Nawab Malik Bail : નવાબ મલિકને મની લોન્ડરિંગ કેસ માટે SCએ આપી રાહત, 3 મહિના માટે વધ્યા જામીન

12 October, 2023 12:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Nawab Malik Bail : મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી નવાબ મલિકના વચગાળાના જામીન 3 મહિના માટે લંબાવવામાં આવ્યા છે. આ પહેલા 11 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે ખરાબ તબિયતના આધારે 2 મહિનાના વચગાળાના જામીન આપ્યા હતા.

નવાબ મલિકની ફાઇલ તસવીર

NCP નેતા નવાબ મલિકને સુપ્રીમ કોર્ટ દ્વારા મોટી રાહત (Nawab Malik Bail) આપવામાં આવી છે. મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી નવાબ મલિકના વચગાળાના જામીન 3 મહિના માટે લંબાવવામાં આવ્યા છે. આ પહેલા 11 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે ખરાબ તબિયતના આધારે 2 મહિનાના વચગાળાના જામીન આપ્યા હતા. મળતી માહિતી અનુસાર કિડનીની સમસ્યાને કારણે તેમની જામીનની મુદત (Nawab Malik Bail) લંબાવવામાં આવી છે. નવાબ મલિકની ફેબ્રુઆરી 2022માં મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. નવાબ મલિક મની લોન્ડરિંગ કેસમાં દોઢ વર્ષથી જેલમાં હતા.

નવાબ મલિકની ધરપકડ ક્યારે થઈ હતી?

ફેબ્રુઆરી 2022માં (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) EDએ ગોવાલા કમ્પાઉન્ડ કેસમાં મની લોન્ડરિંગ એક્ટ હેઠળ નવાબ મલિકની ધરપકડ (Nawab Malik Bail) કરી હતી. પરંતુ ગયા વર્ષથી કોર્ટની પરવાનગીથી મલિકને કુર્લાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મલિકે ઘણી વખત જામીન માટે અરજી કરી હતી. પરંતુ તેની જામીન અરજી વારંવાર ફગાવી દેવામાં આવી હતી. આજે સુપ્રીમ કોર્ટે આખરે મલિકને મોટી રાહત આપી છે અને તેમને મેડિકલ ગ્રાઉન્ડ પર જામીન આપી દીધા છે.

નવાબ મલિક પર કયા આરોપ મૂકવામાં આવ્યા હતા?

હસીના પારકર, સલીમ પટેલ, 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટના આરોપી સરદાર ખાન અને નવાબ મલિક પર ગોવાલા કમ્પાઉન્ડમાં મુનિરા પ્લમ્બર નામની મહિલા પાસેથી ત્રણ એકર જમીન ગેરકાયદેસર રીતે પચાવી પાડવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. વર્ષ 1999માં સલીમ પટેલના નામે પાવર ઓફ એટર્ની જારી કરવામાં આવી હતી. આ સાથે સલીમ પટેલે આ જમીન પરનો ગેરકાયદેસર કબજો ખતમ થવાની આશા વ્યક્ત કરી હતી. જો કે, એવો આરોપ છે કે પટેલે તેનો દુરુપયોગ કર્યો અને હસીના પારકરની સૂચના પર ગોવાલા કમ્પાઉન્ડની જમીન મલિકની સોલિડસ ઇન્વેસ્ટમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને વેચી દીધી હતી. 

બોમ્બે હાઈકોર્ટે શું કહ્યું હતું?

બોમ્બે હાઈકોર્ટે એક સમયે જણાવ્યું હતું કે નવાબ મલિકના મેડિકલ રિપોર્ટમાં એવું કઈ જ નથી દેખાતું કે અરજદાર કોઈ ગંભીર બીમારીથી પીડિત હોય. અથવા તેની જમણી કિડની યોગ્ય રીતે કામ કરી રહી નથી તેવા પણ કોઈ મેડિકલ રિપોર્ટ નથી. તેનાથી વિપરીત અહેવાલ તો એમ જણાવે છે કે અરજદારને હોસ્પિટલમાં દાખલ કરવાની પણ જરૂર નથી.

જસ્ટિસ બેલા એમ ત્રિવેદી અને દીપાંકર દત્તાની બેન્ચે હવે નોંધ્યું હતું કે મલિક કિડનીની બિમારીથી પીડિત છે અને 11 ઓગસ્ટથી જ્યારે તેમને બે મહિના માટે વચગાળાના જામીન (Nawab Malik Bail) આપવામાં આવ્યા હતા ત્યારથી તેમની સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. મલિકે હાઈકોર્ટ પાસેથી રાહત માંગી હતી.  અને એવો પણ દાવો કર્યો હતો કે તે અન્ય વિવિધ બિમારીઓ ઉપરાંત કિડનીના ભયંકર રોગથી પીડિત છે. તેણે મેરિટના આધારે જામીન પણ માંગ્યા હતા.

nawab malik directorate of enforcement supreme court mumbai news mumbai