દાઉદ ઇબ્રાહિમ સાથે સંબંધ હોવાના આરોપ બાદ પણ નવાબ મલિક અને તેમની દીકરીને અજિત પવારની ટિકિટ

19 October, 2024 07:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નવાબ મલિકને શિવાજીનગર-માનખુર્દ અને સનાને અણુશક્તિનગર બેઠકની ઉમેદવારી આપવાનું નક્કી

નવાબ મલિક, અજીત પવાર, સના મલિક

અન્ડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમ સાથે સંબંધ હોવાના આરોપસર જેલમાં જઈ આવેલા નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના અણુશક્તિનગરના વિવાદાસ્પદ વિધાનસભ્ય નવાબ મલિક અને તેમની પુત્રી સનાને અજિત પવારે વિધાનસભાની ચૂંટણીની ટિકિટ ફાળવી હોવાનું જાણવા મળ્યું હતું. નવાબ મલિક અત્યારે અણુશક્તિનગર વિધાનસભા બેઠકના વિધાનસભ્ય છે તો પણ તેમને શિવાજીનગર-માનખુર્દ બેઠક ફાળવવામાં આવી છે, જ્યારે તેમની અણુશક્તિનગર બેઠક તેમની પુત્રી સના મલિકને આપવામાં આવી છે. દાઉદ ઇબ્રાહિમ સાથે સંબંધ હોવાના પુરાવા સામે આવ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે સહિતના નેતાઓએ નવાબ મલિકની એક સમયે આકરી ટીકા કરી હતી, પણ NCPના ભાગલા બાદ નવાબ મલિક મહાયુતિમાં સામેલ અજિત પવાર સાથે રહ્યા છે એટલે હવે અગાઉ વિરોધ કરનારાઓએ નવાબ મલિક અને તેમની પુત્રી માટે ચૂંટણીપ્રચાર કરવો પડે એવી સ્થિતિ ઊભી થઈ છે. 

નવાબ મલિક vs અબુ આઝમી

સૂત્રોએ જણાવ્યા મુજબ લોકસભાની ચૂંટણીમાં મહા વિકાસ આઘાડીને માનખુર્દ બેઠકમાં મોટી સરસાઈ મળી હતી એટલે વિધાનસભાની ચૂંટણીમાં અહીંના મુસ્લિમ મતોને વિભાજિત કરવાની રણનીતિના ભાગરૂપે નવાબ મલિકની બેઠક બદલીને તેમને સમાજવાદી પાર્ટીના સતત ત્રણ વખતના વિધાનસભ્ય અબુ આઝમી સામે ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કહેવાય છે.

mumbai news mumbai dawood ibrahim nationalist congress party ajit pawar nawab malik maharashtra assembly election 2024