છત્રપતિ શિવાજી મહારાજનું સમુદ્રી સામર્થ્ય આપણે પાછું મેળવવાનું છે

05 December, 2023 09:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નૌસેના દિવસ નિમિત્તે સિંધુદુર્ગમાં પહેલી વખત પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નૌસેનાના નવા ધ્વજ અને લોગો પર છત્રપતિની રાજમુદ્રા અંકિત કરવાનો ગર્વ હોવાનું કહ્યું : ૧૬૬૦માં બાંધવામાં આવેલા રાજકોટ કિલ્લા પર છત્રપતિના વિશાળ પૂતળાનું અનાવરણ કર્યું

ગઈ કાલે નૌસેના દિવસ નિમિત્તે સિંધુદુર્ગ પહોંચેલા નરેન્દ્ર મોદી. આ પ્રસંગે રાજ્યના અન્ય મહાનુભાવો પણ હાજર રહ્યા હતા (તસવીર : પી.ટી.આઇ)

ભારતીય નૌસેના દિવસ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે સિંધુદુર્ગમાં તારકર્લી ખાતે આવેલા અને ૧૬૬૦માં છત્રપતિ શિવાજી મહારાજે બાંધેલા રાજકોટ કિલ્લામાં ઊભા કરવામાં આવેલા છત્રપતિના વિશાળ પૂતળાનું અનાવરણ કર્યું હતું અને કહ્યું હતું કે ભારતીય નૌસેનાની શરૂઆત છત્રપતિએ કરી હતી. શિવાજી મહારાજ દૂરંદેશી હતા એટલે તેમણે શક્તિશાળી નૌસેના ઊભી કરી હતી અને લાંબા સમય સુધી રાજ કર્યું હતું. છત્રપતિના સમુદ્રી-સામર્થ્યને આપણે પાછું મેળવવું છે. એ માટે કેન્દ્ર સરકાર દ્વારા નૌસેના તેમ જ સમુદ્ર સાથે સંકળાયેલા તમામ વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે લાખો કરોડો રૂપિયાની યોજના શરૂ કરી છે. આ સમયે વડા પ્રધાને નૌસેનાના ધ્વજ અને યુનિફૉર્મ પર રાજમુદ્રા અંકિત કરવામાં આવ્યા હોવાનું ગૌરવ અનુભવ્યું હતું. 
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નૌસેના દિવસ નિમિત્તે સિંધુદુર્ગમાં આયોજિત કરવામાં આવેલા કાર્યક્રમમાં કહ્યું હતું કે ‘કોઈ પણ દેશ માટે સમુદ્રી-સામર્થ્ય કેટલું મહત્ત્વનું હોય છે એ છત્રપતિ શિવાજી મહારાજે જાણ્યું હતું. સમુદ્રમાં શક્તિ વધારવા માટે તેમણે ઘણું કામ કરેલું. સમુદ્રમાં જેનું વર્ચસ હોય તે સર્વ શક્તિમાન બની શકે એ છત્રપતિએ બરાબર સમજ્યું હતું. તેમણે હિરોજી ઈંદુલકર અને કાન્હોજી આન્ગ્રે જેવા લોકો ઊભા કર્યા. સિંધુદુર્ગનો ઐતિહાસિક કિલ્લો શિવાજી મહારાજની શક્તિનું પ્રતીક છે.’

વડા પ્રધાને આગળ કહ્યું હતું કે ‘છત્રપતિ શિવાજી મહારાજ પાસેથી પ્રેરણા લઈને આજે ભારત ગુલામીની માનસિકતામાંથી બહાર આવીને આગળ વધી રહ્યું છે. મને આનંદ છે કે આપણા નૌસેનાના અધિકારીઓના યુનિફૉર્મ પર છત્રપતિ શિવાજી મહારાજની ઝલક જોવા મળશે. મારું સૌભાગ્ય છે કે નૌસેનાના ધ્વજ પર ગયા વર્ષે મને છત્રપતિ શિવાજી મહારાજના સ્વરાજ્યને જોડવાની તક મળી હતી. ભારતીય નૌસેના હવે તેમની રૅક્સનું નામકરણ ભારતીય પરંપરા મુજબ કરશે. અમે સશસ્ત્ર દળમાં નારીશક્તિ વધારવા પર ભાર દઈ રહ્યા છીએ. નૌસેનાનું અભિનંદન કરું છું કે તેમણે નેવલ શિપમાં પહેલી મહિલા અધિકારીની નિયુક્તિ કરી છે. સિંધુદુર્ગનો ઐતિહાસિક કિલ્લો, તારકલીનો આ સુંદર કિનારો, ચારેબાજુએ છત્રપતિ શિવાજી મહારાજનો પ્રતાપ છવાયેલો છે. તેમની વિશાળ પ્રતિમાનું અનાવરણ છત્રપતિની યાદ તાજી કરાવે છે.’

વડા પ્રધાને વધુમાં કહ્યું હતું કે ‘ભારતનો ઇતિહાસ માત્ર ૧૦૦૦ વર્ષની ગુલામીનો નથી. ભારતનો ઇતિહાસ વિજયનો છે, શૌર્યનો છે, જ્ઞાન-કલા-કૌશલ્યનો, સમુદ્રી-સામર્થ્યનો છે. હજારો વર્ષ પહેલાં પશ્ચિમથી લઈને દક્ષિણ સુધીના ભારતનાં બંદરોમાં દૂર-દૂર સુધી સમુદ્રમાર્ગે વેપાર થતો હતો. સુરતના બંદરે એ સમયે ૮૫ દેશના ધ્વજ ફરકતા હતા. સેંકડો વર્ષ પહેલાં ટેક્નૉલૉજી નહોતી તો પણ આપણા પૂર્વજોએ સિંધુદુર્ગમાં કિલ્લા બનાવ્યા હતા. એ સમયે ભારતની સૌથી મોટી તાકાત સુમુદ્રની હતી. વિદેશી આક્રમણકારોએ ભારતની શક્તિ ઘટાડવા માટે સૌથી પહેલાં આપણી આ સંસ્કૃતિ પર આક્રમણ કર્યું હતું. સમુદ્રી-શક્તિ તૂટ્યા બાદ ભારત ગુલામ બન્યું હતું. જોકે હવે આપણે ફરીથી ઊભા થયા છીએ અને આપણા ગૌરવને પાછું લાવવા માટે મથી રહ્યા છીએ. ભારત સરકાર અત્યારે દરેક ક્ષેત્રમાં કામ કરી રહી છે. બ્લુ ઇકૉનૉમીને પ્રોત્સાહન આપી રહી છે. ભારત વિશ્વની ત્રીજી આર્થિક સત્તા બનવાની દૃ​ષ્ટિએ પ્રવાસ કરી રહ્યું છે. આકાશ અને સમુદ્રમાં વિશ્વમાં ભારતનું સામર્થ્ય દેખાઈ રહ્યું છે. સાડાત્રણ દાયકા પહેલાં છત્રપતિ શિવાજી મહારાજે સમુદ્રમાં જે સામર્થ્ય મેળવ્યું હતું એવું આપણે ફરી મેળવીશું એવો મને વિશ્વાસ છે.’

narendra modi indian navy sindhudurg maharashtra eknath shinde devendra fadnavis mumbai mumbai news shivaji maharaj