરકાર રમતી રહી. નવાબ મલિક પાસે રેમડેસિવીર ઇન્જેક્શન બાબતે કરેલા કેન્દ્ર સરકાર પર બેજવાબદાર આરોપના પુરાવા હોય તો રજૂ કરે, નહીં તો તેઓ રાજ્યની જનતાની માફી માગવાની સાથે રાજીનામું આપે.’
નવાબ મલિકે શું કહ્યું?
માઇનૉરિટી પ્રધાન અને એનસીપીના નેતા નવાબ મલિકે ગઈ કાલે બે ટ્વીટ કરી હતી કે ‘આ ખૂબ જ દુખદ અને ચોંકાવનારું છે. મહારાષ્ટ્ર સરકારે જ્યારે ૧૬ કંપનીને રેમડેસિવીરને નિકાસ કરવાનું કહ્યું ત્યારે આ કંપનીઓએ અમને કહ્યું હતું કે અમને સરકારે મહારાષ્ટ્રને દવાઓ પૂરી ન પાડવાનું કહ્યું છે. જો અમે રાજ્યને આ દવા આપીશું તો અમારું લાઇસન્સ રદ કરવાની ધમકી આપવામાં આવી છે. આવી પરિસ્થિતિમાં દવાનો સ્ટૉક જપ્ત કરીને જરૂરિયાતમંદોને પૂરી પાડવા સિવાય મહારાષ્ટ્ર સરકાર પાસે કોઈ વિકલ્પ નથી.’